હિતેશ કલાલ,સુખસર શબ્બીર સુનેલવાલ, વિનોદ પ્રજાપતિ: -ફતેપુરા
ફતેપુરા નાનાસરણાયા ગામે બે સંતાનો સહીત માતાની કૂવામાંથી મળી લાશ,સાસરિયાઓના ત્રાસથી મહિલાએ બે બાળકો સાથે કૂવો પૂર્યો, પોલિસે મૃતકના મૃતદેહોનો કબ્જો લઇ પોસ્ટમોર્ટમ માટે ફતેપુરા લઈ જવાયા,મૃતક મહિલાના પતિને પૂછપરછ માટે પોલીસ મથકે લઇ જવાયો,સાસરી પક્ષના ત્રણ લોકો વિરુદ્ધ ગુનો દાખલ,મરણ જનાર મહિલાના પિતાએ પોલીસ ફરિયાદ નોંધાવી,
સુખસર/ફતેપુરા તા.08
ફતેપુરા તાલુકાના નાનાસરણાયા ગામે એક કૂવામાં 2 બાળકી અને એક મહિલાની લાશ મળી આવી હતી.તપાસ દરમિયાન એક પુત્ર તેમજ એક પુત્રી તેમજ માતા હોવાનું બહાર આવ્યું હતું.પોલીસ દ્વારા ત્રણેયના મૃતદેહોને બહાર કાઢી પોસ્ટમોર્ટમ અર્થે ફતેપુરા મોકલાયા હતા.
ફતેપુરા તાલુકાના નાનાસરણાયા ગામે વેલજીભાઈ ડામોરના ખેતરમાં કૂવામાંથી 2 બાળકી અને એક મહિલાની લાશ પડી હોવાની વાતને લઇ ખળભળાટ મચી જવા પામ્યો હતો.પોલીસને જાણ કરતાં ફતેપુરા પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી.અને ત્રણેય મૃતદેહોને બહાર કાઢ્યા હતા.જેમાં સરલાબેન ડામોર અને તેના બે સંતાનો એક પુત્રી ઉંમર સાડા ચાર વર્ષ અને પુત્ર સાડા ત્રણ મહિનાનો હોવાનું જાણવા મળ્યું હતું. સરલા ના લગ્ન જીવનને દસ વર્ષનો સમય થયો હોવાનું ગ્રામજનોએ જણાવ્યું હતું.સરલા અને તેના સંતાનની હત્યા કરાઈ છે કે આત્મહત્યા છે તે દિશા તરફ ફતેપુરા પોલીસે ધનિષ્ઠ તપાસ હાથ ધરી હતી.પોલીસે સરલા ના પતિ જેસીંગભાઇ ને પૂછપરછ માટે લઈ જવામાં આવ્યા હતા. પોલીસ તપાસ દરમ્યાન સાસરિયાઓના ત્રાસથી મહિલાએ તેના બે બાળકો સાથે આત્મહત્યા કરી લેવાનું સપાટી પર આવ્યું હતું.ત્યારબાદ મરણ જનાર મહિલાના પિતાએ સાસરી પક્ષના ત્રણ લોકો વિરુદ્દ ગુનો નોંધાવતા પોલિસે મહિલાના પતિ તેમજ સાસુ-સસરા મળી કુલ ત્રણ લોકો વિરુદ્ધ ગુનો દાખલ કરતાં પંથકમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો.
ફતેપુરા તાલુકામાં છેલ્લા 9 વર્ષથી કૂવામાંથી લાશ મળવાનો સિલસિલો યથાવત: મોટાભાગના કેસો વણઉકેલ્યા,પોલીસના હાથ ખાલી
ફતેપુરા તાલુકામાં છેલ્લા નવ વર્ષમાં ૨૨થી વધુ જેટલા લોકોની કૂવામાંથી લાશ મળી હોવાનું પોલીસ ચોપડે નોંધાયું છે.જેમાં મોટાભાગના કેસમાં હજુ સુધી મોતનું કારણ જાણી શકાયું હોવાનું જાણવા મળી રહ્યું છે જ્યારે કેટલાક કેસોમાં હત્યાને આત્મહત્યામાં ખપાવવામાં આવી હોવાનું પણ ચર્ચાઓએ જોર પકડ્યું હતું.જ્યારે કેટલાય ગુનાઓ હજી વણઉકેલ્યા હોવાનું જાણવા મળ્યું છે..
ગામના કુવામાં મહિલા તેમજ બે બાળકોની લાશો દેખાતા ગ્રામજનો દ્વારા પોલીસને જાણ કરાઈ
ફતેપુરા તાલુકાના નાના સરણાયા ગામે બે સંતાનો સહિત માતાની લાશ મળી આવી હતી.વહેલી સવારે સાત વાગ્યાના અરસામાં ગામલોકોને કૂવામાંથી નજરે જોવા મળી હતી તેમજ નવ વાગ્યાના સમયે પોલીસ પણ આવી પહોંચી હતી અને ત્રણેય લાશોને બહાર કાઢી દેવાઈ હતી પરંતુ પોલીસ ફરિયાદ નોંધાઈ ન હોવાથી રાત્રિના 8 વાગ્યા સુધી ત્રણેય મૃતદેહોનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું ના હોવાનું જાણવા મળ્યું હતું.
સાસરિયાઓના ત્રાસથી મહિલાએ બે બાળકો સાથે આત્મહત્યા કરતા પોલિસે ત્રણ લોકો વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે.:- સી.બી.બરંડા (ફતેપુરા પી.એસ.આઈ)
ફતેપુરા તાલુકાના નાના સરણાયા ગામે બે સંતાનો સહિત માતાની લાશ મળી આવી હતી આ મામલે તલસ્પર્શી તપાસ હાથ ધરાતાં 32 વર્ષની પરિણીત મહિલાએ 10 વર્ષના લગ્નગાળામાં સાસરી પક્ષના ત્રાસથી વાજ આવી પોતાના ત્રણ માસનો બાળક તેમજ સાડા ચાર વર્ષના બાળકી સાથે કુવામાં ઝંપલાવી આત્મહત્યા કરી છે. આ મામલે મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના સારાડ ગામના રહેવાસી અને મરણ જનાર પરણિતાના પિતા સોમાભાઈ કલજીભાઈ પારગીઍ ફતેપુરા પોલીસ મથકે ગુનો દાખલ કરાવતાં ફતેપુરા પોલીસે મહિલાના પતિ તેમજ સાસુ સસરા મળી ત્રણ લોકો વિરુદ્ધ 306 મુજબ ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.