દે.બારીયાના બડભા તેમજ વડોદર ગામે એલસીબી પોલીસે દરોડા પાડી ૬૧ હજાર ઉપરાંતના વિદેશી દારૂના જથ્થા સાથે બે બુટલેગરોને ઝડપ્યા…
દાહોદ તા.૧૧
દાહોદ એલસીબી પોલીસે દેવગઢ બારીયા વિસ્તારમાં જુદા જુદા સ્થળે દરોડા પાડી 63,000 ઉપરાંતના વિદેશી દારૂના જથ્થા સાથે બે બુટલેગરોને ઝડપી પાડ્યાનું જાણવા મળેલ છે.
પ્રાપ્ત માહિતી અનુસાર દાહોદ જિલ્લામાં વિદેશી દારૂનો ધંધો ખૂબ ફુલ્યો ફાલ્યો છે. બુટલેગર તત્વો રાજસ્થાન તેમજ મધ્યપ્રદેશના સરહદી વિસ્તારોમાંથી ગુજરાતમાં વિદેશી દારૂનો જથ્થો ઘુસાડી તગડો નફો રળી લેવા વેપલો કરી રહ્યા છે ત્યારે દાહોદ જિલ્લામાં વિદેશી દારૂની બદીને કડક રીતે ડામી દેવા સક્રિય બનેલી એલ.સી.બી પોલીસે ગતરોજ દેવગઢ બારીયા તાલુકામાં ધામા નાખ્યા હતા. અને દેવગઢબારિયા તાલુકાના બડભા ગામના નટવરભાઈ ફતેસિંહભાઈ પટેલ પોતાના કબજા હેઠળની દુકાનમાં વિદેશી દારૂનો વેપલો કરતો હોવાની મળેલ બાતમીના આધારે એલસીબી પોલીસે નટવરભાઈ પટેલની દુકાનમાં દરોડો પાડી દુકાનમાં સંતાડેલા જુદા જુદા મારકાની 221 બોટલો મળી કુલ ૨૭,૭૦૪ રૂપિયાના વિદેશી દારૂનો જથ્થો મળી આવતા એલસીબી પોલીસે વિદેશી દારૂના જથ્થા સાથે સંજય પટેલની અટકાયત કરી તેની વિરુદ્ધ પ્રોહિબીશન અંગેનો ગુનો દાખલ કરાવ્યો છે.
પ્રોહિનો બીજો બનાવ દેવગઢબારિયા તાલુકાના વડોદર ગામના બારીયા ફળિયામાં બનવા પામ્યો છે.જેમાં બારીયા ફળિયાના જશવંત બાબુભાઈ બારીયા રહેણાંક મકાનમાં વિદેશી દારૂનો વેપલો કરતો હોવાની જાણ દાહોદ એલસીબી પોલીસને થતા એલસીબી પોલીસે બાતમીના આધારે જશવંતભાઈ બારીયાના મકાનમાં દરોડો પાડી મકાનમાં સંતાડેલો ભારતીય બનાવટના વિદેશી દારૂની ૨૯૪ બોટલો મળી કુલ 36,153 રૂપિયાનો વિદેશી દારૂનો જથ્થો મળી આવતા પોલીસે વિદેશી દારૂનો જથ્થો જપ્ત કરી જશવંત બાબુભાઈ બારીયાની અટકાયત કરી પ્રોહીબિશન અંગેનો ગુનો દાખલ કર્યો છે.