દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના વટલી ગામે ‘રાષ્ટ્રીય કૃમિનાશક દિવસ’ની ઉજવણી કરાઈ

Editor Dahod Live
2 Min Read

દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના વટલી ગામે ‘રાષ્ટ્રીય કૃમિનાશક દિવસ’ની ઉજવણી કરાઈ

વિદ્યાર્થીઓને કૃમિ સંક્રમણથી થતા નુકસાન અને તેનાથી બચવાના ઉપાયો વિશે માર્ગદર્શન પૂરું પડાયું

બાબુ સોલંકી સુખસર

સુખસર,તા.10

મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. ઉદય ટીલાવતની સૂચના અને તાલુકા આરોગ્ય અધિકારી સુરેશ વી. અમલિયારના માર્ગદર્શન હેઠળ ફતેપુરા તાલુકાના વટલી ગામે ‘રાષ્ટ્રીય કૃમિનાશક દિવસ’ની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમનું આયોજન વટલી મુખ્ય પ્રાથમિક શાળા તેમજ સંગાડા ફળીયા વટલી પ્રાથમિક શાળા ખાતે આરોગ્ય વિભાગ અને શાળાના સંયુક્ત ઉપક્રમે યોજાયું હતું.

          કાર્યક્રમ દરમિયાન આયુષ્માન આરોગ્ય મંદિર (વટલી)ના કોમ્યુનિટી હેલ્થ ઓફિસર અક્ષય વ્યાસ તથા આરોગ્ય કર્મચારી રાજુભાઈ પ્રજાપતિ દ્વારા વિદ્યાર્થીઓને કૃમિ સંક્રમણથી થતા નુકસાન અને તેનાથી બચવાના ઉપાયો વિશે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. આરોગ્ય ટીમ દ્વારા જણાવાયું હતું કે, કૃમિના કારણે બાળકોમાં કુપોષણ, એનિમિયા (લોહીની ટકાવારી ઘટવી) અને શારીરિક-માનસિક વિકાસ અટકવા જેવી સમસ્યાઓ થઈ શકે છે. આથી જમતાં પહેલાં અને શૌચાલયના ઉપયોગ બાદ સાબુથી હાથ ધોવા જેવી સ્વચ્છતાની આદતો કેળવવી અત્યંત જરૂરી છે.આ પ્રસંગે શાળાના તમામ વિદ્યાર્થીઓને કૃમિનાશક દવા ‘આલ્બેન્ડાઝોલ’ની ગોળીઓ ગળાવવામાં આવી હતી. આ ઉપરાંત, મચ્છરજન્ય રોગો, પોષણ અને આરોગ્ય વિષયક જરૂરી અટકાયતી પગલાં અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. વિદ્યાર્થીઓએ પ્રશ્નોત્તરી દ્વારા કૃમિ સંક્રમણ અને સ્વચ્છતા અંગે પોતાની સમજ મેળવીને ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

Share This Article