બાબુ સોલંકી :- સુખસર
*દાહોદ,પંચમહાલ,મહીસાગરના પૂર્વ ભાગમાં આદિવાસી,રોહિત સમાજમાં દહેજ અંગે આવળી ગંગા:કન્યા જોઈતી હોય તો લાવો દહેજ…!*
*દહેજના દુષણને ડામવા સરકારનું કાનૂની કવચ છતાં મોટા બાકોરા!?*
સુખસર,તા. ૨૧
દહેજના ખપ્પરમાં હોમાઈ જતી નારી નવોઢા અને તેમના ઉપર સાસરી પક્ષ દ્વારા ગુજારવામાં આવતા સીતમના બનતા કિસ્સાઓની કોઈ સીમા નથી.અબળા ગણાતી નારીને દહેજના આ દૂષણ સામે સરકાર દ્વારા કાનૂની કવચ પૂરું પાડવામાં આવેલ છે.અનેક નારી સંરક્ષણ સંસ્થાઓ દ્વારા કાનૂની કવચ પૂરું પાડવામાં આવેલ છે.અનેક નારી સરક્ષણ સંસ્થાઓ આ ક્ષેત્રે કાર્યરત રહી સ્ત્રીઓને રક્ષણ પૂરું પાડે છે. ત્યારે પુરુષ પ્રધાન કહેવાતા આ યુગમાં પંચમહાલ,મહીસાગરનો પૂર્વ ભાગ તથા દાહોદ જિલ્લાના આદિવાસી તથા રોહિત સમાજની જ્ઞાતિઓમાં વર પક્ષ વાળા કન્યાને દહેજ આપે છે.દહેજની રકમ કન્યાના કુટુંબ અને ભણતર મુજબ નક્કી થાય છે.આ રકમ દહેજ રૂપે આપ્યા બાદ જ લગ્ન સંભવિત બને છે.
સામાન્ય પણે દહેજના પાપે શોષાતી નારીઓના જોવા મળતા કિસ્સાઓની જેમ જ આ જ્ઞાતિઓમાં વર શોષાતા રહ્યા છે. કન્યા પક્ષ તરફથી વધુને વધુ દહેજ મેળવવા માટે વર પક્ષ ઉપર દબાણ કરવામાં આવતું હોય છે.દહેજના દૂષણના સિક્કાની બીજી બાજુ જેવા આ રિવાજમાં કેટલીક વાર શોષિત થતા વર કંટાળી જઈને છુટકારો મેળવવા અંતિમ પગલાં ભરતા પણ અચકાતા નથી.જો કે મોટાભાગના આવા કિસ્સા ભાગ્યે જ પ્રકાશમાં આવતા હોય છે.શોષિત થતા વરને કાનૂની કવચ કે સામાજિક સંસ્થાઓ તરફથી ખાસ રક્ષણ મળે છે ખરું?એ વિચાર માંગતો પ્રશ્ન છે.હાલમાં એક લગ્ન માટે રોકડ રકમ,સોના-ચાંદીના દાગીના તથા લગ્નનો ખર્ચ મળી 15 લાખ રૂપિયા જેટલો ખર્ચ થતો હોવાનું જાણવા મળે છે.
દહેજ આપવું કે લેવું તે કાયદાકીય રીતે ગુનો બને છે.તેમ છતાં કાયદાકીય જોગવાઈઓને વિચારે પાડી મોટા ભાગના સમાજમાં દહેજ આપ-લે ની પ્રથા ફુલિફાલી બિન રોકટોક ચાલતી રહી છે.સામાજિક હિતચિંતકોએ લગ્નને પવિત્ર બંધન ગણાવ્યું છે.પરંતુ મોટાભાગના સમાજમાં પવિત્ર બંધનના નામે દહેજ પ્રથાને પ્રમુખ સ્થાને રાખવામાં આવતી હોવાનું જોવા અને જાણવા મળે છે. દહેજ પ્રથામાં માનતા સમાજમાં એક વ્યક્તિના લીધે તે કુટુંબના તમામ સભ્યોને સામાજિક રીત રિવાજો કે કુરિવાજો!માં માથું ઊંચું રાખવા માટે એક અંધારા ખૂણામાં સંતાઈને શોષાવું પડતું હોય છે.દહેજ પ્રથામાં માનતા સમાજમાંથી દહેજ વિરોધી તથા દહેજ આપવા મજબૂર છોકરા છોકરી ભાગી જઈને કોર્ટ મેરેજથી કે અન્ય રીતે કરેલ લગ્નને સમાજના લોકો ભાગેડું યુગલનો સ્વીકાર કરતા નથી.જ્યારે ભાગેડું યુગલ પંચના કરાર મુજબ સમાજમાં દાખલો બેસી શકે તેવી દહેજ પેટે અથવા તો દંડ પેટે ઊંચી રકમ આપે ત્યારે જ તેઓનો સમાજ સ્વીકાર કરે છે.આમ અમુક સમાજમાં સામાજિક રીતે કરેલ લગ્ન હોય કે કાયદાકીય રીતે પરંતુ દહેજના દૈત્યને ટાળવાનો કોઈ રસ્તો રહેતો નથી.પ્રાથમિક જાણકારી મુજબ દહેજ પ્રથાના કારણે 13 થી 17 વર્ષની સગીરાઓ સહિત કેટલીક પરિણીત મહિલાઓ ભાગવાના કે ભગાવી જવાના કિસ્સા પણ વધી રહ્યા છે.
એક બાજુ જોઈએ દહેજ પ્રથા થી વર પક્ષ ગરીબી તરફ ધકેલાય છે. અને આખી જિંદગી દહેજ પેટે કરેલા ખર્ચની ભરપાઈ કરવા માટેજ બાકીનું જીવન જીવતા હોય તેમ જણાય છે.બીજી બાજુ જોઈએ તો કન્યા પક્ષે દહેજ પેટે લીધેલ રકમથી વર પક્ષ પાયમાલ બનતા કન્યાએ તે જ ઘરમાં ગરીબી ભોગવવી પડે છે. દીકરીને સુખી જોવા ઇચ્છતા મા-બાપને દહેજ પ્રથા નાબૂદ કરવા સજાગ બની આગળ આવવું જોઈએ. દહેજ ની આપ-લે પોતાના જ સમાજમાં ખાડો પાડે છે,તે પોતાના જ સમાજે પુરવાનો હોય છે.આપણે એ પણ સમજવાની જરૂરત છે કે, સામાજિક કુરિવાજોને સમાજમાં રાખી આપણે શોષાઈ રહ્યા છે.તેના કરતાં તેવા રીત રીવાજોને દૂર કરી સામાજિક પરિવર્તન લાવવાનો મોકો જતો કરવો જોઈએ નહીં.સામાજિક રીત રિવાજો એ સમાજની લક્ષ્મણરેખા છે.જે રેખાની અંદર દરેક વ્યક્તિ તથા સમાજે રહેવાનું હોય છે.પરંતુ જે રિવાજોના નામે કુરિવાજો ઘર કરી ગયા છે જેના લીધે સમાજમાં સમસ્યા સર્જાય છે.ત્યારે સામાજિક આગેવાનોની સાથે-સાથે સમગ્ર સમાજે પણ જાગૃતતા દાખવી સમાજને અધોગતિ તરફ ધકેલાતો બચાવી લેવો તેજ સમયની માંગ છે.
