
યાસીન ભાભોર :- ફતેપુરા
ફતેપુરા ખાતે ભવ્ય કાવડ યાત્રા યોજાઈ,કામેશ્વર મહાદેવ મંદિર ખાતે મહાદેવને જળાભિષેક કરાયો
ફતેપુરા તા.૨૪
આજે તારીખ 24 જુલાઈ 2023 ના રોજ ફતેપુરા ખાતે કાવડ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.જેના અનુસંધાને ગતરોજ એટલે કે તારીખ 23 જુલાઈ 2023 ના રોજ ફતેપુરા ખાતેથી લગભગ 150 જેટલા ભક્તો સલાકેશ્વર મહાદેવ મંદિર ખાતે પહોંચ્યા હતા અને ત્યાં રાત્રી રોકાણ કરીને આજે વહેલી સવારે સાલાકેશ્વર મહાદેવ મંદિર ખાતેથી કળશોમાં પાણી ભરીને કાવડો સાથે બાંધીને કાવડ યાત્રા સ્વરૂપે પગપાળા સલાકેશ્વર મહાદેવ મંદિર ખાતેથી ફતેપુરા ખાતે આવવા માટે નીકળ્યા હતા.
આ કાવડ યાત્રા ફતેપુરા ખાતે આવી પહોંચતા તેર ગોળા ખાતે આ કાવડયાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને ત્યાંથી આ કાવડ યાત્રા ફતેપુરા નગરના તમામ વિસ્તારોમાં ફેરવવામાં આવી હતી અને ફતેપુરા નગરમાં તમામ વિસ્તારોમાં ફર્યા બાદ આ કાવડયાત્રા ફતેપુરા કામેશ્વર મહાદેવ મંદિર ખાતે આવી હતી અને ત્યાં મહાદેવને જળ અભિષેક કરવામાં આવ્યો હતો.