દાહોદ:ઇન્દોર-અમદાવાદ નેશનલ હાઇવે પર ટ્રેક્ટર,સ્કોર્પિયો અને બે બાઈકો વચ્ચે સર્જાયેલા ગમખ્વાર માર્ગ અકસ્માતમાં એક નુ મોત:ત્રણ ઘાયલ

Editor Dahod Live
2 Min Read

 જીગ્નેશ બારીયા :- દાહોદ 

દાહોદ તા.૦૭

દાહોદ શહેરને અડીને આવેલ અમદાવાદ – ઈન્દૌર હાઈવે સ્થિત આજરોજ સવારના અગીયારેક વાગ્યાના સમયગાળા દરમ્યાન ટ્રેક્ટર,સ્કોર્પિયો અને બે બાઈકો વચ્ચે ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાતાં બે બાઈકો પર સવાર ચાર પૈકી એકનું ઘટના સ્થળ પર જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતુ.આ માર્ગ અકસ્માત એટલો ભયંકર હતો કે, સ્કોર્પિયો ગાડી ટ્રેક્ટર સાથે અથડાતાં સ્કોર્પિયોનો કચ્ચરઘાણ વળી ગયો હતો.બાઈકો પર સવાર વધુ ત્રણ ઈજાગ્રસ્તોને નજીકના દવાખાને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.

મળતી પ્રાપ્તિ વિગતો અનુસાર, અમદાવાદ ઈન્દૌર હાઈવે ખાતે સવારના અગીયારેક વાગ્યાના સમયગાળા દરમ્યાન એક સ્કોર્પિયો ગાડીનો ચાલક અને એક ટ્રેક્ટરના ચાલકે પોતાના કબજાનું વાહન પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવતાં હતા અને તેજ સમયે બે મોટરસાઈકલ પર ત્યાંથી પસાર થઈ રહી હતી. આ દરમ્યાન આ ત્રણેય વાહનો જાેતજાેતામાં એકબીજા સાથે ધડાભારે અથડાતાં એકક્ષણે સ્તબ્ધતાનો માહોલ સર્જાઈ ગયો હતો અને બે બાઈકો પર સવાર ચાર પૈકી એકનું ઘટના સ્થળ પર જ ગંભીર ઈજાઓને પગલે મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ પોલીસ તેમજ ૧૦૮ ઈમરજન્સી એમ્બ્યુલંશ સેવાને થતાં તમામ કર્મચારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા અને ઈજાગ્રસ્તોને નજીકના દવાખાને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતાં. આ ઘટનાને પગલે કલાકો સુધી ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા અને સાથો સાથે આસપાસના રહીશો પણ દોડી આવ્યાં હતાં. મૃતક તેમજ ઈજાગ્રસ્તોના પરિવારજનોને આ ઘટનાની જાણ થતાં તેઓ પણ સ્થળ પર દોડી આવ્યા હતાં અને સ્થળ પર આક્રંદનો માહોલ પણ સર્જાયો હતો. કલાકો સુધીના ટ્રાફિક જામના દ્રશ્યોને પોલીસ દ્વારા ખોલી રાબેતા મુજબની અવર જવરની સ્થિતિને વેગ આપ્યો હતો.

આ સમગ્ર મામલે પોલીસે તલસ્પર્શી તપાસ હાથ ધરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

———————————-

Share This Article