નકલી કચેરીઓના કૌભાંડના રૂપિયા વડોદરા અને આણંદના બે ટ્રસ્ટમાં ઠલવાયા
NGO ના સંચાલક અમદાવાદના નરોત્તમ પરમારની ધરપકડ : પોલીસે ત્રણ દિવસના રિમાન્ડ મેળવ્યા:ચેકો ઉપર નરોત્તમની સહિઓ મળી.
કચેરી કૌભાંડમાં પકડાયેલો નરોત્તમ રિટાયર્ડ નેહરુ યુવા કેન્દ્રનો વેસ્ટ ઝોનના ડાયરેક્ટર તરીકે પદસ્થ હતા.
લોભ ને થોભ નહીં તેમ સુપર ક્લાસ વન અધિકારી પૈસા કમાવાની લાયમાં નકલી કચેરી કૌભાંડમાં ભૂમિકા ભજવી ભાગબટાઈ મેળવી.
દાહોદ તા.26
દાહોદમાં છ નકલી સરકારી કચેરીઓ બનાવીને 18.59 કરોડ રૂપિયાના કૌભાંડમાં હવે રેલો અમદાવાદ સુધી પહોંચ્યો છે. કૌભાંડ દ્વારા મેળવેલા રૂપિયા અમદાવાદના ત્રણ ટ્રસ્ટમાં નાખવામાં આવતાં હતા અને તેના સંચાલક દ્વારા ટ્રસ્ટના ખાતાના ચેકો આપવમાં આવતાં હતાં. અમદાવાદનો નરોત્તમ અબુબકરના ભાગીદાર તરીકે કામ કરતો હતો ત્યારે દાહોદ પોલીસ દ્વારા તેની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે નરોત્તમને કોર્ટમાં રજૂ કરીને તેના ત્રણ દિવસના રિમાન્ડ મેળવીને આગળી ઘનિષ્ઠ પુછપરછ શરૂ કરી છે.
દાહોદમાં અસલી સરકારી કચેરીઓના અસલી સરકારી અધિકારીઓની મદદથી છ નકલી સરકારી કચેરી ઉભી કરીને નકલી કાર્યપાલક ઇજનેર પણ બનાવીને સરકારની વિવિધ યોજનાની 100 ફાઇલોમાં સિંચાઇને લગતાં વિવિધ 260 જેટલા કામોની દરખાસ્તો મંજુર કરાવી હતી. સ્થળ ઉપર કામો જ ન કરીને કે જુના કામોને ન નવા બતાવીને 18.59 કરોડ રૂપિયાનું કૌભાંડ આચરવામાં આવ્યુ હતું. છોટાઉદેપુરમાં નકલી સરકારી કચેરી પકડાયા બાદ ટોળકીએ દાહોદમાં પણ કૌભાંડ કર્યાનું પ્રકાશમાં આવ્યુ હતું. કૌભાંડનો માસ્ટર માઇન્ડ ગણાતો અબુબકર સૈયદ હાલ રિમાન્ડ ઉપર છે ત્યારે પોલીસે બે સંસ્થાઓ ધરાવતાં અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં રહેતાં નરોત્તમ પરમારની પણ ધરપકડ કરી છે. અમદાવાદના નરોત્તમ પરમારે આણંદમાં નહેરૂ યુવા કલબ અને વડોદરામાં ગુજરાત રાજ્ય સમાજ કલ્યાણ નામક સંસ્થાનું રજિસ્ટ્રેશન કરાવ્યુ હતું. આ ટ્રસ્ટોનો પ્રમુખ નરોત્તમ પરમાર હતો. તેણે નકલી કચેરી દ્વારા મેળવેલા રૂપિયા આ બંને ટ્રસ્ટના ખાતાઓમાં નાખવામાં આવતાં હતાં. નરોત્તમ પરમાર પોતાના ટ્રસ્ટના ખાતામાં પડેલા રૂપિયા ઉપાડવા માટે ચેકો સહિ કરીને આપતો હતો અને અબુબકર આણી મંડળી આ રૂપિયા ચેકના આધારે ઉપાડી લેતી હતી. આ ચેકો આપવા માટે નરોત્તમ પરમારનો નક્કી કરેલું કમિશન મળતુ હતું. નકલી કચેરીના રૂપિયાના વ્યવહાર કરવા માટે ચેકો ઉપર નરોત્તમની સહિઓ હોવાને કારણે તેને પકડવામાં આવ્યો છે. દાહોદ પોલીસે નરોત્તમને કોર્ટમાં રજૂ કરીને તેના પણ ત્રણ દિવસના રિમાન્ડ મેળવ્યા છે. નકલી કચેરીના આ કોભાંડમાં હજી અસલી સરકારી અધિકારીઓની ધરપકડ કરાય તેવા એંધાણ વર્તાઇ રહ્યા છે.
અબુબકર આણંદના નહેરૂ યુવા કેન્દ્રમાં ફરજ બજાવતો હતો
નકલી કચેરીનો માસ્ટર માઈન્ડ અબુબકર આણંદના નહેરૂ યુવા કેન્દ્રમાં એકાઉન્ટન્ટ તરીકેની ફરજ બજાવતો હતો. નહેરૂ યુવા કેન્દ્ર યુવાનો આત્મ નિર્ભર બને અને યુવાનોને પ્રોત્સાહિત કરવાની પ્રવૃતિને વેગ આપવાનું કામ કરે છે. 2018થી નકલી કચેરીઓનું કૌભાંડ ધમધમાવતાં અબુબકરને સફળતાઓ મળતાં તેણે 2020માં નોકરીમાંથી સ્વૈચ્છિક રાજીનામુ આપી દીધુ હતું. નહેરૂ યુવા કલબ નામક ટ્રસ્ટ ધરાવતો નરોત્તમ પરમાર પણ સરકારી કામ લેતો હોવાથી અબુબકર અને તેનો સંપર્ક થયો હતો. અબુબકરે રૂપિયા ટ્રસ્ટના ખાતામાં ટ્રાન્સફર કરીને કમિશન નક્કી કરતાં મફતના પૈસા. મેળવવા તે રાજી થઈ ગયો હતો. ત્યાર બાદ નરોત્તમે વડોદરાના પોતાના ટ્રસ્ટનો પણ કૌભાડના રૂપિયાનું ટ્રાન્જેક્શન કરવાની પરવાનગી આપી દીધી હતી.