દાહોદ જિલ્લામાં બે જુદી જુદી જગ્યાએ સર્જાયેલા માર્ગ અકસ્માતના બનાવમાં બે વ્યક્તિઓ મોતને ભેટ્યા
દાહોદ તા.૧૨
દાહોદ જિલ્લામાં બે જુદી જુદી જગ્યાએ વાહન ચાલકોની ગફલતના કારણે સર્જાયેલ માર્ગ અકસ્માતના બે બનાવોમાં બે વ્યક્તિઓના મોત નીપજ્યાંનું જાણવા મળે છે.
માર્ગ અકસ્માતનો પ્રથમ બનાવ ગરબાડા તાલુકાના પાંચવાડા ગામે બનવા પામ્યો હતો જેમાં ગત તા.૧૦મી ઓક્ટોમ્બરના રોજ એક મોટરસાઈકલના ચાલકે પોતાના કબજાની મોટરસાઈકલ પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી તે સમયે સામેથી આવતી બે મોટરસાઈકલો સાથે ધડાકાભેર અથડાવતાં સામેની મોટરસાઈકલ પર સવાર ઝાલાભાઈ શકરાભાઈ વહોનીયા (રહે. ઝરીબુઝર્ગ) અને તેમની સાથેના અન્ય માણસો મોટરસાઈકલ પરથી જમીન પર ફંગોળાતાં ઝાલાભાઈને શરીરે, હાથે પગે તેમજ માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ પહોંચતાં તેઓનું મોત નીપજ્યું હતું. આ સંબંધે ઝરીબુઝર્ગ ગામે રહેતાં માલાભાઈ શકરાભાઈ વહોનીયાએ ગરબાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
માર્ગ અકસ્માતનો બીજાે બનાવ ઝાલોદ તાલુકાના ફુલપુરા ગામે બનવા પામ્યો હતો જેમાં ગત તા.૧૦મી ઓક્ટોમ્બરના રોજ ફુલપુરા ગામે ડાબોડીયા ફળિયામાં રહેતાં અનીલભાઈ ગૌતમભાઈ ડામોરે પોતાના કબજાના કબજાનું ટ્રેક્ટર પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી ફુલપુરા ગામેથી ડાબોડીયા ફળિયા ખાતેથી પસાર થઈ રહ્યો હતો અને તે સમયે અચાનક સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવી દેતાં ટ્રેક્ટર પલ્ટી ખાઈ ગયું હતું અને જેને પગલે ટ્રેક્ટરના ચાલક અનીલભાઈ ગૌતમભાઈ ડામોર ટ્રેક્ટરમાંથી ફંગોળાઈ જમીન પર પટકાતાં તેઓને હાથે પગે શરીરે તેમજ માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ પહોંચતાં તેઓનું મોત નીપજ્યું હતું.
આ સંબંધે ફુલપુરા ગામે ડાબોડીયા ફળિયામાં રહેતાં તારસીંગભાઈ સોમલાભાઈ ડામોરે ચાકલીયા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
———————————————
