રાહુલ ગારી :- ગરબાડા
ગરબાડાના ઝરી બુઝર્ગ ગામે હૃદયદ્રાવક ઘટના:ખુલ્લા કૂવામાંથી બે સગા ભાઈ-બહેનના મૃતદેહ મળતા ચકચાર,
આંબલી ફળિયામાં ગુમ થયેલા 3 વર્ષીય આરાધના અને 5 વર્ષીય રોનકના મૃતદેહ મળતા પરિવાર તથા પંથકમાં શોકની લહેર,પોલીસ તપાસ શરૂ
ગરબાડા તા.23
ગરબાડા તાલુકાના ઝરીબુઝર્ગ ગામમાં હૃદયદ્રાવક ઘટના સામે આવી છે,જ્યાં ગુમ થયેલા બે નાનાં બાળકોના મૃતદેહ ગામના જ ખુલ્લા કૂવામાંથી મળી આવ્યા છે. જેના પગલે એક તરફ પરિવારજનોમાં માતમ છવાઈ જવા પામ્યો છે.બીજી તરફ આ ચકચારી ઘટનાથી સમગ્ર પંથકમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ગરબાડા તાલુકાના ઝરી બુઝર્ગ ગામના આંબલી ફળિયામાં રહેતા ગોવિંદભાઈ ગણાવાના ત્રણ વર્ષીય પુત્રી આરાધના અને પાંચ વર્ષીય પુત્ર રોનક ગત સાંજે રમતા રમતા ગુમ થઈ ગયા હતા. ત્યારબાદ પરિવારજનોએ રાત્રિના સમયે બાળકોની ભારે શોધખોળ કરી હતી, પરંતુ બંને બાળકો મળી આવ્યા નહોતા.
બાળકો ગુમ થયાની જાણ પરિવાર દ્વારા ગરબાડા પોલીસ મથકે કરવામાં આવી હતી. જે બાદ વહેલી સવારે પરિવારના રહેણાંક પાછળ આવેલા ખેતર નજીક આવેલા ખુલ્લા કૂવામાંથી બંને બાળકોના મૃતદેહ મળી આવ્યા હતા. પાણી કાઢવા માટે બે મશીનની મદદ લેવામાં આવી અને ત્યારબાદ બાળકોના મૃતદેહ કૂવામાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. જોકે એકાએક બે બાળકોના મૃત્યુથી પરિવાર સહિત સમગ્ર ગામમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. બંને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
પ્રાથમિક તપાસમાં આ ઘટના અકસ્માત હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે, જ્યારે પોલીસે સમગ્ર મામલે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
