નકલી કચેરી કૌભાંડ બાદ નકલી લેટરપેડ કાંડ સામે આવતાં ચકચાર..
દાહોદ જિલ્લા પંચાયત પ્રમુખના નકલી પત્રથી સંશોધન અધિકારીને અમરેલી બદલી કરી દેવાઈ.
જિલ્લા પંચાયત પ્રમુખના કાર્યકાળ બાદ લેટરપેડનો ઉપયોગ.
સહી સાથે નકલી લેટર પેડ લખનારની તપાસ અનિવાર્ય..
દાહોદ તા.30
દાહોદ જિલ્લામાં નકલી સરકારી કચેરી ઉભી કરીને 18.59 કરોડ રૂપિયાના કૌભાંડની તપાસનો ધમધમાટ ચાલી જ રહ્યો છે ત્યારે હવે જિલ્લા પંચાયત પ્રમુખના નામના નકલી લેટર પેડનો ઉપયોગ કરીને આયોજન કચેરીમાં ફરજાધિન સંશોધન અધિકારીની બદલી કરાવ્યાનો ઘટસ્ફોટ થયો હ હતો.
દાહોદ જિલ્લાની આયોજન કચેરીમાં સંશોધન અધિકારી તરીકે કલ્પેશ ચોટલિયા ફરજ બજાવે છે. આ કલ્પેશ ચોટલિયાની ફરિયાદ કરતો જિલ્લા પંચાયત પ્રમુખ શીતલબેન વાઘેલાના લેટરપેડ ઉપર 25 સપ્ટેમ્બરે જાવક નંબર વગરનો એક પત્ર સામાન્ય વહિવટના આયોજન સચિવ રાકેશ શંકરને લખ્યો હતો. તેમાં કલ્પેશ ચોટલિયા જિલ્લા આયોજન કચેરી ખાતે પોતાનું મનસ્વી વર્તન રાખીને સેવા બજાવતા હોય તેમ પ્રજાલક્ષી વિકાસ કામોમા ઢીલરાખીને સરકારની કામગીરીમાં સમય વેડફાટ કરતા હોય તેવું જણાઈ આવે છે. એમ.એલ.એ ગ્રાન્ટમાં કાર્યકરો પાસોથી વિવિધ માંગો કરે છે. જે તદ્દન ખોટુ છે.અવાર-નવાર કાર્યકરો, સભ્યો નારાજ થાય છે. જેથી પ્રજાલક્ષી યોજનાઓ કરવાની થતી સમય મર્યાદામાં કામગીરીમાં વિક્ષેપ પડતો હોય છે. જે નકારાત્મક વર્તન અને માનસિકતાના લીધે તેઓની તાત્કાલિક અને જિલ્લામાં બદલી કરી કોઇ અન્ય સંશોધન અધિકારીને આ હોદ્દા ઉપર મુકે તેવી ખાસ ભલામણ છે. દરમિયાન આ પત્ર મામલે કલ્પેશ ચોટલિયાને નોટિસ પણ અપાઇ હતી અને જવાબ લખાવવાનો થતાં તેણે પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ શીતલબેન વાઘેલાનો સંપર્ક કરતાં આ બાબતનો ભંડાફોળ થયો હતો.આ પત્ર પહોંચયા બાદ હાલમાં જ 26 ડિસેમ્બર 2023ના રોજ અર્થશાશ્ત્ર અને આંકડા શાશ્ત્ર નિયામકની કચેરી દ્વારા રાજ્યમાં આંકડા અધિકારી અને આયોજન કચેરીના કર્મચારીઓની બદલીના ચીપેલા ગંજીફામાં કલ્પેશ ચોટલિયાની બદલી પણ અમરેલી જિલ્લા પંચાયતની આંકડા અધિકારીની કચેરી ખાતે કરી દેવામાં આવી હતી. જોકે, કલ્પેશ ચોટલિયાએ તેમના બે બાળકો દાહોદ જિલ્લામાં ભણતા હોવાથી તેમના અભ્યાસમાંખલેલ ન પહોંચે તે માટે હાલ પુરતી બદલી સ્થગિત કરવાનો વિનંતિ પત્ર 26 ડિસેમ્બરના રોજ જ આયોજન સિચવને લખી નાખ્યો હતો.જેમાં કલ્પેશ ચોટલિયાની બદલી કરાવવા માટે આ પત્ર કોણે અને કયા કારણોસર લખ્યો તે તપાસનો વિષય બન્યો છે.
જવાબ રજૂ કરવા નોટિસ મળતાં ભેદ ખુલ્યો.
દાહોદના સંશોધન અધિકારી કલ્પેશ ચોટલીયા વિરૂદ્ધ ગેરરીતિના આક્ષેપ સાથે જિ. પં. પ્રમુખ શિતલબેન વાઘેલાના નામનો પત્ર લખ્યો હતો. ત્યાર બાદ આ મામલે સંશોધન અધિકારીને જવાબ રજૂ કરવા માટે નોટિસ આપી હતી. આશ્ચર્યમાં મુકાયેલા સંશોધન અધિકારીએ શિતલબેનનો સંપર્ક કર્યો ત્યારે આવો કોઈ પત્ર તેમણે લખ્યો જ હોઈ તેઓ પણ આશ્ચર્યમાં મુકાયા હતાં. અંતે પત્ર હાથમાં આવતાં તે નકલી અને સહિ પર શંકા દર્શાવાઈ છે.
મારો પત્ર ન હોવાની આયોજન સચિવને જાણ કરી :- શિતલબેન વાઘેલા, પૂર્વજિલ્લા પંચાયત પ્રમુખ,દાહોદ
જિલ્લા પંચાયત પ્રમુખ તરીકેનો મારો કાર્યકાળ 16 સપ્ટેમ્બરે જ પુરો થઈ ગયો હતો. ત્યારે મારા નામના લેટરપેડનો ઉપયોગ 25 સપ્ટેમ્બરે કર્યો હતો. ગેરરીતિનો આક્ષેપ કરીને બદલી કરાવવા અંગેનો આવો કોઈ પત્ર મારા કે મારા પીએ દ્વારા પણ લખાયો નથી. લેટર પેડ ઉપર મારી સહિ પણ બોગસ લાગે છે. 26 ડિસેમ્બરે મે આયોજન સચિવને પત્ર લખીને મારા દ્વારા કોઈ પત્ર લખાયો ન હોવાની જાણ પણ કરી છે.