Thursday, 25/04/2024
Dark Mode

માર્ગ અકસ્માતોની વણથંભી વણઝાર…. દાહોદ જિલ્લામાં વીતેલા ચોવીસ કલાક દરમિયાન વાહન ચાલકોની ગફલત તેમજ પૂર ઝડપના કારણે સર્જાયેલા ત્રણ જુદા-જુદા માર્ગ અકસ્માતોમાં ત્રણ લોકો કાળનો કોળિયો બન્યા:કુલ 6 લોકો ઈજાગ્રસ્ત થયાં

માર્ગ અકસ્માતોની વણથંભી વણઝાર…. દાહોદ જિલ્લામાં વીતેલા ચોવીસ કલાક દરમિયાન વાહન ચાલકોની ગફલત તેમજ પૂર ઝડપના કારણે સર્જાયેલા ત્રણ જુદા-જુદા માર્ગ અકસ્માતોમાં ત્રણ લોકો કાળનો કોળિયો બન્યા:કુલ 6 લોકો ઈજાગ્રસ્ત થયાં

 જીગ્નેશ બારીયા :- દાહોદ 

દાહોદ તા.૦૭

દાહોદ જિલ્લામાં વિતેલા ચોવિસ કલાકની અંદર માર્ગ અકસ્માતના ત્રણ બનાવોમાં ત્રણ લોકોના અકાળે મોતને પગલે પરિવારમાં માતમ છવાઈ ગયો હતો.જ્યારે આ ત્રણ બનાવોમાં છ જેટલા વ્યક્તિઓને પણ ઈજાઓ થતાં નજીકના દવાખાને સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં હોવાનું જાણવા મળી રહ્યું છે.

માર્ગ અકસ્માતનો પ્રથમ બનાવ લીમખેડા તાલુકાના મોટા હાથીધરા ગામે ગત તા.૦૬ જાન્યુઆરીના રોજ બનવા પામ્યો હતો જેમાં એક ટ્રકના ચાલકે પોતાના કબજાની ટ્રક પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી રસ્તાની સાઈડમાં ઉભેલા કેટલા વ્યક્તિઓને અડફેટમાં લેતાં આ પૈકી રાજસ્થાનના જાલોર જિલ્લામાં સાચોર તાલુકામાં રહેતા ૨૭ વર્ષીય સોતારામ મેસારામ દેવાસી (રબારી)ને અડફેટમાં લેતાં તેને શરીરે તેમજ માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ થતાં તેનું મોત નીપજ્યું હતું જ્યારે શૈલેશબાઈ વસરામભાઈ તથા બીજા બે જેટલા વ્યક્તિઓને પણ ઈજાઓ થતાં તેઓને નજીકના દવાખાને સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં હતાં. ઘટનાને અંજામ આપી ટ્રકનો ચાલક નાસી ગયાનું પણ જાણવા મળી રહ્યું છે. આ સંબંધે ઝાલોદના બાંસવાડા રોડ સર્વાેદય સોસાયટીમાં રહેતા મેવારામ વડતાજી દેવાસી (રબારી) દ્વારા લીમખેડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

માર્ગ અકસ્માતનો બીજાે બનાવ ઝાલોદ તાલુકાના કાળી મહુડી ગામે બનવા પામ્યો હતો જેમાં ગત તા.૦૫ જાન્યુઆરીના રોજ એક છકડાના ચાલકે પોતાના કબજાનો છકડો પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી તે સમયે અચાનક છડકા પરનો સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવી બેસતાં છકડો પલ્ટી ખાઈ ગયો હતો અને નજીકની ગટરમાં છકડો ખાબક્યો હતો. આ દરમ્યાન છકડામાં સવાર રાજેશભાઈ રામુભાઈ નીનામા (ઉ.વ.૨૪) ને માથાના ભાગે તેમજ શરીરે ગંભીર જીવલેણ ઈજાઓ થતાં તેનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. આ સંબંધે ઝાલોદ તાલુકાના કારઠ ગામે રૂખડી ફળિયામાં રહેતા રામુભાઈ વરસીંગભાઈ નીનામાએ લીમડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

 માર્ગ અકસ્માતનો ત્રીજો બનાવ ઇન્દોર-અમદાવાદ નેશનલ હાઇવે પર બનવા પામ્યો હતો. જેમાં અમદાવાદ ઈન્દૌર હાઈવે ખાતે સવારના અગીયારેક વાગ્યાના સમયગાળા દરમ્યાન એક સ્કોર્પિયો ગાડીનો ચાલક અને એક ટ્રેક્ટરના ચાલકે પોતાના કબજાનું વાહન પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવતાં હતા અને તેજ સમયે બે મોટરસાઈકલ પર ત્યાંથી પસાર થઈ રહી હતી. આ દરમ્યાન આ ત્રણેય વાહનો જાેતજાેતામાં એકબીજા સાથે ધડાભારે અથડાતાં એકક્ષણે સ્તબ્ધતાનો માહોલ સર્જાઈ ગયો હતો અને બે બાઈકો પર સવાર ચાર પૈકી એકનું ઘટના સ્થળ પર જ ગંભીર ઈજાઓને પગલે મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ પોલીસ તેમજ ૧૦૮ ઈમરજન્સી એમ્બ્યુલેન્સ સેવાને થતાં તમામ કર્મચારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા અને ઈજાગ્રસ્તોને નજીકના દવાખાને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતાં. આ ઘટનાને પગલે કલાકો સુધી ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા અને સાથો સાથે આસપાસના રહીશો પણ દોડી આવ્યાં હતાં. મૃતક તેમજ ઈજાગ્રસ્તોના પરિવારજનોને આ ઘટનાની જાણ થતાં તેઓ પણ સ્થળ પર દોડી આવ્યા હતાં અને સ્થળ પર આક્રંદનો માહોલ પણ સર્જાયો હતો. કલાકો સુધીના ટ્રાફિક જામના દ્રશ્યોને પોલીસ દ્વારા ખોલી રાબેતા મુજબની અવર જવરની સ્થિતિને વેગ આપ્યો હતો.

 

error: Content is protected !!