
બાબુ સોલંકી :- સુખસર
સંજેલી ઝાલોદ રોડ સામૂહિક રસ્તા ઉપર ગેરકાયદેસર દબાણ હટાવવા TDO એ પંચાયતને નોટિસ ફટકારી.
પ્રજા છે ત્રસ્ત,સરકારી બાબુઓ છે મસ્ત, માત્ર નોટિસ ફટકારી સંતોષ માને છે, કાર્યવાહી કરવામાં વિલંબ કેમ.?
પંચાયત તેમજ સીટી સર્વેની નોટિસને ઘોળીને પી જનાર માથાભારે યુવક સામે કાર્યવાહી કરવા તંત્ર નિષ્ફળ.
( પ્રતિનિધિ ) સુખસર,તા.
સંજેલી હોળી ફળિયા વિસ્તારમાં થયેલા સામૂહિક રસ્તામાં ગેરકાયદેસર દબાણોને લઈને સંજેલી તાલુકા વિકાસ અધિકારીએ પંચાયતને દબાણ દૂર કરવા નોટિસ ફટકારી હતી.સરકારી જમીનમાં બાંધકામ થતું અટકાવી દૂર કરવા માટેની કાયદેસરની કાર્યવાહી કરવા નોટીસ ફટકારતા ખળભળાટ મચી જવા પામ્યો હતો.
સંજેલી ઝાલોદ રોડ ઉપર આવેલી હોળી ફળિયા વિસ્તારમાં માથાભારે યુવક દ્વારા કાયદાની એસીતેસી કરી પંચાયતની તેમજ સીટી સર્વેની નોટિસને ઘોળીને પી જઈ સરકારી જમીન પર જ ગેરકાયદેસર મકાન બાંધી દેવાતા સ્થાનિક લોકોને તેમજ આદિવાસી ખેડૂતોને પોતાના ખેતરમાં વાહનની અવરજવર કરવામાં પડતી મુશ્કેલીને લઇને તાલુકા સહિત જિલ્લાના અધિકારીને રજુઆત કરવામાં આવી હતી.જેને ધ્યાને લઈને તારીખ 05/12/2020ના રોજ તાલુકા વિકાસ અધિકારી દ્વારા પંચાયતને તપાસના આદેશ આપ્યા હતા.પરંતુ પંચાયત તંત્ર દબાણ કરનાર પર મહેરબાન હોય કે ખાયકી કરવામાં આવી હોય તે રજૂઆતને પણ ઘોળીને પી જઇ તાલુકા અધિકારીને ગેરમાર્ગે દોરવા સરપંચ,તલાટી દ્વારા ગોળગોળ અહેવાલ રજુ કરવામાં આવ્યો હતો.
ટી.ડી.ઓ ને અહેવાલ સંતોષકારક ન જણાતાં 13/01/2020ના રોજ ગંભીર નોંધ લઈ બાંધકામ બાબતે સ્પષ્ટ અહેવાલ મોકલવા માટે નોટિસ ફટકારવામાં આવી હતી.એક તરફ સરકાર દ્વારા ગૌચર અને પંચાયતની જમીનો ખુલ્લી કરવા માટે આદેશો કરવામાં આવી રહ્યા છે,ત્યારે બીજી તરફ સંજેલી પંચાયત ભુમાફિયાને છાવરવામાં આવી રહ્યાં છે.માથાભારે તત્વો દ્વારા પંચાયતની તેમજ સીટી સર્વેની નોટિસને પણ ઘોળીને પી જઈ સરકારી જમીનમાં ખુલ્લેઆમ બાંધકામ પૂર્ણ કર્યુ છે.ત્યારે આ બાબતે જિલ્લાના અધિકારી દ્વારા તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે કે પછી ભૂ માફિયા ને છાવરવામાં આવશે?તે પણ તાલુકામાં ચર્ચાનો વિષય બન્યો છે.
સંજેલી પંચાયત તંત્રની મીલીભગતથી ગેરકાયદેસર બિનધાસ્ત દબાણ કરી બાંધકામ શરૂ કરી બંગલાનું કામ પૂર્ણ કર્યું .સરપંચ તેમજ તલાટીની જોડે સાંઢગાઢ કરી સરકારી જમીન ઉપર ગેરકાયદેસર બાંધકામ કરાયું હોવા છતાં પંચાયતે ખાના પૂર્તિ માટે માત્ર નોટિસ બજવી સંતોષ માનવામાં આવી રહ્યો છે.સરપંચ,તલાટી અને દબાણ કરનાર માથાભારે યુવકની
મીલીભગતથી બાંધકામની પરવાનગી લીધા વગર જ પંચાયતની જમીનમાં બાંધકામ શરૂ કરતાં નગરમાં ચર્ચાનો વિષય બન્યો હતો.આંખે પાટા બાંધી બેઠેલી પંચાયતે માત્ર કાગળ ઉપર જ બાંધકામ અટકાવ્યું હતું.તંત્ર ઉંઘતું રહ્યું અને માથાભારે તત્વો દ્વારા દબાણ પર બંગલો બાંધી દીધો.પંચાયતે ખાયકી કરી હોય તેમ નોટિસો બજાવી સંતોષ માનવામાં આવી રહ્યો છે તે કેટલા અંશે વ્યાજબી છે? તેવી સંજેલીના ગ્રામજનોમાં ચર્ચાઓ સાંભળવા મળી રહી છે.હટાવવા TDO એ પંચાયતને નોટિસ ફટકારી.