સંજેલીમાં સંસ્કાર વિદ્યાલયમાં ચાલુ શાળા દરમિયાન 15 ઇસમોના ટોળા દ્વારા આચાર્ય પર હુમલો: શાળાના સંસાધનોમાં તોડફોડ….
સંજેલીમાં સંસ્કાર વિદ્યાલયના આચાર્યને શાળામાં આવી જસુણી ગામના 15 જેટલા ઈસમોએ માર મારી નુકસાન પહોંચાડ્યું.
ત્રણ ઇસમોના નામ જોગ સહિત 15 જેટલા અજાણ્યા લોકો વિરુદ્ધમાં સંજેલી પોલીસ સ્ટેશનમાં રાઇટીંગનો ગુનો નોંધાયો.
શાળાના કોમ્પ્યુટર,પ્રિન્ટર વિગેરેની તોડફોડકરી 27 હજાર રૂપિયાનું નુકસાન પહોંચાડી, વિદ્યાર્થીઓએ ભરેલ ફીના રૂપિયા 22500 હુમલાખોરો લઈ ગયા હોવાની ફરિયાદ.
દાહોદ તા.16
સામાન્ય રીતે ચૂંટણીઓ પૂર્ણ થયાં પછી તેની અદાવતે ઘણી બધી તકરારો બનતી હોવાના કિસ્સાઓ આ જિલ્લામાં સમાન્ય રહેવા પામે છે. પરંતુ આશ્ચર્યજનક રીતે દાહોદ જિલ્લામાં આ વખતે ચૂંટણીના દિવસે મારગાળામાં બનેલા બનાવને બાદ કરતા અન્ય કોઈ બનાવ ન બનતા તંત્રમાં પણ હાશકારાની લાગણી અનુભવાઈ છે. અને પ્રજાજનોમાં પણ એક નોખા પ્રકારનું આશ્ચર્ય ફેલાવા પામ્યું છે.તેવા સમયે હરીફાઈના યુગમાં શિક્ષણ કાર્ય કરતી સંસ્થાઓમાં પણ એકબીજા પ્રત્યેની ઈર્ષ્યા ભાવના પ્રદર્શન થતા હોવાનું પ્રતીત થવા પામ્યું છે. અને આ ઈર્ષ્યા થી બનેલા બનાવ ને ચૂંટણી સાથે સાંકળી લેવાની બાબત ને સામાન્ય પ્રજાજનોએ તપાસનો વિષય બનાવ્યો છે. ત્યારે દાહોદ જિલ્લાના સંજેલી ખાતે શાળામાં તોડફોડ અને મારકુટ ની બનેલી ઘટના ખરેખર શિક્ષણ અને શાળા હરીફાઈની ભોગ બની છે. કે પછી આચાર્યશ્રી ની કોઈ અંગત બાબતો ને કારણે બની છે. તે કહેવું મુશ્કેલ છે. પરંતુ ધોળે દિવસે બનેલી આ ઘટનાથી શિક્ષણ જગત સહીત વિધાર્થી આલમમાં એક પ્રકારનો ભય ઉતપન્ન થવા પામ્યો છે.ત્યારે શિક્ષણ મંદિરની આ ઘટનાની તમામ સાચી હકીકતો બહાર લાવવામાં આવે તેવી લાગણી અને માંગણી વહેતી થવા પામી છે.
પ્રાપ્ત વિગતો મુજબ સંજેલી તાલુકાના સંજેલી ખાતે આવેલ સંસ્કાર વિદ્યાલય ખાતે ગુરૂવારના રોજ જસુણી ગામના 18 જેટલા લોકોએ આવી શાળામાં તોડફોડ કરી હોવા બાબતે શાળાના આચાર્ય દ્વારા સંજેલી પોલીસ સ્ટેશનમાં કાયદેસર ફરિયાદ આપતા પોલીસે ગુનો દાખલ કર્યો હોવાનું જાણવા મળે છે.તેમાં હકીકત આ મુજબની છે કે,સંજેલી તાલુકાના જસુણી ગામના મહેન્દ્રભાઈ વેલજીભાઈ પલાસ,મહેદીપભાઈ મહેન્દ્રભાઈ પલાસ,વીરસીંગભાઇ જાલાભાઇ કટારા તેમજ અન્ય આશરે 15 જેટલા ઈસમો સંસ્કાર વિદ્યાલય ખાતે ગુરુવાર ના રોજ 12:30 વાગ્યાના અરસામાં શાળા ખાતે આવ્યા હતા. અને શાળાના આચાર્ય રતનસિંહ મોતીભાઈ બારીયા ને જણાવેલ કે,તું કયા ગામનો છે? અને તારે જશુણી ગામ સાથે શું લેવાદેવા છે? જસુણી ગામની શાળા ચાલુ હોય કે બંધ તેમાં તારે શું લેવાદેવા છે?તેમ બોલી ગડદાપાટુનો માર મારી આ તમામ આરોપીઓએ શાળાની ઓફિસમાં મૂકી રાખેલ કોમ્પ્યુટર પ્રિન્ટર વિગેરે ની તોડફોડ કરી રૂપિયા 27,000 નું નુકસાન તથા હાર્દિકભાઈ તથા શાળામાં અભ્યાસ કરતો ધોરણ 12 નો વિદ્યાર્થી હાર્દિકભાઈ નિસરતા તથા શિક્ષકો નેપણ ગડદા પાટુનો માર મારતા જતા રહેલ.તેમજ ગડદાડપાટુ નો મારમારી મા-બેન સમાણી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી સાથે સાથે મહેન્દ્ર પલાસના ઓએ આચાર્યને જણાવેલ કે,મારી સામે ગાડી લઈને આવીશ તો ગાડી ચડાવી દઈશ આવાતો કેટલાય મડરો કર્યા છે.તેમ કહી જાનથી મારી નાખવાની ધમકી આપતા જતા રહેલા હોવા બાબતે તેમજ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા ભરવામાં આવેલ ફીના રૂપિયા 22,500 શાળાના આચાર્ય રતનસિંહ બારીયાએ સંજેલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા 18 જેટલા આરોપીઓ વિરુદ્ધમાં રાયોટીંગ નો ગુનો દાખલ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે. હવે આરોપીઓ સામે કાયદો શું કરે છે?તે જોવું રહ્યું.