
બાબુ સોલંકી :- સુખસર
ફતેપુરા તાલુકાના સુખસર ખાતે આવેલ રાઉન્ડ ફોરેસ્ટ કચેરીના કર્મચારીઓના મનસ્વી વહીવટથી કાર્યાલય ઝાડી ઝાંખરાઓમાં સંતાઈ.!?
સુખસર ખાતે 45 ગામડાઓની વચ્ચે આવેલ રાઉન્ડ ફોરેસ્ટ કચેરીના મહિનાઓથી તાળા વાગેલા હોઇ ચારે બાજુ ઝાડી ઝાંખરા ફૂંટી નીકળ્યા છે.
સુખસર રાઉન્ડ ફોરેસ્ટ કચેરીના કર્મચારીઓ ફતેપુરા ફોરેસ્ટ ઓફિસમાં બેસી વહીવટ કરતા હોય કર્મચારીઓ વિના સુખસર વિસ્તાર નાધણીયાત.
સુખસર વિસ્તારના લખણપુર,જવેસી,મારગાળા, સાગડાપાડા,મોટી ઢઢેલી જેવા જંગલ વિસ્તારો ફોરેસ્ટ ખાતાના કર્મચારીઓની બેદરકારીથી નામશેષ થવાની દિશામાં.
સુખસર,તા.02
ફતેપુરા તાલુકામાં સારા એવા પ્રમાણમાં જંગલ વિસ્તાર વિસ્તારી શકાય તેવી જંગલ વિસ્તારની જમીન આવેલી છે.ફોરેસ્ટ વિસ્તારના વિકાસ માટે સરકાર વર્ષે કરોડો રૂપિયા ખર્ચ પણ કરી રહી છે.છતા ખર્ચની સામે જંગલ વિસ્તારનો વિકાસ થવો જોઈએ તેની જગ્યાએ વર્ષો વર્ષ જંગલ વિસ્તારમાં રહ્યા વૃક્ષો નામશેષ થઈ રહ્યા છે.અને બોડા ડુંગરોનો વિસ્તાર વધતો જાય છે.સાથે-સાથે વર્ષો વર્ષ વૃક્ષોના વાવેતર પાછળ કરોડો રૂપિયા નો ખર્ચ કરવામાં આવતો હોવા છતાં વાવેતર કરવામાં આવેલ વૃક્ષોનું જતન કરવામાં નહીં આવતા વૃક્ષોની વૃદ્ધિ થઈ શકતી નથી.અને દર વર્ષે એકને એક જગ્યાએ વૃક્ષોના વાવેતર પાછળ ખર્ચ કરવામાં આવી રહ્યો છે.ત્યારે વન વિસ્તારના વિકાસ માટે જવાબદારો દ્વારા ધ્યાન આપી નામશેષની દિશા તરફ જઈ રહેલા વનવિસ્તાર સહિત વન ખાતાને બચાવવા ધ્યાન આપવાની ખૂબ જ જરૂરત જણાઈ રહી છે.
અહીંયા જણાવવું જરૂરી છે કે, સુખસર વિસ્તારમાં 45 જેટલા ગામડાઓનો સમાવેશ કરવામાં આવેલો છે.અને આ વિસ્તારના ગામડાઓ માટે સુખસર ખાતે રેન્જ ફોરેસ્ટ કચેરી આવેલી છે.અગાઉ આ કચેરીમાં ફોરેસ્ટ કર્મચારીઓ હાજર રહેતા હતા.પરંતુ છેલ્લા એક વર્ષ ઉપરાંતથી સુખસર વિસ્તારમાં ફરજ બજાવતા ફોરેસ્ટના કર્મચારીઓ કચેરીને તાળા મારી ફતેપુરા ફોરેસ્ટ ઓફિસ ખાતે બેસી કામગીરી કરી રહ્યા છે.જ્યારે સુખસર ખાતે આવેલ કચેરીની ચારે બાજુ ઝાડીઝાખરાં ફૂટી નીકળતા હાલ કચેરીની બદતર હાલત જોવા મળે છે.ત્યારે સુખસર વિસ્તારમાં ફોરેસ્ટ ખાતામાં ફરજ બજાવતા જવાબદાર કર્મચારીઓ નિયમિત કચેરી ખાતે હાજર રહી નામ શેષની દિશા તરફ જઈ રહેલા વનવિસ્તારને વધારવા કામે લાગી જાય તે ખૂબ જ જરૂરી જણાઈ રહ્યું છે.
આમ,સુખસર વિસ્તારના વન વિસ્તારમાં ફરજ બજાવતા કર્મચારીઓ પોતાની ફરજના સ્થળે હાજર નહીં રહેતા તેમના ઉપરી અધિકારીઓની મહેરબાનીથી મનસ્વી વહીવટ ચલાવી રહેલ હોય જંગલ વિસ્તારનો વિકાસ રૂંધાઈ રહ્યો છે.જેને ધ્યાને લઈ જંગલ વિસ્તારમાં નવીન વૃક્ષોનું વાવેતર કરી તેની માવજત કરવામાં આવે તો જંગલ વિસ્તારનો વિકાસ વિસ્તાર પામી શકે તેમ છે.નહીં તો ફતેપુરા તાલુકાના સુખસર વિસ્તાર ના લોકોને જંગલોના દર્શન દુર્લભ થઈ પડશે.જેથી આ વિસ્તારમાં ફોરેસ્ટ ખાતાના કર્મચારીની પણ કોઈ જરૂરિયાત રહેશે નહીં.અને પ્રજા કહેશે ડુંગર દૂરથી નહીં નજીકથી રળિયામણા..!