Thursday, 28/03/2024
Dark Mode

ફતેપુરા તાલુકામાં પીવાના પાણી માટેની સુવિધા ઉપલબ્ધ કરવા આયોજન વિના કરાતી કામગીરી પાછળ લાખો રૂપિયાનો ખર્ચ વ્યર્થ..!!

June 21, 2021
        1469
ફતેપુરા તાલુકામાં પીવાના પાણી માટેની સુવિધા ઉપલબ્ધ કરવા આયોજન વિના કરાતી કામગીરી પાછળ લાખો રૂપિયાનો ખર્ચ વ્યર્થ..!!

બાબુ સોલંકી :- સુખસર 

ફતેપુરા તાલુકામાં પીવાના પાણી માટેની સુવિધા ઉપલબ્ધ કરવા આયોજન વિના કરાતી કામગીરી પાછળ લાખો રૂપિયાનો ખર્ચ વ્યર્થ.

ફતેપુરા તાલુકામાં વર્ષો આગાઉ લાખો રૂપિયાના ખર્ચે બાંધકામ કરવામાં આવેલ અનેક ટાંકા તથા સંપમાં વર્ષો બાદ પણ ટીપું પાણી પડ્યું નથી.

 હાલ ફતેપુરા તાલુકામાં કેટલીક જગ્યાએ પાણીના સ્ત્રોત વિના બનાવાઈ રહેલી ભૂગર્ભ ટાંકીઓમાં પાણી આવશે કે પ્રજાના નાણાનો વેડફાટ થશે?:જાગૃત પ્રજાનો પ્રશ્ન.

( પ્રતિનિધિ ) સુખસર,તા.૨૧

 

ફતેપુરા તાલુકામાં આઝાદી બાદ દાયકાઓથી પીવાના તથા સિંચાઇના પાણીની સુવિધા માટે સરકાર દ્વારા પ્રજાના કરોડો રૂપિયા ખર્ચ કરાઇ ચૂક્યા છે.તેમ છતાં થયેલ ખર્ચને નજર અંદાજ કરતા મોટાભાગનાં નાણા વ્યર્થ ગયા હોવાનું નજરે જોતાં જણાઇ આવે છે.વર્ષો વર્ષ પાણી માટેની સુવિધા ઉભી કરવા માટે ગ્રામ્ય વિસ્તારોમાં કરોડો રૂપિયા ખર્ચ કરવામાં આવી રહ્યા છે.જે પૈકી કેટલીક જગ્યાએ પાણીની ઉપલબ્ધી માટે કરાતો ખર્ચ આયોજન વિના થઇ રહ્યો હોવાનું પણ ઊડીને આંખે વળગે છે.ત્યારે ફતેપુરા તાલુકામા કેટલીક જગ્યાએ પાણી માટેના થતા આયોજન પ્રત્યે તાલુકા-જિલ્લા તંત્રો સહીત રાજ્ય સરકારે ધ્યાન આપવાની ખૂબજ જરૂરત જણાઈ રહી છે.
જાણવા મળેલી વિગતો મુજબ ફતેપુરા તાલુકામાં વર્ષોથી પીવાના પાણીની સુવિધા ઉપલબ્ધ થાય તે હેતુથી વિવિધ યોજનાઓ હેઠળ કરોડો રૂપિયા ખર્ચ કરવામાં આવી રહ્યા છે.જે પૈકી મોટા ભાગનો ખર્ચ વ્યર્થ ગયો હોવાનું જોવા મળે છે. જેમાં અગાઉ ભાણાસીમલ જૂથ પાણી પુરવઠા યોજના હેઠળ ફતેપુરા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પીવાના પાણીની સુવિધા ઉભી કરવા માટે કરોડો રૂપિયા ખર્ચ કરી ગામડે ગામડે પાઇપલાઇનનો તથા ટાંકીઓ બનાવવામાં આવેલ છે.જેમાંથી માત્ર ગણ્યાગાંઠયા ગામડાઓમાં હાલ આ યોજનાનું પાણી પહોંચી રહ્યું છે.અને આ યોજના નિષ્ફળ ગઇ છે.આ યોજના દ્વારા બનાવવામાં આવેલ પાણીની ટાંકીઓમાં અન્ય કોઈ યોજના હેઠળ વર્ષો પછી પણ ટીપુ પાણી પહોંચ્યું નથી.અને તેવા જ કેટલાક ગામડાઓમાં ફરીથી હાલ લાખો રૂપિયાનો ખર્ચ કરી વાસ્મો યોજના હેઠળ પાણીના ભૂગર્ભ ટાંકા બનાવવામાં આવી રહ્યા છે.હાલ તો આ બનાવવામાં આવી રહેલ ટાંકાઓમા પાણી ક્યાંથી આવશે?તે પ્રશ્ન પ્રમુખ સ્થાને છે.જો તાલુકાના તમામ ગામડાઓમાં પીવાના પાણીની સમસ્યા દૂર કરવા આયોજન કરાતું હોય તો જે ગામડાઓમાં ભાણાસીમલ યોજનાના જે ટાંકા બનાવવામાં આવેલ છે અને તેમાં વર્ષો પછી પણ પાણી પહોંચ્યું નથી તેમાં પાણી પહોંચાડવા પ્રજાના નાણાથી સરકારે સાહસ કરવું જોઈએ. ભાણાસીમલ યોજના હેઠળ બનાવવામાં આવેલ કેટલાક ટાંકાઓને બાદ કરતા મોટાભાગના ટાંકાઓ સહીસલામત છે.જો તેમાં પાણી પહોંચાડી શકાતુ હોય ત્યારબાદ જ નવીન ટાંકાઓ કે ભૂગર્ભ ટાંકીઓ બનાવવા આયોજન કરવું જોઈએ.

પાણીની સમસ્યા દૂર કરવાની એકજ કામગીરી પાછળ વર્ષો વર્ષ સરકાર દ્વારા કરવામાં આવતો કરોડો રૂપિયાનો ખર્ચ વ્યર્થ જાય તે પ્રજાને માન્ય નથી 

 

પ્રજાનું કહેવું છે કે, ગ્રામ્ય વિસ્તારોમાં જ્યાં પિવાના તથા સિંચાઇના પાણી માટે યોજના ભાણાસીમલ હોય કે વાસ્મો યોજના અથવા તો અન્ય કોઈ યોજના,પરંતુ પ્રજાના નામે વારંવાર પાણી પહોંચાડવાના વાયદા આપી વેડફવામાં આવતા કરોડો રૂપિયા જે પ્રજાના માથે કર ઉભો કરે છે.તેના કરતા કોઈ નક્કર આયોજન કરી જે-તે જગ્યાએ આયોજન મુજબ ફરજિયાત પાણી મળી રહે તેવું આયોજન થવું જોઈએ.જેથી ખોટી રીતે નાણાંનો વેડફાટ થાય નહીં.વેડફાતા નાણાં બચાવી લઈ બચેલા નાણાંથી પ્રજાને કોઈ અન્ય સુવિધા ઉપલબ્ધ થાય એ બાબતે વિચારવું જોઈએ હાલ સુધી ગ્રામ્ય વિસ્તારોમાં કેટલીક સુવિધાઓનો અભાવ છે.તે પૂરી થવી જોઈએ.

પરંતુ વારંવાર એકજ કામ પાછળ અલગ-અલગ યોજનાઓ દ્વારા ખોટી રીતે નાણાં વેડફાય અને કરેલ ખર્ચ વ્યર્થ જાય તે પ્રજાને માન્ય નથી.કારણકે સરકાર દ્વારા વિવિધ યોજનાઓ દ્વારા પ્રજાને સુવિધા આપવા માટે ખર્ચ કરવામાં આવે છે તે નાણાં પ્રજાના છે.અને તેનો બોજ પ્રજાના માથે જ પડતો હોય છે.છેલ્લે ગરીબ પ્રજાએ તેનો શિકાર બની ભોગવવાનું ભાગે આવતું હોય છે.

#Paid Pramotion

Contact us :- sunrise public school 

 

ફતેપુરા તાલુકામાં પીવાના તથા સિંચાઇના પાણી માટે સતાવતા પ્રશ્નો કાયમી ધોરણે નિવારી સરકારના ‘ઘર ઘર નલ,ઘર ઘર જલ’ના સુત્રને સાર્થક કરી શકાય.

ફતેપુરા તાલુકામાં વર્ષોથી સતાવતો એક પ્રશ્ન હોય તો તે પાણીની સમસ્યાનો છે.અને તાલુકામાં પીવાના તથા સિંચાઇના પાણી માટે કાયમી ધોરણે પ્રશ્ન હલ કરવો હોય તો તેના માટે વિકલ્પ પણ છે.તેમાં જોઈએ તો સરદાર સરોવરનું પાણી છેક અમદાવાદ,સૌરાષ્ટ્ર,કચ્છ સુધી પહોંચતું હોય તો દાહોદ જિલ્લો દૂર નથી.અને દાહોદ જિલ્લામાં પાણી પહોંચાડવુંજ હોય તો અલીરાજપુર થી સીધી દાહોદ જિલ્લામાં કેનાલ કે પાઇપલાઇન દ્વારા પાણી લાવી શકાય તેમ છે.બીજા નંબરે જોઈએ તો પાણીની કડાણાથી દાહોદ જતી એક્સપ્રેસ લાઈન દ્વારા દાહોદ સુધી પાણી પહોંચાડાઈ રહ્યું છે.અને ક્યારેક આ લાઈન દ્વારા ફતેપુરા તાલુકાની નામ પુરતી નદીઓમાં પાણી છોડવામાં આવે છે.તો ફતેપુરા તાલુકાના સુખસર વિસ્તારમાંથી પસાર થતી કડાણા દાહોદ એક્સપ્રેસ લાઈન માંથી આસાનીથી પાણી ફતેપુરા તાલુકાના સંપૂર્ણ વિસ્તારને મળી શકે તેમ પણ છે.ત્રીજો ઉપાય જોઈએ તો ફતેપુરા તાલુકાને સ્થાનિક જગ્યાએથી પાણી મળવું જોઈએ તેવું આયોજન કરવું હોય તો દર વર્ષે એક-એક ગ્રામ પંચાયત દ્વારા ૨૫થી ૩૦ કે તેનાથી પણ વધુ બોર કાઢી મોટરો મૂકવામાં આવે છે. અને તેના પાછળ દર વર્ષે એક ગ્રામ પંચાયત દીઠ ૨૦ થી ૨૫ લાખ રૂપિયા કે તેનાથી પણ વધારે ખર્ચ થાય છે.તેમ છતાં મુકવામાં આવતા મોટાભાગના બોરમાં પાણીજ આવતું નથી.અને બોર પાછળ કરવામાં આવેલ ખર્ચ પણ વ્યર્થ જાય છે. જોકે આ બાબત કલ્પના કે આક્ષેપ નહીં પરંતુ હકીકત છે.આગાઉના વર્ષોમાં કરવામાં આવેલ મોટાભાગના બોર હાલ બિનકાર્યરત હોવાનું જોવા મળે છે.ત્યારે એક-એક ગ્રામ પંચાયત દ્વારા વર્ષોવર્ષ ૨૦-૨૫ લાખ ઉપરાંતનો ખર્ચ બોર પાછળ કરવામાં આવી રહ્યો છે. તેના કરતાં આજ ખર્ચમાં દર વર્ષે એક-એક ફળિયામાં એક-એક સાર્વજનિક કુવાની કામગીરી કરવામાં આવે તો પાંચ વર્ષમાં આખું ગામ હરિયાળીથી ખીલી ઊઠે! આમ ગ્રામ્ય વિસ્તારોમાં સાર્વજનિક કુવાઓની કામગીરી કરી તેમાંથી ગામમાં પાણી આપી કાયમી ધોરણે પાણીની સમસ્યા નિવારી શકાય તેમ છે.અને સરકારના ‘ઘર ઘર નલ,ઘર ઘર જલ.’ના સુત્રને સાર્થક કરી શકાય તેમાં પણ કોઈ બેમત નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!