રાહુલ ગારી:ગરબાડા
ગરબાડા તાલુકા સ્કૂલ ટીચર્સ કો-ઓપરેટિવ ક્રેડિટ સોસાયટીનો રજત જયંતી મહોત્સવ ઉત્સાહભેર ઉજવાયો
ગરબાડા તા.28
ગ
રબાડા તાલુકા સ્કૂલ ટીચર્સ કો-ઓપરેટિવ ક્રેડિટ સોસાયટી (તાલુકા પ્રાથમિક શિક્ષક મંડળી) ના ગૌરવશાળી ૨૫ વર્ષ પૂર્ણ થવાના અવસરે સંસ્થા દ્વારા રજત જયંતી મહોત્સવની ભવ્ય અને ઉત્સાહપૂર્ણ ઉજવણી કરવામાં આવી હતી. મંડળીની વાર્ષિક સામાન્ય સભા યોજાય તે પૂર્વે આ ખાસ રજત જયંતી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ વિશેષ પ્રસંગે મંડળીના સ્થાપક અને પૂર્વ ચેરમેન માનસિંહ રાઠોડ તેમજ પૂર્વ સેક્રેટરી રતનસિંહ વાઘેલા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન પ્રવચન આપતા સ્થાપક માનસિંહ રાઠોડ અને પૂર્વ સેક્રેટરી રતનસિંહ વાઘેલાએ મંડળીની શરૂઆતના દિવસોને યાદ કર્યા હતા અને વિતેલા ૨૫ વર્ષોમાં મંડળીએ કરેલી કામગીરીને બિરદાવી હતી. સાથે જ આગામી સમયમાં મંડળી ઉત્તરોત્તર પ્રગતિના નવા શિખરો સર કરે તેવી હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી.
આ સમગ્ર ગરિમાપૂર્ણ કાર્યક્રમ બદલ મંડળીના વર્તમાન ચેરમેન ઉદેસિંહ આર. પરમાર દ્વારા ઉપસ્થિત તમામ મહાનુભાવો અને સભાસદોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
આ રજત જયંતી મહોત્સવ અને વાર્ષિક સાધારણ સભામાં સોસાયટીના સેક્રેટરી, વ્યવસ્થાપક કમિટીના તમામ સભ્યો, મંડળીના સભાસદો તેમજ શિક્ષક સંગઠનના વિવિધ હોદ્દેદારો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. મંડળીના ૨૫ વર્ષની સફળ સફરને લઈને તમામ સભ્યોમાં ભારે આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો.
