
બાબુ સોલંકી, સુખસર
129,ફતેપુરા વિધાનસભા મતવિસ્તારમાં આગામી સમયમાં વિધાનસભાની યોજનાર ચૂંટણીના પડઘમથી ગરમાવો:ટેકેદારો સહિત ઉમેદવારો ગેલમાં.
વિધાનસભા મત વિસ્તારના કોંગ્રેસના ઉમેદવારની જાહેરાત જ્યારે ભાજપ આપ પાર્ટીના ઉમેદવારો માટે ઉમેદવારની પસંદગીની પ્રજામાં જોવાતી રાહ.
પોત પોતાના માનીતા પક્ષના કાર્યકરો દ્વારા ચૂંટણી પ્રચારમાં જોતરાયેલા ટેકેદારોમાં પોતાના પક્ષના ઉમેદવારની જીત નક્કી હોવાનો અટકળોનો દોર શરૂ.
ફતેપુરા વિધાનસભા મતવિસ્તારમાં કોંગ્રેસના કટ્ટર કાર્યકર્તાના પક્ષ પલટા થી વિપક્ષને ઉજળી તક મળી હોવાનો અહેસાસ.
સુખસર,તા.8
શિયાળાની શુભ શરૂઆતની ફૂલ ગુલાબી ઠંડીમાં વિધાનસભાની ચૂંટણી ના આગમનથી ગરમાવો આવ્યો છે.અને વિધાનસભામાં ચૂંટણી લડવા ઈચ્છુક ઉમેદવારો સહિત ટેકેદારો પોતાના માનીતા ઉમેદવારને જીતની સીમા સુધી પહોંચાડવા ચૂંટણી પ્રચારમાં જોતરાઈ ચૂક્યા છે.અને તમામ પક્ષના ટેકેદારો દ્વારા પોતાના જ પક્ષના ઉમેદવારની જીત નિશ્ચિત હોવાનો પ્રચાર કરી પ્રજાનું દિલ જીતી પોતાને માનીતા ઉમેદવારને જીત અપાવવા એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. જ્યારે અનુભવી પ્રજા પણ પ્રચારકોના હા માં હા ભેળવી ખુશ કરી રવાના કરતા જાન બચીતો લાખો પાયે નો અહેસાસ કરતી હોવાનું જોવા અને જાણવા મળે છે.જોકે ફતેપુરા વિધાનસભા મતવિસ્તારમાં વિધાનસભાની ચૂંટણી રસાકસી ભરી બની રહેવાના એંધાણ જણાઈ રહ્યા છે.
129 વિધાનસભા મતવિસ્તારમાં ભાજપ,કોંગ્રેસ તથા આપ પાર્ટીને સીધી ટક્કર રહેશે.જોકે અન્ય કોઈ પક્ષનો સંભવિત ઉમેદવાર પણ આ ચૂંટણીમાં ઝંપલાવી શકે છે.આગામી સમયમાં યોજાનાર વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષ દ્વારા ઉમેદવાર તરીકે રઘુભાઈ દીતાભાઇ મછાર ઉપર પસંદગીનો કળશ ઢોળ્યો છે.જ્યારે ભાજપ તથા આપ પાર્ટીના ઉમેદવારો ની પસંદગી આવનાર દિવસોમાં થશે ત્યારે હાલ ભાવિ ઉમેદવારો સહિત તેમના ટેકેદારોમાં હલચલ સહિત વિવિધ અટકાળોનો દોર શરૂ થયેલ હોવાનું જાણવા મળે છે.જ્યારે પ્રજા પણ પોતાની પસંદગીના પક્ષના કયા ઉમેદવારની પસંદગી થાય છે તે જાણવા ઉત્સુકતા સેવી રહી છે.તેમજ કોઈપણ પક્ષના ભાવિ ટિકિટવાત્છુ ઉમેદવારો મને ટિકિટ મળશે તોજ પક્ષની જીત થશે તેમ માનવા કરતા પ્રજામાં માનીતા ઉમેદવારની જીત થશે તેમ માની ચાલવું વધુ યોગ્ય ગણાશે.
અહીંયા એ બાબત ઉલ્લેખનીય છે કે,ફતેપુરા વિધાનસભા મત વિસ્તારમાં કયા પક્ષના ઉમેદવારની જીત થશે તેમ સચોટ આગાહી કરવી અસ્થાને છે. પરંતુ હાલ કોંગ્રેસ પક્ષના ઉમેદવારની પસંદગી કરી લેવામાં આવી છે ત્યારે તે જ દિવસે કોંગ્રેસના કટ્ટર કાર્યકર્તા મનાતા અને તાલુકા કક્ષાએ કોંગ્રેસ પાર્ટીમાં અનેક હોદ્દાઓ ઉપર રહી ચૂકેલા ગોવિંદભાઈ પરમાર દ્વારા કોંગ્રેસને અલવિદા કરી આપ પાર્ટીમાં જોડાયા છે.જેના લીધે વધુ નહીં પરંતુ થોડા અંશે કોંગ્રેસ પાર્ટીને નુકસાન અવશ્ય થશે તેમાં કોઈ બે મત નથી.બીજી બાજુ આપ પાર્ટી દ્વારા ઉમેદવારની પસંદગી આવનાર સમયમાં થશે ત્યારે ભાજપ તથા આપ પાર્ટીમાં અગાઉથી કાર્યકર્તા તરીકે કામગીરી કરતા કાર્યકર્તાઓ દ્વારા ટિકિટની માંગણી કરવામાં આવી રહી હોવાનું જાણવા મળે છે.અને માંગણી કરતા કાર્યકર્તાઓ પૈકી એક ઉમેદવાર ઉપર પસંદગીનો કળશ ઢોળાશે ત્યારે ભાજપ તથા આપ પાર્ટીના અન્ય બાકાત રહી જતા ટિકિટ વાત્છુ કાર્યકર્તાઓમાં નારાજગી જોવા મળશે અને તેનો લાભ સામેના પક્ષના ઉમેદવારને થશે તેમાં પણ કોઈ શક નથી.જો કે તમામ પક્ષના ઉમેદવારોની પસંદગી થયેથી પ્રજાનો મત અને ઉમેદવારની જીતનું ચિત્ર સ્પષ્ટ થશે તેમ જણાઈ રહ્યું છે.