Tuesday, 03/10/2023
Dark Mode

ફતેપુરા તાલુકા પંચાયત કચેરી માંથી ચેકની ચોરી કરી રૂપિયા 65.15 લાખ ઉપાડનાર આફવા મંડળીનો સંચાલક ઝડપાયો

August 10, 2022
        1344
ફતેપુરા તાલુકા પંચાયત કચેરી માંથી ચેકની ચોરી કરી રૂપિયા 65.15 લાખ ઉપાડનાર આફવા મંડળીનો સંચાલક ઝડપાયો

બાબુ સોલંકી, સુખસર

 

ફતેપુરા તાલુકા પંચાયત કચેરી માંથી ચેકની ચોરી કરી રૂપિયા 65.15 લાખ ઉપાડનાર આફવા મંડળીનો સંચાલક ઝડપાયો.

 

ફતેપુરા તાલુકા પંચાયત કચેરીના એકાઉન્ટ વિભાગમાંથી ચોરી થયેલ ચેક દ્વારા ધી આફવા વિભાગ મ.કા.સ મંડળી ના સંચાલક દ્વારા ઝાલોદ બેંકમાંથી લાખો રૂપિયા ઉપાડી લીધા હતા.

 

ચેકની ચોરી કરવામાં ભૂમિકા ભજવનાર ફતેપુરા તાલુકા પંચાયતના બે કર્મચારીઓના નામ ખુલતા કચેરીમાં ખળભળાટ.

 

તાલુકા પંચાયત કચેરીમાંથી ચેકની ચોરી કરી મહાકૌભાંડ આચરવાના કાવતરાનો પર્દાફાસ થતાં તેમાં સંડોવાયેલ અન્ય આરોપીઓના નામો ખુલવાની શક્યતા.

 

સુખસર,તા.10

 

ફતેપુરા તાલુકા પંચાયત કચેરીના એકાઉન્ટ વિભાગમાંથી ચેકની ચોરી કરી તેમાં લાખો રૂપિયા ભરી ઝાલોદ સ્ટેટ બેંક માંથી નાણા ઉપાડી રાતોરાત લાખોપતિ બનવાના સપના સેવતા મહાકૌભાંડીઓનો પર્દાફાસ થતાં ફતેપુરા તાલુકા સહિત દાહોદ જિલ્લા અને રાજ્ય તથા કેન્દ્ર સરકાર સુધી તેના પડધા પડ્યા હતા.જ્યારે આ મહા કૌભાંડમાં સંડોવાયેલા મંડળી સંચાલકની ધરપકડ થતા ફતેપુરા તાલુકા પંચાયતના કચેરીમાં ફરજ બજાવતા બે કર્મચારીઓના નામ બહાર આવવા પામેલ છે.જ્યારે આ બંનેની ધરપકડ થતા આ કૌભાંડ આચરવામાં ભાગ ભજવનાર છુપા રુસ્તમોના નામો ખુલવાની શક્યતા પણ નકારી શકાતી નથી.

      પ્રાપ્ત વિગતો મુજબ ફતેપુરા તાલુકા પંચાયત કચેરીના એકાઉન્ટ વિભાગમાંથી 1 ઓગસ્ટ-2022 પહેલા ચેકની ચોરી થઈ હોવા બાબતે તાલુકા પંચાયત કચેરીના જવાબદારો દ્વારા જણાવવામાં આવી રહ્યું છે.અને આ ચેકમાં ધી આફવા વિભાગ મ.કા.સ મંડળી લી.ના સંચાલક રાજેશભાઈ ભેમાભાઇ લબાના દ્વારા 65 લાખ 15 હજાર 547 રૂપિયા પોતાની મંડળીના બેંક ખાતા દ્વારા ઉપાડી લેવામાં આવ્યા હોવા બાબતે ફતેપુરા તાલુકા પંચાયત ટી.ડી.ઓ જે.એમ.ઠાકોર દ્વારા ફતેપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપવામાં આવી હતી. ફરજમાં બેદરકારી દાખવવા બદલ ફતેપુરા તાલુકા એકાઉન્ટ શાખામાં ફરજ બજાવતા નાયબ એકાઉન્ટનને ફરજ મોકૂફ કરવામાં આવેલ છે.

           ત્યારબાદ તપાસનો ધમધમાટ શરૂ થતાં આફવાના રાજેશ લબાનાની ફતેપુરા પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી.અને તેની પૂછપરછ દરમિયાન ફતેપુરા તાલુકા પંચાયત કચેરીમાં ફરજ બજાવતા અને આ ચેક ચોરી કરી કૌભાંડ આચરવામાં ભાગ ભજવનાર ફતેપુરા તાલુકા પંચાયત કચેરીના બાંધકામ શાખામાં કોમ્પ્યુટર ઓપરેટર તરીકે ફરજ બજાવતા પ્રતીકકુમાર પ્રવીણલાલ કલાલ રહે.ફતેપુરા તથા ફતેપુરા તાલુકા પંચાયત કચેરીમાં આસિસ્ટન્ટ ટેકનિકલ તરીકે ફરજ બજાવતા પુષ્પેન્દ્રસિંહ અરવિંદભાઈ લબાના રહે.આફવા તા.ફતેપુરાના ઓના નામો ખુલવા પામેલ છે.ફતેપુરા પોલીસે આ બંનેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હોવાનું જાણવા મળે છે.ત્યારે આ બંને આરોપીઓ પોલીસ હિરાસતમાં આવ્યા બાદ વધુ નામો ખુલવાની શક્યતા પણ નકારી શકાતી નથી.

      હાલ સુધી મળેલી માહિતી મુજબ રાજેશ લબાના અવાર-નવાર તાલુકા પંચાયત કચેરીમાં અવર-જવર કરતો હતો.અને કોઈક રીતે તાલુકા પંચાયત કચેરીના એકાઉન્ટનો ચેક સીધી રીતે નીકળતો હોય તો કાંઈક આયોજન કરવાનું વિચારતો હતો.ત્યારે તે વાત તાલુકા પંચાયત કચેરીમાં ફરજ બજાવતા પ્રતિક કલાલ તથા પુષ્પેન્દ્ર લબાનાને જણાવી ચેકની ચોરી કરવામાં આવી હતી.જેમાં પુષ્પેન્દ્ર લબાના દ્વારા સહી સિક્કા કરવાની જવાબદારી લેવાઈ હતી.અને સહી સિક્કા કર્યા બાદ આ ચેક ઝાલોદ સ્ટેટ બેંકમાં નાખી નાણા ઉપાડવામાં આવ્યા હતા.જ્યારે રાજેશ લબાનાને આ ચેકના મળેલ નાણા પૈકી 15,00000/-રૂપિયા પોલીસ દ્વારા રિકવર કરવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે.જ્યારે 50,00000/- રૂપિયા પ્રતિક કલાક તથા પુષ્પેન્દ્ર લબાના પાસે હોવાનું રાજેશ લબાના દ્વારા ફતેપુરા પોલીસને જણાવવામાં આવી રહ્યું છે.

      આમ,ફતેપુરા તાલુકા પંચાયત કચેરી માંથી થયેલ ચેકની ચોરી બાબતે ફતેપુરા પોલીસ સ્ટેપ બાય સ્ટેપ તપાસ કરી રહેલ છે.અને ચેકની ચોરી કરનાર આરોપીઓ પોપટની જેમ સત્યતા ઓંકી રહ્યા છે.ત્યારે આવનાર સમયમાં બે આરોપીઓની ધરપકડ બાદ તેમની પૂછપરછ માં વધુ વિગતો પ્રકાશમાં આવશે તેમ જણાઈ રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!