દેવગઢ બારીયા તાલુકામાં મનરેગાના કૂવાના કામમાં શાળાના બાળકો પાસે બાળ મજુરી કરાવાતી હોવાનો ફોટો વાયરલ.!

Editor Dahod Live
3 Min Read

મનરેગા કૌભાંડ સામે આવ્યા બાદ પણ ગેરેરીતિઓ સિલસિલો યથાવત.!

દેવગઢ બારીયા તાલુકામાં મનરેગાના કૂવાના કામમાં શાળાના બાળકો પાસે બાળ મજુરી કરાવાતી હોવાનો ફોટો વાયરલ.!

મનરેગામા બેખોફ ચાલી રહેલી વ્યાપક ગેરરીતિઓ સામે આવી..

ઈરફાન મકરાણી: દેવગઢ બારીયા

દાહોદ તા.08

 

મનરેગાના કરોડોના કૌભાંડના પર્દાફાશનો આરંભ જે ગ્રામ પંચાયતથી થયો હતો.તેજ દેવગઢ બારીયાની વાવ-લવારીયા ગ્રામ પંચાયતમાં હાલ કૂવાના ચાલી રહેલા કામોમાં શાળાના સગીર વયના બાળકો તેમજ બાળકીઓ પાસે બાળ મજુરી કરાવી મસ્ટરમાં અન્ય લોકોની ખોટી ઓનલાઈન હાજરી પૂરી,ખોટા જોબ કાર્ડ બનાવી, ખોટા ફોટા અપલોડ કરી ગંભીર ગેરરીતિ આચરી સરકારને લાખોનું નુકસાન પહોંચાડવામાં આવતું હોવાના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે.

દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા તાલુકાની વાવ-લવારીયા ગ્રામ પંચાયત ખાતે મનરેગા યોજના હેઠળ ચાલી રહેલા કૂવાના કામોમાં વ્યાપક ગેરરીતિઓ સામે આવી છે. કુવાના કામોમાં મસ્ટર રોલ અને ઓનલાઇન હાજરીમાં મોટા પાયે ગેરરીતિ આચારવામાં આવી રહી હોવાના ગંભીર આક્ષેપો થઈ રહ્યા છે. જાણવા મળ્યા મુજબ કુવાના કામોમાં જે મસ્ટર રોલ ભરવામાં આવે છે, તેમાં હકીકતમાં કામ પર હાજર ના હોય એવા લોકોની હાજરી દર્શાવવામાં આવે છે. વધુમાં ચોંકાવનારી બાબત એ છે કે, શાળાએ ભણવા જતા નાના નાના બાળકોને મજૂર તરીકે બતાવી તેમની પાસે કામ કરાવ્યાના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે. આ બાળકો ના ફોટા પાડી ઓનલાઈન હાજરી ભરવામાં આવે છે. અને એ જ ફોટા અપલોડ કરીને સરકારી સિસ્ટમને ભ્રમિત કરવામાં આવી રહી છે. બાળમજૂરી કરતા શાળાના નાના નાના બાળકોનો એક ફોટો પણ વાયરલ થયો છે. કૂવાના કામોમાં ખોટા જોબકાર્ડ ઊભા કરીને હાજરી પુરવામાં આવે છે, તેમજ એક જ વ્યક્તિના ફોટા અલગ અલગ નામે અપલોડ કરીને મોટી રકમ ઉપાડી ગેરરીતિ આચરવામાં આવતી હોવાના જલદ આક્ષેપો સમગ્ર જિલ્લા પંચાયતમાં ઊઠવા પામ્યા છે.                       

 

આ સમગ્ર ગેરકાયદેસર પ્રક્રિયા આયોજનબદ્ધ કૌભાંડ હોવાનું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. આ ગ્રુપ ગ્રામ પંચાયત વિસ્તારમાં ચાલતા કુવાના કામોમાં નિયમોનું ખુલ્લેઆમ થતું વસ્ત્રાહરણ, બાળ મજુરી જેવા ગંભીર મુદ્દાઓ તેમજ મનરેગા જેવી જન કલ્યાણ યોજનાનો વ્યાપક દૂર ઉપયોગ થતો હોવાના કારણે સરકારને લાખો રૂપિયાનું નુકસાન થતું હોવાના આક્ષેપ છે. આ મામલે ગ્રામજનો દ્વારા ભારે રોષ સાથે આ સમગ્ર મામલે ઉચ્ચસ્તરીય તપાસ કરાવી જવાબદાર સરપંચ, તલાટી, ટેકનિકલ સહાયક તથા સંડોવાયેલા અન્ય લોકો સામે તાત્કાલિક વહીવટી કાર્યવાહી કરી કાયદેસરના કડક પગલાં લેવામાં આવે તેમ જ ખોટી રીતે ઉપાડવામાં આવેલી સરકારી રકમની વસુલાત કરવામાં આવે તેવી માગણી કરવામાં આવી રહી છે. જો આ ગંભીર ગેરરીતિ આચરનારા સામે તાત્કાલિક પગલાં લેવામાં નહીં આવે તો ગ્રામજનો દ્વારા ઉચ્ચ સ્તરે ઉગ્ર રજૂઆત તેમજ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચેતવણી આપવામાં આવી છે. ત્યારે જિલ્લા વહીવટી તંત્ર અને મનરેગા વિભાગ આ ગંભીર ગેરરીતિ આચરનારા સામે કેવાં પગલાં ભરે છે તે હવે જોવું રહ્યું.!

Share This Article