રાજેશ વસાવે :- દાહોદ
વરસાદી માહોલમાં કાળ બનીને આવેલી કુદરતી આફતે મૂંગા પશુનો પણ ભોગ લીધો.
દાહોદ તાલુકાના ઉંડાર ગામે કાચું મકાન ધરાસાઈ થતા પતિ-પત્ની મોતને ભેટ્યા..
દાહોદ તા. ૨૭
દાહોદ તાલુકાના ઉડાર ગામે મધ રાત્રે વરસાદી માહોલ દરમિયાન એક કાચું રહેણાંક મકાન ધરાસાઈ થતા મકાનમાં મીઠી નીંદર માણી રહેલા દંપતી તેમજ એક મૂંગા પશુનું દબાઈ જવાથી મોત નીપજ્યું હોવાનું સામે આવી રહ્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ગઈકાલે બપોર થી શરૂ થયેલા કમોસમી માવઠાએ રાત્રિ દરમિયાન જમાવટ રાખતા આફતરૂપી બનીને આવેલો આ કમોસમી માવઠું એક પરિવાર માટે જીવલેણ સાબિત થયો હતો જેમાં દાહોદ તાલુકાના ઉંડાર નિશાળ ફળિયાના રહેવાસી પતિ પત્ની મેંહાભાઈ વાલજીભાઈ ભુરીયા ઉ. વર્ષ – 57 તેમજ વિછલીબેન મેંહાભાઈ ભુરીયા ઉંમર વર્ષ 52 તેમના કાચા રહેણાંક મકાનમાં જમીન પરવારી મીઠી નીંદર માણી રહ્યા હતા. તે દરમિયાન રાત્રિના એક વાગ્યાના એકાએક મકાન ધરાશાયી થતા બંને પતિ પત્નીનું મકાનમાં દબાઈ જવાથી મોત નીપજ્યું હતું. તો મકાનમાં બાંધેલા એક મૂંગા પશુનું પણ દબાઈ જવાથી મોતને ભેટયા હોવાનું સરકારી સૂત્રો દ્વારા જાણવા મળેલ છે. ઉપરોક્ત બનાવ સંદર્ભે વહીવટી તંત્ર દ્વારા સરકારી સહાય આપવા માટે કાયદેસરના કાગળિયા કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળે છે.