દેવગઢ બારીઆ તાલુકાના જુના બારીઆ ગામે ટાવર ફળિયામાં રહેતા અક્ષયકુમાર બિપીનભાઈ વરીયા (ઉ.વ.૨૦) તથા તેનો મિત્ર રતનભાઈ અરવિંદભાઈ બારીઆ (ઉ.વ.૨૧) એમ બંન્ને મિત્રો ગતરોજ પોતાની એક મોટરસાઈકલ પર સવાર થઈ ફાંગીયા ગામેથી પસાર થઈ રહ્યા હતા તે સમયે એક અજાણ્યા વાહનના ચાલકે પોતાના કબજાનું વાહન પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી આ યુવકોની મોટરસાઈકલને અડફેટમાં લેતા બંન્ને મિત્રો મોટરસાઈકલ પરથી ફંગોળાઈ જમીન પર પટકાયા હતા જેને પગલે ઉપરોક્ત બંન્ને યુવકોને શરીરે તેમજ માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ થતાં બંન્નેના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા.
આ ઘટનાની જાણ પરિવારજનોને મોડે સુધી થતાં બંન્ને યુવકોના પરિવારજનો સહિત સ્વજનો ઘટના સ્થળે દોડી ગયા હતા જ્યા પરિવારમાં યુવકોના મોતને પગલે આક્રંદનો માહોલ સર્જાવા પામ્યો હતો.
હાલ આ મામલે સાગટાલા પોલીસે આ સંદર્ભે ગુનો નોંધી માર્ગ અકસ્માત સર્જી ફરાર થઈ ગયેલ અજાણ્યા વાહનના ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી ધરપકડના ચક્રોગતિમાન કર્યા છે.