
બાબુ સોલંકી :- સુખસર
ફતેપુરા તાલુકાના ભોજેલા,સુખસર તથા વાંકાનેર શાળાના બાળકોએ હોસ્પિટલ,બેંક તથા પોલીસ સ્ટેશનની મુલાકાત લીધી
મુલાકાતી બાળકોને પોલીસ સ્ટેશન,બેન્ક તથા હોસ્પિટલની કાર્યરીતિ બાબતે માહિતગાર કરાયા
સુખસર,તા.15
ફતેપુરા તાલુકાના ભોજેલા,વાંકાનેર તથા સુખસરમાં અભ્યાસ કરતા બાળકોએ બેંક,હોસ્પિટલ તથા પોલીસ સ્ટેશનની મુલાકાત લીધી હતી.જેમાં જે તે જગ્યાએ કરવામાં આવતી કામગીરી બાબતે બાળકોને માહિતગાર કરવામાં આવ્યા હતા.મુલાકાતી બાળકોએ ખૂબ જ રસ પૂર્વક જે-તે કચેરીની માહિતી પ્રાપ્ત કરી હતી. તેમજ મુલાકાતી બાળકો દ્વારા પૂછવામાં આવેલ પ્રશ્નોના વિગતવાર અને સચોટ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
જાણવા મળેલ માહિતી અનુસાર આજરોજ સુખસર પાસે આવેલ ભોજેલા પ્રાથમિક શાળા,વાંકાનેર પ્રાથમિક શાળા તથા સુખસર નૂતન વિદ્યાલયમાં અભ્યાસ કરતા બાળકોએ હોસ્પિટલ,બેંક તથા પોલીસ સ્ટેશનની મુલાકાત લીધી હતી.જેમાં હોસ્પિટલમાં કરવામાં આવતી કામગીરી વિશે હોસ્પિટલના સ્ટાફ દ્વારા બાળકોને માહિતગાર કરાયા હતા.આકસ્મિક માંદગી જેવા સંજોગોમાં હોસ્પિટલમાં જે તે દર્દીને કઈ રીતે સારવાર આપવામાં આવે છે.તેમજ ઇમરજન્સી સંજોગોમાં તાત્કાલિક સારવાર મેળવવા માટે 108 એમ્બ્યુલન્સની કાર્યવાહી તથા દવાખાનામાં દર્દીની સારવાર માટે કઈ-કઈ સુવિધાઓ છે તે બાબતે બાળકોને વાકેફ કરાયા હતા.
બેંક ઓફ બરોડા સુખસર શાખાની મુલાકાતમાં બાળકોને બેંકની કાર્યરીતિ અને બેંક પ્રજાને કઈ રીતે મદદરૂપ થાય છે તે બાબતે માહિતી આપવામાં આવી હતી.જે-તે થાપણદારોને બેંકમાં મૂકેલી પોતાની મૂડીનુ સરકાર દ્વારા કેવી રીતે રક્ષણ કરવામાં આવે છે તે સહિત સરકાર દ્વારા બેન્કોને આપેલી સત્તા દ્વારા ખેડૂતો તથા નાના વેપારીઓને કેવી રીતે મદદ કરી શકે છે તે વિશે માહિતગાર કર્યા હતા.
સુખસર પોલીસ સ્ટેશન ખાતે શાળાના બાળકોની મુલાકાત દરમિયાન સુખસર પોલીસ સ્ટેશન પી.એસ.આઇ જી.બી ભરવાડ દ્વારા અકસ્માતોથી બચવા શું સાવચેતી રાખવી?હેલ્મેટ ફરજિયાત પહેરવું તેમજ પોતાના વડીલો ટુ-વ્હીલર જેવું વાહન લઇ નીકળે ત્યારે હેલ્મેટ જરૂરથી પહેરે તેવો આગ્રહ રાખવા બાળકોને વિસ્તારથી સમજ આપવામાં આવી હતી.તેમજ હાલ નાણા પડવાના ઇરાદે અનેક લોકો સાથે નાણાકીય છેતરપિંડી આચરવામાં આવી રહી હોવાના કિસ્સા બની રહ્યા છે.ત્યારે સાઇબર ક્રાઇમના કિસ્સાઓથી કેવી રીતે બચવું? લાલચમાં આવવું નહીં.તેમજ કોઈ ગુન્હાહિત કૃત્ય બનતું હોય ત્યારે પોલીસ કઈ રીતે મદદ કરી શકે છે? તથા મહિલાઓ સાથે થતા ગેરકૃત્યથી બચવા કોની મદદ માગી શકાય બાબતે વિસ્તારથી સમજ આપવામાં આવી હતી.
અને જણાવ્યું હતું કે,આજકાલ નાણાકીય છેતરપિંડી કરવાના સાયબર ક્રાઇમના અનેક ગુનાઓ બની રહ્યા છે.ત્યારે આવા ઠગ લોકોની લાલચમાં નહીં આવવા પણ વિગતે માહિતી પૂરી પાડવામાં આવી હતી.તેમજ પોલીસ દ્વારા કથિત આરોપીને ઝડપ્યા બાદ તેની સામે પોલીસ દ્વારા કરવામાં આવતી કાર્યવાહીની પણ સમજ આપવામાં આવી હતી.સાથે-સાથે એ પણ જણાવ્યું હતું કે,જો કોઈ જગ્યાએ અકસ્માત થાય ત્યારે પોલીસ પૂછપરછના ડરથી લોકો 108 એમ્બ્યુલન્સ કે પોલીસને જાણ કરતા ડરી રહ્યા છે.ખરેખર આવું કાંઈ હોતું નથી.પરંતુ તેવો ડર રાખ્યા વિના કોઈની જિંદગી બચે તેના માટે આગળ આવવા પી.એસ.આઈ,જી.બી.ભરવાડ દ્વારા આહવાન કરવામાં આવ્યું હતું.ત્યારબાદ પોલીસ સ્ટેશનના અલગ- અલગ ટેબલોના કર્મચારીઓની કાર્યવાહી તેમજ પોલીસ લોક અપ બાબતે ઉપસ્થિત બાળકોને માહિતગાર કરવામાં આવ્યા હતા.