લો બોલો..હવે નકલી પ્રમાણપત્ર બનાવી લોન મેળવવા માટેના ષડયંત્રનો ભાંડાફોડ.!
ગરબાડાના માતવાના યુવક સહિત તપાસમાં સામે આવતા અન્ય આરોપીઓ સામે ફરિયાદ નોંધાઈ
લોન મેળવવા સરકારી કચેરીમાં ભાડા પર બતાવેલી ગાડી છ વર્ષ પહેલાથી જ ગુનામાં લીમડી પોલીસ સ્ટેશનમાં જમા હોવાનું ખુલાસો.
રાહુલ ગારી:ગરબાડા
દાહોદ તા.13
દાહોદ જિલ્લામાં અવનવા કૌભાંડો ની હારમાળા વચ્ચે હવે એક નવું કૌભાંડ સામે આવ્યું છે.જેમાં ગરબાડા તાલુકાના માતવા ગામે લોન મેળવવા માટે કથિત રીતે બનાવટી સરકારી પ્રમાણપત્ર તૈયાર કરાવી તેનો અસલ તરીકે ઉપયોગ કર્યાનો ખુલાસો થયો છે. જોકે આ અંગે દાહોદ એલ.સી.બી.ના પોલીસ સબ ઇન્સ્પેક્ટર નિકુલસિંહ ભરતસિંહ પરમારની ફરિયાદના આધારે ગરબાડા તાલુકાના માતવા ગામના મહેશકુમાર ચુનિયાભાઈ મીનામા સહિત તપાસમાં સામે આવતા આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે.
આ લોન મેળવવાના કૌભાંડમાં એલ.સી.બી.ને મળેલી માહિતીના આધારે મહેશકુમાર મીનામા દ્વારા લોન મેળવવા માટે ઉપયોગમાં લેવાયેલા એક પ્રમાણપત્ર અંગે તપાસ હાથ ધરવામાં આવી હતી. પ્રમાણપત્ર પર CID, ગોધરા, જિલ્લા સેવા સદન, કલેક્ટર કચેરી કમ્પાઉન્ડ, સેકન્ડ ફ્લોર, ગોધરાનું સરનામું દર્શાવવામાં આવ્યું હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.પોલીસના જણાવ્યા મુજબ, તા. 27 જુલાઈ 2026ના રોજનું દર્શાવતું આ પ્રમાણપત્ર પ્રથમ નજરે સરકારી કચેરીની પત્રવ્યવહાર પદ્ધતિથી અલગ જણાયું હતું. તેમજ પ્રમાણપત્ર પર સરકારી કચેરીના સિક્કા અને જાવક નંબર ન હોવાનું જણાતા તે શંકાસ્પદ હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું હતું. આ સમગ્ર પ્રકરણ બાબતે પોલીસે તપાસ હાથ ધરતા મહેશકુમાર મીનામાએ પોતાના મકાન અને દુકાનના બાંધકામ માટે લોન મેળવવા માટે ફાઇનાન્સ કંપનીના એજન્ટ મારફતે ફાઇલ તૈયાર કરાવી હતી અને આ પ્રમાણપત્રનો ઉપયોગ લોનની ફાઇલમાં કરવામાં આવ્યો હોવાનો ખુલાસો થયો છે. એટલું જ નહીં આ પ્રમાણપત્રમાં મહિન્દ્રા સ્કોર્પિયો ગાડી નંબર GJ-07-AR-5951 CID ગોધરામાં છેલ્લા ત્રણ વર્ષથી રૂ.45 હજાર માસિક ભાડે ફિક્સમાં મુકવામાં આવી હોવાનું દર્શાવવામાં આવ્યું હતું. જોકે, પોલીસ તપાસમાં આ વાહન વર્ષ 2018માં લીંબડી પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના ગુનામાં કબજે કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. જે બાબતે લોન મંજૂર કરાવી આર્થિક લાભ મેળવવાના હેતુથી કથિત રીતે ખોટું પ્રમાણપત્ર તૈયાર કરાવી તેનો સાચા તરીકે ઉપયોગ કરી ફાઇનાન્સ કંપનીને રજૂ કરવામાં આવ્યું હોવાની હકીકત સામે આવી છે.આ મામલે ભારતીય ન્યાય સંહિતા, 2023ની કલમ 316(2), 338, 336(3) અને 340(2) હેઠળ ફરિયાદ નોંધાઈ છે. સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે અને તપાસ દરમિયાન અન્ય કોઈની સંડોવણી સામે આવે તો તે દિશામાં પણ કાર્યવાહી કરવામાં આવશે.
