સંત રવિદાસ રોહિત સમાજ વિકાસ ટ્રસ્ટ ની કારોબારી મીટીંગ યોજાઇ

Editor Dahod Live
3 Min Read

સંત રવિદાસ રોહિત સમાજ વિકાસ ટ્રસ્ટ ની કારોબારી મીટીંગ યોજાઇ

મીટીંગની શરૂઆત પૂર્વે રોહિત સમાજના અણિકા તથા કાળીયાના મૃતકોના માનમાં મૌન પળાયું.

રોહિત સમાજમાં લગ્ન તથા મરણ પ્રસંગમાં કરવામાં આવતા ખોટા ખર્ચા બંધ કરવા નિર્ણય કરવામાં આવ્યો.

આગામી સમયમાં બારીયા તથા છત્રી પરગણાના કાર્યક્ષેત્રમાં મિટિંગનું આયોજન કરવા નિર્ણય લેવાયો.

( પ્રતિનિધિ ) સુખસર,તા.17

સંતરવિદાસ રોહિત સમાજ વિકાસ ટ્રસ્ટ સંતરામપુરના પ્રમુખની અધ્યક્ષતામાં મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં લગ્ન તથા મરણ પ્રસંગમાં કરવામાં આવતા ખોટા ખર્ચાઓ બંધ કરી,સમાજમાં ચાલતા કુરિવાજોને તિલાંજલિ આપવા અને સમાજના ઉત્થાન માટે સમગ્ર સમાજે એક જૂથ થઈ કામે લાગી જવા તેમજ સમાજમાં શિક્ષણનું સ્તર ઉપર લાવવા આહવાન કરવામાં આવ્યું હતું.

જાણવા મળેલી વિગતો મુજબ રોહિત સમાજના પાંચ પરગણાની મીટીંગનું સંત રવિદાસ રોહિત સમાજ વિકાસ ટ્રસ્ટ સંતરામપુર કાર્યાલય ખાતે સમાજના પ્રમુખ ગનાભાઈ ભૂનેતરની અધ્યક્ષતામાં કારોબારી સભ્યોની હાજરીમાં મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં સમાજના ઉત્થાન માટે વિવિધ નિર્ણયો લઇ સમાજનું સ્તર ઉંચુ લાવવા આહવાન કરવામાં આવ્યું હતું. મિટિંગની શરૂઆત પૂર્વે રોહિત સમાજના અણિકા ગામના મૃતક મનુભાઈ સોલંકી તથા કાળીયા ગામ ના મૃતક ભુરાભાઈ સોલંકીના માનમાં બે મિનિટનું મૌન પાળી મીટીંગની શરૂઆત કરવામાં આવી હતી.
રોહિત સમાજના કારોબારી સભ્યોની ઉપસ્થિતિમાં મળેલી મીટિંગ દરમિયાન રોહિત સમાજમાં લગ્ન પ્રસંગ તથા મરણોત્તર ક્રિયામાં જે ખોટા ખર્ચ કરવામાં આવે છે તે બંધ કરવા માટે સમાજને જાગૃત કરવા નિર્ણય લેવામાં આવ્યો હતો.અને બચત થયેલ રકમનો ઉપયોગ બાળકોના ભણતર પાછળ વાપરવા જાગૃતિ આવે તેમજ સમાજના વધુ ને વધુ લોકો શિક્ષિત બને તેના ઉપર ભાર મુકવામાં આવ્યો હતો.તેમજ સમાજમાં રીવાજોના નામે ઘર કરી ગયેલા કુરિવાજોને સદંતર બંધ કરવા જણાવાયું હતું.જ્યારે કેટલાક સંજોગોમાં સમાજમાં યુવક-યુવતીના છૂટાછેડા થાય છે,ત્યારે યુવક દ્વારા આપવામાં આવેલ દહેજ પેટેની રકમ થી વધુ નાણાં લેવામાં આવતા હોય છે. તેમજ કેટલાક કિસ્સાઓમાં યુવકનો ગેરલાભ ઉઠાવી કન્યા પક્ષ દ્વારા લીધેલ દહેજની રકમ ચાઉ કરી છોકરા પક્ષને હળહળતો અન્યાય કરવામાં આવે છે. ત્યારે સમાજ દ્વારા નક્કી કરેલ નાણાંની આપ-લે થાય જે બાબતમાં પણ સમાજના આગેવાનોએ આગળ આવી કોઈ પક્ષને અન્યાય થાય નહીં તેવી રીતે સામાજિક પ્રશ્નો હલ કરવા નિર્ણય લેવામાં આવ્યો હતો. તેમજ બારીયા તથા છત્રી પરગણાના કાર્યક્ષેત્રમાં આગામી 1 ડિસેમ્બર-2022 ના રોજ રોહિત સમાજની મીટીંગ રાખવામાં આવેલ હોવાનું જાણવા મળે છે.સાથે- સાથે પાંચ પરગણા રોહિત સમાજના દરેક ગામમાંથી એક-એક સભ્યનું કારોબારી સભ્યોમાં સમાવેશ કરવામાં આવનાર હોવાનું પણ જાણવા મળે છે.
સંતરામપુર ખાતે મળેલ સંત રવિદાસ રોહિત સમાજ વિકાસ ટ્રસ્ટ ની મીટિંગમાં ટ્રસ્ટના પ્રમુખ ગનાભાઈ ભુનેતર,સંતરામપુર.મંત્રી ગણેશભાઈ બામણીયા,મોટી ભુગેડી. ઉપપ્રમુખ દેવચંદભાઈ પરમાર નાની ઢઢેલી તથ નાનજીભાઈ જ્યારે કારોબારી સભ્યો માં રમેશભાઈ,માંડલી.એડવોકેટ ભુલાભાઈ,હરીગરના મુવાડા. રમેશભાઈ,ફતેપુરા.મુળાભાઈ,ગોઠીબ. માનાભાઈ,ડોળી.તથા સમાજના અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

 

Share This Article