મઝહર અલી મકરાણી, દે.બારીયા
દે.બારીયા તા.08
ધાનપુર તાલુકાના કાંટુ ગામમાં જમીને ઘરના આંગણામાં હાથ ધોવા આવેલી 7 વર્ષીય બાળા પણ દીપડાએ હુમલો કરી મોતને ઘાટ ઉતારતા સમગ્ર પંથકમાં વધી રહેલા દીપડાના હુમલાઓના કારણે ભયની સાથે ફફડાટ ફેલાઈ જવા પામી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ધાનપુર તાલુકાના કાંટુ ગામના સુરા ડુંગરી ફળીયાના રહેવાસી સમસુભાઈ ભુરીયા તેમના પરિવાર સહીત સાંજના સાડા સાતેક વાગ્યાંના સુમારે ઘરે જમવા બૈઠા હતા.અને તેમની સાથે તેમની 7 વર્ષીય પુત્રી ધોળકીબેન ભુરીયા પણ જમવા બૈઠી હતી.7 વર્ષીય ધોળકી જમીને ઘરના આંગણામાં હાથ ધોવા આવી હતી.તે સમયે ઘાત લગાવીને બેઠેલા હિંસક દીપડાએ ધોળકીબેન પર હુમલો કરી ગાળાના ભાગે બચકું ભરી આશરે 500 મીટર સુધી ખેંચીને લઇ ગયો હતો. તે સમયે ધુળકી બેનને બૂમાબૂમ સાંભળી બહાર દોડી આવેલા પરિવાર સહિત આસપાસના લોકોએ બૂમાબૂમ કરતા દીપડો જંગલ તરફ ભાગી ગયો હતો. ત્યારબાદ દીપડાના હુમલામાં ગંભીર રીતે ઘવાયેલી બાળાને તાત્કાલિક સારવાર અર્થે નજીકના દવાખાને લઇ જતા ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કરતા પરિવાર સહિત પંથકમાં ગમગીની છવાઇ જવા પામી હતી. ઉકત બનાવની જાણ પોલીસને થતા વનવિભાગે ઘટનાસ્થળે પહોંચી દીપડાને ઝબ્બે કરવાની કામગીરીમાં જોતરાઈ ગયા હતા.જ્યારે પોલીસે મૃતક બાળકીના મૃતદેહનો કબજો મેળવી પીએમ માટે ખસેડાયા હોવાનું જાણવા મળેલ છે.
