દાહોદમાં ૧૫મી ઓગષ્ટ, સ્વતંત્રતા પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી સુખસર ખાતે યોજાશે* *સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીની તૈયારીના ભાગરૂપે નિવાસી અધિક કલેકટરશ્રી જે. એમ. રાવલના અધ્યક્ષસ્થાને યોજાઈ બેઠક*

Editor Dahod Live
2 Min Read

રાજેશ વસાવે :- દાહોદ 

*દાહોદમાં ૧૫મી ઓગષ્ટ, સ્વતંત્રતા પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી સુખસર ખાતે યોજાશે*

*સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીની તૈયારીના ભાગરૂપે નિવાસી અધિક કલેકટરશ્રી જે. એમ. રાવલના અધ્યક્ષસ્થાને યોજાઈ બેઠક*

દાહોદ તા. 5

ભારત દેશના સ્વતંત્રતા પર્વ ૧૫ મી ઓગષ્ટની જિલ્લા કક્ષાની ઉજવણી આ વર્ષે દાહોદ જિલ્લાના સુખસર તાલુકામાં વરુણાશ્રમ (મકવાણાના વરુણા) ખાતે રાષ્ટ્રીય ગૌરવ અને ઉત્સાહભેર યોજાશે. 

આ ઉજવણીનું આયોજન સુવ્યવસ્થિત, શિસ્તબદ્ધ અને ગૌરવપૂર્ણ રીતે સંપન્ન થાય તે હેતુથી નિવાસી અધિક કલેક્ટરશ્રી જે. એમ. રાવલના અધ્યક્ષ સ્થાને આજ રોજ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પૂર્વ તૈયારી અંગે સમીક્ષા બેઠક યોજાઈ હતી.

આ બેઠકમાં સ્વતંત્રતા પર્વની ઉજવણીને લગતી વિવિધ કામગીરીઓની વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી. સ્વાતંત્ર્ય પર્વના સુચારૂ આયોજન માટે નિવાસી અધિક કલેકટરશ્રીએ વિવિધ વિભાગો પાસેથી માહિતી મેળવી હતી. 

કાર્યક્રમ સ્થળની વ્યવસ્થા, સ્ટેજ, ધ્વજવંદન સમારોહ, સાંસ્કૃતિક કાર્યક્રમો, મહાનુભાવોના આગમન, સુરક્ષા, વાહન વ્યવસ્થા, આરોગ્ય સેવાઓ, સ્વચ્છતા, વીજ પુરવઠો, પીવાના પાણીની સુવિધા તેમજ અન્ય જરૂરી વ્યવસ્થાઓ અંગે સંબંધિત વિભાગોને સ્પષ્ટ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

નિવાસી અધિક કલેક્ટરશ્રીએ જણાવ્યું હતું કે, ઉજવણીની દરેક કામગીરી સમયબદ્ધ, સુઆયોજિત અને જવાબદારીપૂર્વક પૂર્ણ કરવામાં આવે તેમજ આયોજનમાં કોઈપણ પ્રકારની કચાશ ન રહે તેની તમામ વિભાગો ખાસ કાળજી રાખે.

આ બેઠકમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામકશ્રી, પ્રાંતશ્રીઓ, નાયબ પોલીસ અધિક્ષક શ્રીઓ સહિત વિવિધ વિભાગોના જિલ્લાના અધિકારીઓ તેમજ આયોજન સાથે સંકળાયેલા અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

000

Share This Article