
વસાવે રાજેશ દાહોદ
દાહોદમાં દબાણ હટાવ ઝુંબેશ યથાવત: મોટાભાગના વિસ્તારો કાટમાળમાં ફેરવાયા..
વહીવટી તંત્રે શહેરના જુદા જુદા વિસ્તારોમાં દબાણ તોડવાની કામગીરી હાથ ધરતા ઉત્તેજના વ્યાપી…
ડીમોલીશનની કામગીરી દરમિયાન 350 વર્ષ જૂનું પ્રાચીન મંદિર સહિત અન્ય દબાણો ઉપર સરકારી બુલડોઝર ફરી વળ્યા..
દાહોદ તા.21
દાહોદમાં ગતરોજ વહીવટી તંત્ર દ્વારા મેગા ડિમોલીશન હાથ ધરી ધાર્મિક સ્થાનો સહિતના દબાણો તોડી પાડવામાં આવ્યા હતા. જે બાદ શનિ રવિની રજા આવતા તંત્ર દ્વારા દબાણ તોડવાની કામગીરી પર બ્રેક વાગ્યો હતો. તો આજરોજ ઉઘડતા સોમવારે વહીવટી તંત્રની ટીમોએ શહેરના જુદા જુદા વિસ્તારોમાં માર્ગમાં અવરોધરૂપ દબાણે દૂર કરવાની કામગીરી હાથ ધરી હતી. જેમાં કાચા પાકા મકાનો ડિમાર્કિંગ કરેલા અન્ય મિલ્કતોને જેસીબી દ્વારા તોડી પાડવામાં આવી હતી શહેરના જુદા-જુદા વિસ્તારોમાં આ કામગીરી હાથ ધરાતા ઉતેજનાનો માહોલ છવાઈ જવા પામ્યો હતો. તો કેટલાક વિસ્તારોમાં વેપારીઓ દ્વારા સ્વૈચ્છિક રીતે દબાણ તોડવાની કામગીરીમાં જોતરાયેલા જોવા મળ્યા હતા.
દાહોદમાં સ્માર્ટસીટી અંતર્ગત છેલ્લા કેટલાય દિવસથી ચાલી રહ્યું છે. જેના પગલે મોટાભાગના વિસ્તારો કાટમાળમાં ફેરવાઈ ગયા છે. તો બીજી તરફ જાણે પ્રચંડ ધરતીકંપ પછી તારાજી સર્જાઈ હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. શહેરના જુદા-જુદા વિસ્તારોમાં તંત્ર દ્વારા ડિમાર્ગેશન કરી દેવાતા વેપારીઓ, તેમજ અન્ય દબાણ કર્તાઓ પોતાનું કામ ધંધો છોડીને સ્વેચ્છાએ બ્રેકર મશીનો દ્વારા તમે દુકાનો મકાનોના આગળના ભાગના ઝૂકાટો, ઓટલાઓ તોડવાની કામગીરી માં જોતરાઈ ગયા છે. આ તમામ પરિસ્થિતિઓની વચ્ચે હવે મોટાભાગનું મેજર ડિમોલીશન કામ પૂર્ણતાના આરે છે ત્યારે પ્રાંત અધિકારી એન બી રાજપુતની અધ્યક્ષતામાં આજરોજ ખુલતા સોમવારે દાહોદ ડિવિઝનના એસપી જગદીશ બાંગરવા, નગરપાલિકા ચીફ ઓફિસર યશપાલસિંહ વાઘેલા, દાહોદ મામલતદાર મનોજ મિશ્રા એમજીવીસીએલ ની ટીમો દ્વારા બાકી બચેલા વિસ્તારોમાં બાકી રહેલા ડિમોલીશનની કામગીરી અંગે નિરીક્ષણ કરવા નીકળ્યા હતા. જેમાં સૌપ્રથમ દેસાઈ છાબ તળાવની કિનારે આવેલા નાદ સ્પદન એકડમી, 350 વર્ષ જૂનો ભગવાન ગોવર્ધનજી નાથ, તેમજ તેમજ હનુમાનજી ની બેઠક ધરાવતો અતિ પ્રાચીન મંદિરની સાથે સાથે વોર્ડ નંબર છ ના ભાજપના સુધરાઈ સાથે ગોપી દેસાઈની ઓફિસ બુલડોઝર વડે જમીન દોસ્ત કરી દેવામાં આવી હતી. તો બીજી તરફ વહીવટી તંત્રની ટીમે ઝાલોદ ઓવરબ્રિજ નજીક રેલવેની બાઉન્ડ્રીની અડીને આવેલા કાચા પાકા મકાનો, નગરપાલિકા સામે આવેલા મારુતિ જ્વેલર્સ, બસ સ્ટેશનની સામે આવેલી હોટલ ત્રિભુવન, તાલુકા પંચાયત આગળ આવેલું દબાણ તોડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.આ પહેલા સંબંધિત વિસ્તારોમાં એમજીવીસીએલ દ્વારા વીજ પુરવઠો બંધ કરી ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ઉપરોક્ત દબાણો ઉપર સરકારી બુલડોઝર ફરી વળ્યાં હતા. તો બીજી તરફ ડિમોલીશનની કામગીરીના પગલે વીજ પુરવઠો બંધ રહેતા શહેરીજનો ભર ઉનાળે ગરમીમાં શેકાયા હતા. આજરોજ વિવિધ વિસ્તારોમાં વહીવટી તંત્રની ટીમો દ્વારા મુલાકાત લઇ દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી તો આવનારા સમયમાં બાકી રહેલા વિસ્તારોમાં ડિમાર્કિંગ કરેલા ગેરકાયદેસર દબાણો પણ દ્વારા તોડી પાડવામાં આવશે તેમ સંબંધિતો દ્વારા જણાવવામાં આવ્યું હતું.