રાજેશ વસાવે :- દાહોદ
કતવારા રોડ પર આતંક મચાવતી લૂંટારૂ ટોળકી પોલીસના જાળમાં:અગાઉ 6 ગુનાઓ આચર્યાનો ખુલાસો.!
દાહોદમાં ચપ્પુ-છરાના ધાકે દાગીના પડાવતી ટોળકીના એક સગીર સહિત 6 આરોપી ઝડપાયા.!
દાહોદ તા. ૧૫

દાહોદ એલસીબી પોલીસની ટીમે દાહોદના કતવારા તેમજ આસપાસના આંતરિયાળ વિસ્તારોમાં એકલ દોકલ પસાર થતા વાહન ચાલકોને નિશાન બનાવી લૂંટ ચલાવતી ટોળકીને ઝડપી પાડી છે.ઉપરોક્ત ટોળકી ખાસ કરીને મહિલાઓ અને બાળકો સાથે આવતા વાહન ચાલકોને ચપ્પુ-છરા જેવા મારક હથિયારોના ધાકે દાગીના અને કિંમતી સામાન પડાવી લેતી હતી.જેના પગલે પોલીસે ટોળકી સામે પોલીસે મોટી કાર્યવાહી કરી છે.
દાહોદ એલસીબી પોલીસની ટીમે ગુનાખોરી વિરુદ્ધ હાથ ધરેલા અભિયાન દરમિયાન એક સગીર સહિત કુલ 6 આરોપીઓને ઝડપી પાડ્યા છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે તમામ આરોપીઓ દાહોદ જિલ્લાના જ રહેવાસી છે. એટલું જ નહીં પોલીસ તપાસમાં વધુ એક ચોંકાવનારો ખુલાસો થયો છે. ઝડપાયેલી ટોળકીએ અગાઉ દાહોદ જિલ્લામાં છ જેટલા ગુનાઓ આચર્યા હોવાનું સામે આવ્યું છે. આરોપીઓ એકલદોકલ પસાર થતા વાહન ચાલકોને રસ્તામાં રોકી લેતા હતા અને ત્યારબાદ ચપ્પુ-છરા જેવા મારક હથિયારો બતાવી બળજબરીપૂર્વક દાગીના તથા અન્ય કિંમતી વસ્તુઓ પડાવી લેતા હતા.આ ટોળકીની મોડસ ઓપરેન્ડી ખૂબ જ સુનિયોજિત હતી. ખાસ કરીને ઓછી અવરજવર ધરાવતા રસ્તાઓ પર એકલા વાહન ચાલકોને ટાર્ગેટ કરીને તેઓ લૂંટની ઘટનાઓને અંજામ આપતા હતા. પોલીસ દ્વારા આરોપીઓની પૂછપરછ હાથ ધરવામાં આવી છે અને અન્ય ગુનાઓમાં તેમની સંડોવણી અંગે પણ તપાસ ચાલી રહી છે.દાહોદ એલસીબી પોલીસની આ સફળ કામગીરીથી અનેક ગુનાઓનો ભેદ ઉકેલાયો છે. હાલ પોલીસે આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને વધુ તપાસ શરૂ કરી છે.
