દેશને પોલિયો મુક્ત રાખવા પ્રશંસનીય કદમ: ધાનપુરના ઊંડાર અને કાલીયાવડ ખાતેથી ‘પલ્સ પોલિયો અભિયાન’નો ભવ્ય પ્રારંભ 

Editor Dahod Live
2 Min Read

રાહુલ ગારી: ગરબાડા

દેશને પોલિયો મુક્ત રાખવા પ્રશંસનીય કદમ: ધાનપુરના ઊંડાર અને કાલીયાવડ ખાતેથી ‘પલ્સ પોલિયો અભિયાન’નો ભવ્ય પ્રારંભ 

ગરબાડા તા.28

 

દેશભરમાં બાળકોના સુરક્ષા કવચ સમાન ‘પલ્સ પોલિયો અભિયાન’ અંતર્ગત આજરોજ ૨૮ જૂન ૨૦૨૬, રવિવારના દિવસે દાહોદ જીલ્લાના ધાનપુર તાલુકામાં ભારે ઉત્સાહભેર પોલિયો રસીકરણનો શુભારંભ કરવામાં આવ્યો હતો. તાલુકાના ગ્રામ્ય વિસ્તારો સુધી કોઈ બાળક રસીથી વંચિત ન રહી જાય તેવા મક્કમ નિર્ધાર સાથે આરોગ્ય તંત્ર દ્વારા વ્યાપક કામગીરી હાથ ધરવામાં આવી છે.

પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (PHC) કાલીયાવડ અંતર્ગતના સબસેન્ટર ઊંડારખાતે પોલિયો અભિયાનનો મુખ્ય કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત દાહોદ જીલ્લા પંચાયત પ્રમુખશ્રી ગમાંબેન અભેસિંહભાઈ મોહનિયા ના વરદહસ્તે બાળકોને પોલિયોના બે ટીપાં પીવડાવીને આ ભગીરથ અભિયાનની શરૂઆત કરાવવામાં આવી હતી. આ પ્રસંગે ઊંડારના સરપંચશ્રી, ધાનપુર તાલુકા પંચાયત સભ્ય તેમજ સ્થાનિક અગ્રણીઓ અને આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન PHC ના મેડિકલ ઓફિસર (MO), સુપરવાઈઝર અને સમગ્ર મેડિકલ સ્ટાફ હાજર રહ્યો હતો. ઉપસ્થિત મહાનુભાવો દ્વારા રાષ્ટ્રહિતના આ કાર્યમાં જોડાયેલી તમામ મેડિકલ ટીમોને અભિનંદન સહ શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી

આ ઉપરાંત, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાલીયાવડ ખાતે પણ સ્થાનિક સરપંચશ્રીના હસ્તે દીપ પ્રાગટ્ય અને બાળકોને રસી આપીને પોલિયો અભિયાનનો વિધિવત પ્રારંભ કરાયો હતો. ગ્રામજનોમાં પણ પોતાના ૦ થી ૫ વર્ષના બાળકોને પોલિયો મુક્ત બનાવવા માટે ભારે જાગૃતિ જોવા મળી હતી.

અભિયાનની ગંભીરતા અને સફળતાને સુનિશ્ચિત કરવા માટે ધાનપુરના તાલુકા હેલ્થ ઓફિસર (THO) ડૉ. બી. પી. રમણ સર દ્વારા રૂબરૂ મુલાકાત લેવામાં આવી હતી. તેઓએ ઊંડાર અને કાલીયાવડ ખાતે ચાલી રહેલી રસીકરણની કામગીરીનું બારીકાઈથી નિરીક્ષણ કર્યું હતું અને ગ્રાઉન્ડ લેવલ પર ફરજ બજાવતા કર્મચારીઓને જરૂરી માર્ગદર્શન પૂરું પાડી પ્રોત્સાહિત કર્યા હતા.

Share This Article