રાજેશ વસાવે :- દાહોદ
દાહોદમાં રખડતા શ્વાનનો આતંક ચરમસીમાએ: એક જ દિવસે 6 લોકોને બચકા ભરતા હાહાકાર.!
સ્ટેશન રોડ અને બસ સ્ટેન્ડ વિસ્તારમાં ફફડાટ,ઈજાગ્રસ્તોને ઝાયડસ હોસ્પિટલમાં સારવાર હેઠળ, ખસીકરણ મુદ્દે નગરપાલિકા સામે ઉઠ્યા સવાલો
દાહોદ તા.૦૩

દાહોદ શહેરમાં રખડતા શ્વાનનો આતંક ચરમસીમાએ પહોંચ્યો છે.જેમાં દાહોદ શહેરમાં એક જ દિવસમાં છ લોકોને બચકા ભરતા તમામને નજીકના દવાખાને સારવાર માટે લઈ જવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે.

દાહોદ શહેરમાં આમ તો રખડતા પશુઓ જેમાં આખલા, ગાય, ગધેડા વિગેરે જેવા પશુઓનો આતંક તો યથાવત છે. પરંતુ હવે તેની સાથે સાથે રખડતા શ્વાનનો આતંક પણ ચરમસીમાએ પહોંચ્યો છે.જેમાં આજરોજ દાહોદ શહેરના મુખ્ય માર્ગ એવા સ્ટેશન રોડ વિસ્તારમાં આવેલ મારવાડી ચાલ તેમજ બસ સ્ટેશનમાં એકજ દિવસમાં શ્વાને છ લોકોને બચકા ભર્યા હતા.જેમાં વૃદ્ધ સહિત યુવક તેમજ મહિલાઓનો સમાવેશ થાય છે. શ્વાનના આતંકને પગલે વિસ્તારમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે ત્યારે તમામ ઈજાગ્રસ્તોને દાહોદની ઝાયડસ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા છે. નોંધનીય બાબત છે કે રખડતા શ્વાનના ખસીકરણ માટે પશુપાલન વિભાગ દ્વારા ગ્રાંટની ફાળવણી કરવામાં આવે છે પરંતુ છેલ્લા 20 વર્ષ ઉપરાંતથી દાહોદ નગરપાલિકા દ્વારા રખડતા શ્વાનના ખસીકરણ માટેની ગ્રાન્ટ નો કોઈ ઉપયોગ કર્યો ન હોવાનું બિનસત્તાવાર રીતે જાણવા મળેલ છે. દાહોદના ઝાયડસ હોસ્પિટલમાંથી મળેલા આંકડા મુજબ રખડતા શ્વાનના એક મહિનામાં એવરેજ 150 થી 200 જેટલા કેસો નોંધાય છે. જોકે સ્માર્ટ સિટી દાહોદમાં રખડતા ઢોરો તેમજ શ્વાનના ત્રાસમાંથી મુક્ત કરાવવા યોગ્ય પગલાં લે તે પ્રકારની માંગ હવે ખૂબ જ ઉગ્ર બની છે. આ મામલે હાઇકોર્ટ તેમજ સુપ્રીમકોર્ટ દ્વારા ટિપ્પણી કર્યા બાદ પણ આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા અસરકારક પગલાં લેવામાં આવ્યા નથી જેનો ભોગ હવે શહેરીજનો બની રહ્યા છે.
