ઈરફાન મકરાણી :- દેવ-બારીયા
દેવગઢ બારીઆ નગરપાલિકા પેટાચૂંટણીમાં ભાજપને મોટો ઝટકો, 6માંથી 4 બેઠકો કોંગ્રેસ-આપના ફાળે.!
ભાજપને માત્ર 2 બેઠકો પર સંતોષ; હવે 8 અપક્ષ સભ્યો બન્યા ‘કિંગમેકર’, નગરપાલિકાના બોર્ડ રચના પર સૌની નજર
દેવગઢ બારીઆ, તા. 30

દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ નગરપાલિકાની 6 બેઠકો માટે યોજાયેલી પેટાચૂંટણીનું પરિણામ જાહેર થતાં સ્થાનિક રાજકારણમાં નોંધપાત્ર ફેરફાર જોવા મળ્યો છે.પૂર્વ રાજ્યમંત્રી અને દેવગઢ બારીઆના ધારાસભ્ય બચુ ખાબડના ગઢ તરીકે ઓળખાતા વિસ્તારમાં ભાજપને મોટો રાજકીય ફટકો પડ્યો છે. 6 બેઠકોમાંથી ભાજપ માત્ર 2 બેઠકો જ જીતી શક્યું છે, જ્યારે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ 2-2 બેઠકો મેળવીને મહત્વપૂર્ણ સફળતા નોંધાવી છે. નોંધનીય બાબત છે કે ભાજપના મેન્ડેડ પર પ્રમુખ તરીકે નિયુક્ત થયેલા ધર્મેશ કલાલ વિરુદ્ધ વિશ્વાસની દરખાસ્ત લાવ્યા બાદ સમગ્ર મુદ્દો કાનૂની વિવાદમાં સપડાયો હતો. ત્યારબાદ પક્ષાંતર ધારો લાગુ થતા ભાજપના છ સભ્યોને સભ્યપદ ગુમાવવું પડ્યું હતું. આવા સંજોગોમાં સસ્પેન્ડ કરાયેલા 6 સભ્યોના કારણે ખાલી પડેલી બેઠકો માટે યોજાઈ હતી. ચૂંટણી દરમિયાન ભાજપે જિલ્લા સંગઠન મંત્રી સહિત સમગ્ર સંગઠનને મેદાનમાં ઉતારી એડીચોટીનું જોર લગાવ્યું હતું, છતાં અપેક્ષિત પરિણામ મેળવી શક્યું નથી.

ભાજપના ધર્મેશ કલાલ પ્રમુખ તરીકે યથાવત રહેશે કે પછી નવો બોર્ડ બનશે.?
ચૂંટણી બાદ નગરપાલિકાની હાલની સંખ્યા મુજબ ભાજપ પાસે 9 બેઠકો, કોંગ્રેસ પાસે 5 બેઠકો અને આમ આદમી પાર્ટી પાસે 2 બેઠકો છે, જ્યારે 8 અપક્ષ સભ્યો નિર્ણાયક સ્થિતિમાં છે. કુલ 24 બેઠકો ધરાવતી નગરપાલિકામાં બહુમતી માટે 13 સભ્યો જરૂરી હોવાથી હવે અપક્ષ સભ્યોની ભૂમિકા અત્યંત મહત્વપૂર્ણ બની ગઈ છે.
આગામી દિવસોમાં અપક્ષ સભ્યો કોને સમર્થન આપે છે તેના આધારે દેવગઢ બારીઆ નગરપાલિકામાં સત્તાનું સમીકરણ નક્કી થશે. રાજકીય વર્તુળોમાં હવે સૌની નજર બોર્ડ રચનાની પ્રક્રિયા અને અપક્ષ સભ્યોના નિર્ણય પર કેન્દ્રિત થઈ છે.
વિજેતા ઉમેદવારોના નામોની યાદી
(૧) જયેન્દ્રસિંહ કાળુસિંહ રાઉલજી વોર્ડ નંબર (૧) bjp
(૨) સાહિલભાઈ ઘનશ્યામભાઈ મોહનીયા વોર્ડ નંબર 5 bjp
(૩) પ્રગ્નેશ મોહનીયા વોર્ડ નંબર 5 કોંગ્રેસ
(૪) લક્ષ્મીબેન મુકેશભાઈ હરિજન વોર્ડ નંબર 5 કોંગ્રેસ
(૫) નિધિ અક્ષયકુમાર જૈન વોર્ડ નંબર 2 AAp
(૬) સરલાબેન રાજેશભાઈ વોર્ડ નંબર 2 aap
