ફતેપુરા નગરમાં નિયમોનુસાર રસ્તાની કામગીરી નહીં કરાતાં ટી.ડી.ઓ સહિત મામલતદારને આવેદનપત્ર આપી નિયમોનુસાર કામગીરી કરવા માંગ કરાઇ
ફતેપુરા ગામમાં રસ્તાની પહોળાઈ મુદ્દે ગ્રામજનોમાં રોષ:14 મીટરના રસ્તાના બદલે 7 મીટર રસ્તાનો કેમ?નો સવાલ કરતી પ્રજા
બાબુ સોલંકી:સુખસર
સુખસર,તા.24
ફતેપુરા ગામમાં ઝાલોદ રોડથી ગામમાં પ્રવેશતા મુખ્ય રસ્તાના નિર્માણ કાર્યમાં પહોળાઈમાં ભેદભાવ રાખવામાં આવી રહ્યો હોવાનો આક્ષેપ કરીને ગ્રામજનોએ વિરોધ નોંધાવ્યો છે.આ મુદ્દે ગ્રામજનોએ ફતેપુરા તાલુકા વિકાસ અધિકારી અને મામલતદારને આવેદનપત્ર આપી તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી છે. જાણવા મળેલ માહિતી મુજબ, આર એન્ડ બી વિભાગ દ્વારા ઝાલોદ રોડથી ગામમાં પ્રવેશતા મુખ્ય રસ્તા તેમજ ગટરનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે.ગ્રામજનોના જણાવ્યા અનુસાર ઝાલોદ રોડની બહારના ભાગમાં રસ્તાની પહોળાઈ 14 મીટર રાખવામાં આવી રહી છે.જ્યારે ગામમાં પ્રવેશતા જ તેને ઘટાડીને માત્ર 7 મીટર કરવામાં આવી રહી છે.
ગ્રામજનોનો આક્ષેપ છે કે ગામની અંદર બંને બાજુ દબાણો હોવા છતાં તેને દૂર કર્યા વગર જ રસ્તાનું માપ ઘટાડવામાં આવી રહ્યું છે.આ પ્રકારની કામગીરી ભેદભાવપૂર્ણ હોવાનું જણાવી સ્થાનિક રહીશોએ સખત વિરોધ વ્યક્ત કર્યો છે.
અહીંયા જણાવવું જરૂરી છે કે, ફતેપુરા નગર તાલુકા મથક છે.અને જ્યાં તાલુકાના કામકાજ માટે અવર-જવર કરતા રાહદારીઓ,ટુ ફોર વ્હીલર વાહન ચાલકોની ભીડ દિવસ દરમ્યાન રહે છે.જ્યારે વર્ષોથી ફતેપુરા નગરમાં ટ્રાફિકની સમસ્યા માથાના દુઃખાવા રૂપ જોવા મળે છે.ફતેપુરા ગામમાંથી ટુ-ફોરવીલર વાહન પસાર કરવા માટે મુશ્કેલી પડતી આવેલ છે. ફતેપુરા ગામમાં સ્થાનિકોએ રસ્તા ઉપર દબાણ કરી રસ્તાને સાંકડો બનાવી દીધેલ છે.જેના લીધે ગામમાં અવર-જવર કરતા રાહદારી અને વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા હોવાનું જોવા મળે છે.જ્યારે નવીન રસ્તાની કામગીરી શરૂ કરવામાં આવી છે ત્યારે નિયમોનુસાર કામગીરી કરવામાં આવે તેવી ગ્રામજનોની વ્યાજબી માંગણી છે.
ગ્રામજનોએ માંગ કરી છે કે, ઝાલોદ રોડ પર જેટલી 14 મીટર પહોળાઈ રાખવામાં આવી રહી છે, તેટલી જ પહોળાઈ ગામની અંદર પણ દબાણ દૂર કરીને રાખવામાં આવે.જો રસ્તો અચાનક 14 મીટરમાંથી 7 મીટર થઈ જશે તો ભવિષ્યમાં ટ્રાફિક જામ,અકસ્માતો તેમજ વરસાદી પાણીના ભરાવાની સમસ્યા ઊભી થઈ શકે છે.જે સરકારી નાણાનો બગાડ પણ ગણાશે.
આવેદનપત્રમાં ગ્રામજનોએ માંગ કરી છે કે,હાલ ચાલી રહેલું કામ તાત્કાલિક બંધ કરવામાં આવે, ગામજનોની હાજરીમાં ફરીથી માપણી કરવામાં આવે અને સમાન પહોળાઈ નક્કી થાય નહીં ત્યાં સુધી કોઈપણ પ્રકારનું બાંધકામ કે કોન્ટ્રાક્ટરને પેમેન્ટ કરવામાં ન આવે.
ગ્રામજનોએ ચેતવણી આપી છે કે, જો આગામી 15 દિવસમાં આ મુદ્દે યોગ્ય નિરાકરણ નહીં આવે તો તેઓ જિલ્લા કલેક્ટર સહિત ઉચ્ચ અધિકારીઓ સમક્ષ રજૂઆત કરી વધુ ઉગ્ર આંદોલનનો માર્ગ અપનાવશે તેવી ચિમકી ઉચ્ચારવામાં આવી હોવાનું જાણવા મળે છે.
હાલની પરિસ્થિતિ જોતા બે ગાડી સામસામે આવતા ટ્રાફિકની સમસ્યા મોટા પાયે સર્જાય છે અને ગાડીઓને સાઈડો લેવામાં બહુ તકલીફ પડે છે.તો આ બધા કારણો ધ્યાનમાં લઇ પ્રજાનો ઘટતું થાય તેમ કરવા ભલામણ કરેલ હોવાનું જાણવા મળે છે.
