દાહોદ જિલ્લામાં હોળીના પર્વ સાથે પરંપરાગત મેળાઓની શરૂઆત : આસ્થા અને વિશ્વાસનો અદ્દભુત મેળાપ ઝાલોદના રણિયામાં ધુળેટીના દિવસે ધગધગતા અંગારાઓ પર મન્નતધારીઓ ચાલ્યાં : બાબાગલદેવના મેળામાં શ્રધ્ધાળુઓએ અનોખી રીતે બાધા પુર્ણ કરી

Editor Dahod Live
3 Min Read

રાજેશ વસાવે :- દાહોદ 

દાહોદ જિલ્લામાં હોળીના પર્વ સાથે પરંપરાગત મેળાઓની શરૂઆત : આસ્થા અને વિશ્વાસનો અદ્દભુત મેળાપ

ઝાલોદના રણિયામાં ધુળેટીના દિવસે ધગધગતા અંગારાઓ પર મન્નતધારીઓ ચાલ્યાં : બાબાગલદેવના મેળામાં શ્રધ્ધાળુઓએ અનોખી રીતે બાધા પુર્ણ કરી

દાહોદ તા.૦૫

દાહોદ જિલ્લામાં આદિવાસી સંસ્કૃતિ અને અસ્મિતાને ઉજાગર કરતાં જાતજાતના ભાતિગળ મેળાઓની શરૂઆત હોળીના પર્વની સાથે શરૂ થાય છે. આ સમયગાળા દરમ્યાન આદિવાસી સંસ્કૃતિ અને પરંપરાને ઉજાગર કરતાં ૫૨ જેટલા મેળાઓ દાહોદ જિલ્લામાં ભરાય છે. જેમાં અલગ અલગ પરંપરા, બાધાઓ તેમજ શ્રધ્ધા અને આસ્થાનો ખાસ કરીને સમાગમ જાેવા મળે છે. ધુળેટીના દિવસે યોજાતા ચુલનો મેળો તેમજ બાબાગલદેવના મેળામાં માનવ મહેરામણ ઉમટી પડે છે. આ બંન્ને મેળાઓમાં વર્ષ દરમ્યાન આદિવાસી સમાજમાં માનતાઓ લેવામાં આવે છે અને આ બંન્ને મેળાઓમાં મન્નધારીઓ પોતાની માનતા પુર્ણ કરે છે.

ઝાલોદ તાલુકોમાં આવેલ રણિયાર ગામ ખાતે દર વર્ષે ધુળેટીના પવિત્ર દિવસે યોજાતા “ચુલ ના મેળા”માં શ્રદ્ધા અને આસ્થાનો અનોખો નજારો જાેવા મળે છે. અહીં લોકો પોતાની માનતા પૂર્ણ કરવા માટે ધગધગતા અંગારાઓ પર ર્નિભયપણે ચાલી ભગવાન પ્રત્યેની ભક્તિ વ્યક્ત કરે છે. આ અનોખી પરંપરા જાેવા ઝાલોદ તાલુકા સહિત આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. ઝાલોદના રણિયાર ખાતે પરંપરાગત ચુલના મેળામાં રણછોડરાય મંદિર રણિયારના પટાંગણમાં આ મેળો પરંપરાગત યોજાય છે. જ્યાં ઠંડી અને ગરમ ચુલ ચાલવામાં આવે છે. ખાસ કરીને ગરમ ચુલ માટે ગામમાંથી ઘરેઘરે લાકડા અને ઘી એકત્રિત કરવામાં આવે છે. મેળાની શરૂઆતમાં અંદાજે ૫×૨૫ હાથ લાંબો, સવા હાથ પહોળો અને સવા પાંચ હાથ ઊંડો ખાડો ખોદવામાં આવે છે.

શ્રદ્ધાળુઓ પહેલા નજીક આવેલા તળાવમાં સ્નાન કરે છે. ત્યારબાદ હાથમાં પાણીનો લોટો અને નાળિયેર લઈને પોતાની માનતા મુજબ ઠંડી ચુલ પર ચાલે છે. પછી એ જ ખાડામાં સુકા લાકડાં પ્રગટાવી ધગધગતા અંગારામાં ફેરવવામાં આવે છે. લીમડાની ડાળીઓ અને પાંદડાં વડે ઘીની આહુતિ આપવામાં આવે છે. ચુલના પાંચ ફેરા ફર્યા પછી ભીના કપડાંમાં શ્રદ્ધાળુઓ ર્નિભયતાથી અંગારાઓ પર ચાલે છે. લોકો સારો વરસાદ પડે અને જીવનમાં સુખ-સમૃદ્ધિ આવે તેવી કામના સાથે આ વિધિ નિભાવતા હોય છે. વિશ્વાસ અને આસ્થાના આ પ્રતિકરૂપ મેળામાં અંગારાઓ પર ચાલ્યા બાદ કોઈ ઇજા ન થતી હોવાની માન્યતા છે. આ કારણે વર્ષો જૂની આ પરંપરા આજે પણ યથાવત્ રહી છે અને ઝાલોદ તાલુકાના લોકો ભક્તિભાવથી તેમાં જાેડાઈ રહ્યા છે.

મધ્યપ્રદેશ અને ગુજરાતની બોર્ડરે આવેલા દાહોદના ખંગેલા ગામે આદિવાસી સમાજનો પરંપરાગત બાબા ગળદેવનો મેળો યોજાયો હતો. શ્રધ્ધાળુઓએ બાબા ગળદેવની અનોખી રીતે ઉજવણી કરે છે જેમાં જે શ્રધ્ધાળુની માનતા પુર્ણ થાય છે તેને ૩૦ ફુટ ઉંચા લાકડાના સ્તંભ પર હવામાં ગોળ ગોળ ફેરવવામાં આવે છે. આ પહેલા આદિવાસી સમાજના તડવીઓ અને વડવાઓ પરંપરાગત રીતે તેમના ખત્રીઓને વિધીવત રીતે પુજન કરે છે સાથેજ આદિવાસી મહિલાઓ બાબાગળદેવના ફરતે ગોળ ગોળ ફરતે આદિવાસી લોક ગીતો પણ ગાય છે. વર્ષાેથી પરંપરાગત રીતે ચાલતા આવતાં આ બાબાગળદેવના મેળાને જીવંત રાખવા માટે ખંગેલામાં સંગાડીયા અને મેડા પરિવારમાં આ મેળો યોજવામાં આવે છે જેમાં ગુજરાત, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાંથી લોકો ઉમટી પડે છે.

———————————

Share This Article