
ઝાલોદમાં ગણેશ વિસર્જન દરમિયાન બનેલી ઘટનામાં ભાઈ-બહેનના મોતથી ચકચાર…
રળિયાતીભૂરા ગામે ગણેશ વિસર્જન દરમિયાન ભાઈ બહેનના તળાવમાં ડૂબી જતા મોત:પરિવારજનોમાં માતમ છવાયો
પરિવારમાં આક્રંદ સાથે ગમગીનીનો માહોલ: પોલીસે અકસ્માત અંગે ગુનો દાખલ કર્યો..
દાહોદ તા.29
ઝાલોદ તાલુકાના રળીયાતીભુરા ગામના તળાવમાં ગણપતિ વિસર્જન દરમિયાન ભાઈ-બહેન તળાવના ઊંડા પાણીમાં ગરકાવ થઈ જતા મોતને ભેટ્યા હોવાનું સામે આવ્યું છે.જોકે આ દરમિયાન બુમાબુમ થતા સ્થાનિક લોકોએ બંને ભાઈ બહેનના મૃતદેહોને બહાર કાઢતા પરિવારજનોમાં હૈયાફાટ રૂદનથી વાતાવરણમાં ગમગીની છવાઈ હતી તો ગામના બે માસુમ બાળકો મોતને ભેટતા સમગ્ર ગામ હિબકે ચડયુ હતું.
દાહોદ જિલ્લામાં ગઈકાલે શાંતિપૂર્ણ વાતાવરણમાં ચાલી રહ્યું હતું તે દરમિયાન તે દરમિયાન ઝાલોદ તાલુકાના રળિયાતીભૂરા ગામે આસરે બપોરના એક થી બે વાગ્યાના સમય દરમ્યાન ગણેશજીની મૂર્તિનું વિસર્જન કરવા ચાલી રહ્યું હતું. તે સમયે ગામના જ પ્રિતેશ નિલેશભાઈ , મુનિયા તેમજ રોશની નિલેશભાઈ ભુરીયા નામક સગા ભાઈ-બહેન વિસર્જન કરતા સમયે તળાવના ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. જોકે બાળકો ડૂબ્યા હોવાની બૂમાબૂમ થતા આસપાસના ગામજનો તેમજ બંને ભાઈ બહેનના પરિવારજનો પણ તળાવ પર દોડી આવ્યા હતા અને સ્થાનિક ગ્રામજનો દ્વારા બંને બાળકોના મૃતદેહોને તળાવમાંથી કાઢવામાં આવતા પરિવારજનોમાં હૈયાફાટ રૂદનથી સમગ્ર વાતાવરણમાં ગમગીની છવાઈ જવા પામી હતી. તો બીજી તરફ આ બનાવની જાણ સ્થાનિક પોલીસને થતા પોલીસે ઘટના સ્થળે દોડી આવી બંને બાળકોના મૃતદેહોને પીએમ માટે નજીકના રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડી આગળની તપાસ હાથ ધરી છે. જોકે ગામના એક જ પરિવારના સગા ભાઈ બહેનોના મોતથી પરિવારજનો શોકમાં ઘરકાવ થઈ ગયા હતા તો સમગ્ર ગામ હિબકે ચડ્યું હતું.