રાજેશ વસાવે :- દાહોદ
*ગુજરાત સરકારનો પ્રજાલક્ષી નિર્ણય: દાહોદ જિલ્લામાં જિલ્લા નિરીક્ષક જમીન દફ્તર (DILR) કચેરીનું તાલુકા મથકોએ વિકેન્દ્રીકરણ; હવે ૧૧ તાલુકાઓમાં નવી ILR કચેરીઓ કાર્યરત*
દાહોદ:
દાહોદ જિલ્લાના અંતરિયાળ અને ગ્રામ્ય વિસ્તારના નાગરિકોને જમીન માપણી, હક્ક પત્રક કે જમીન રેકોર્ડને લગતી સેવાઓ મેળવવામાં વધુ સરળતા રહે તે માટે વહીવટી તંત્ર દ્વારા મહત્વપૂર્ણ લોકાભિમુખ પગલું ભરવામાં આવ્યું છે. ગુજરાત સરકારના મહેસુલ વિભાગના ઠરાવ અને સેટલમેન્ટ કમિશનર તથા જમીન દફ્તર નિયામકના આદેશાનુસાર, અત્યાર સુધી જિલ્લા કક્ષાએ સીમિત રહેલી જિલ્લા નિરીક્ષક જમીન દફ્તર (DILR) વર્ગ-૨ હસ્તકની કામગીરીઓનું હવે તાલુકા કક્ષાએ વિકેન્દ્રીકરણ કરવામાં આવ્યું છે.
આ વહીવટી સુધારાના ભાગરૂપે દાહોદ જિલ્લાના જુદા-જુદા ૧૧ તાલુકાઓમાં નવી તાલુકા કક્ષાની જમીન દફ્તર નિરીક્ષક (Inspector of Land Records – ILR) વર્ગ-૨ની કચેરીઓ સત્તાવાર રીતે શરૂ કરી દેવામાં આવી છે. આ વિકેન્દ્રીકરણથી વહીવટી તંત્ર વધુ સુદ્રઢ અને સક્ષમ બનશે, તેમજ તાલુકા કક્ષાએ ઉદભવતા સરવે કે જમીન સંબંધી પ્રશ્નોનું સ્થાનિક ભૌગોલિક પરિસ્થિતિ અનુસાર આયોજનબદ્ધ રીતે ખૂબ જ ઝડપથી નિકાલ લાવી શકાશે.
ખેડૂતો અને પ્રજાજનોને મોટો ફાયદો: અત્યાર સુધી નાની-મોટી કામગીરી કે પ્રશ્નો માટે છેવાડાના ગામડાઓમાંથી લોકોને જિલ્લા મથકે લાંબા અંતર સુધી જવું પડતું હતું, જેના કારણે સામાન્ય જનતાના સમય અને નાણાંનો વ્યય થતો હતો. હવે નાગરિકોને તેમના રહેઠાણની નજીક જ ત્વરિત, પારદર્શક અને સમયબદ્ધ સરકારી સેવાઓ ઉપલબ્ધ બનશે.
નવી કાર્યરત થયેલી કચેરીઓ અને તેના નિયત સત્તાવાર સરનામાની વિગત નીચે મુજબ છે:
૧.જમીન દફ્તર નિરીક્ષકની કચેરી,દાહોદ ,જિલ્લા સરવે ભવન,જમીન દફ્તર નિરીક્ષક દાહોદ,કલેક્ટર કચેરી કમ્પાઉન્ડ, મુ.પો.છાપરી, તા.જી.દાહોદ
૨.જમીન દફ્તર નિરીક્ષકની કચેરી ગોવિંદગુરુ લીમડી,જમીન દફ્તર નિરીક્ષક ગોવિંદગુરુ લીમડી,પોસ્ટ ઓફિસ શોપિંગ સેન્ટર, પશુ દવાખાનાની સામે,ઝાલોદ રોડ,લીમડી
૩.જમીન દફ્તર નિરીક્ષકની કચેરી,ઝાલોદ,જમીન દફ્તર નિરીક્ષક ઝાલોદ,પ્રાંત કચેરી,ઝાલોદ
૪.જમીન દફ્તર નિરીક્ષકની કચેરી,સુખસર,જમીન દફ્તર નિરીક્ષક સુખસર,જૂની આઈ.ટી.આઈ.(ITI),આફવા રોડ,સુખસર
૫.જમીન દફ્તર નિરીક્ષકની કચેરી,ફતેપુરા,જમીન દફ્તર નિરીક્ષક ફતેપુરા, મામલતદાર કચેરી,ફતેપુરા
૬.જમીન દફ્તર નિરીક્ષકની કચેરી,સંજેલી,જમીન દફ્તર નિરીક્ષક સંજેલી તાલુકા સેવા સદન,સંજેલી
૭.જમીન દફ્તર નિરીક્ષકની કચેરી,જમીન દફ્તર નિરીક્ષક,સીંગવડ, તાલુકા સેવા સદન,સીંગવડ
૮.જમીન દફ્તર નિરીક્ષકની કચેરી,જમીન દફ્તર નિરીક્ષક, દેવગઢબારીયા,દેવગઢબારીયા,પી.ટી.સી. (PTC) કોલેજ, સરકારી વિશ્રામ ગૃહની બાજુમાં, દેવગઢબારીયા
૯.જમીન દફ્તર નિરીક્ષકની કચેરી,લીમખેડા,જમીન દફ્તર નિરીક્ષક લીમખેડા,મામલતદાર કચેરી,મહેસુલ ભવન,ધાનપુર રોડ,પાલ્લી,લીમખેડા
૧૦.જમીન દફ્તર નિરીક્ષકની કચેરી,ગરબાડા,જમીન દફ્તર નિરીક્ષક ગરબાડા, મામલતદાર કચેરી,ગરબાડા
૧૧.જમીન દફ્તર નિરીક્ષકની કચેરી,ધાનપુર,જમીન દફ્તર નિરીક્ષક,ધાનપુર મામલતદાર કચેરી,ધાનપુર
આથી દાહોદ જિલ્લાની તમામ જાહેર જનતા, ખેડૂત ભાઈઓ અને જમીન ધારકોને જમીન દફ્તરને લગતી કોઈપણ કામગીરી કે માપણીના પ્રશ્નો માટે હવેથી જિલ્લા મથકે જવાના બદલે જે-તે તાલુકાની આ નવી નજીકની કચેરીઓનો સંપર્ક કરવા વિનંતી કરવામાં આવે છે. તેમ સુપ્રિન્ટેન્ડેન્ટ લેન્ડ રેકર્ડઝ કમ એકત્રીકરણ અધિકારીશ્રી દ્વારા જણાવાયું છે.
૦૦૦
