બાબુ સોલંકી, સુખસર
ફતેપુરા તાલુકાની પરણિતાનું ત્રણ વર્ષના પુત્ર સાથે બગસરા તાલુકાના હામાપુર ગામેથી ભરવાડ યુવાન દ્વારા અપહરણ.?
ફતેપુરા તાલુકાની પરણિતા પતિ તથા બાળકો સાથે બગસરા તાલુકામાં મજુરી કામે ગયા હતા.
25. મે- 22 ના રોજ પતિ રાત્રિના સમયે ખેતરમાં પાણી મુકવા ગયો જેનો ગેરલાભ ઉઠાવી ભરવાડ યુવાન દ્વારા પરિણીતા સહિત તેના ત્રણ વર્ષના પુત્રનું અપહરણ કર્યું.
બગસરા પોલીસ સ્ટેશનમાં 6. જુન-22 ના રોજ જાણ કરવા છતાં કોઇ તપાસ નહી થતાં પરિણીતાના પતિએ આખરે પોલીસ મહાનિર્દેશક ગાંધીનગર તથા અમરેલી જિલ્લા ડી.એસ.પી.ને રજૂઆત કરી.
સુખસર,તા.11
ફતેપુરા તાલુકામાં સગીર,પુખ્ત વયની તથા પરિણીત મહિલાઓના અપહરણના બનાવોના કિસ્સા દિનપ્રતિદિન વધી રહ્યા છે.જેમાં છેલ્લા એક માસમાં ફતેપુરા તાલુકાની અલગ-અલગ ગામોની બે પરિણીત મહિલાઓ પૈકી એકનું ઉત્તરપ્રદેશના ઈસમ દ્વારા સાત વર્ષના પુત્ર સાથે જ્યારે હાલ 15 દિવસ આગાઉ અમરેલી જિલ્લાના ભરવાડ યુવાન દ્વારા ત્રણ વર્ષના પુત્ર સાથે અપરણ થવા બાબતે સુખસર તથા બગસરા પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ આપી હોવાનું જાણવા મળે છે.અને આ બંને કિસ્સાઓમાં પોલીસ દ્વારા આરોપીઓની તાત્કાલિક તપાસ સાથે કાર્યવાહી થવી જોઈએ તે નહિ કરાતાં અપહરણનો ભોગ બનેલા પોતાના બાળકો સહિત પોતાની પત્નીઓનો કબજો પરત મેળવવા પરિણીતાના પતિઓ દ્વારા ઉચ્ચ સ્તરે રજૂઆતો કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.
પ્રાપ્ત વિગતો મુજબ ફતેપુરા તાલુકાના ફતેપુરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારના ગામડાનો એક પરિવાર જેમાં પતિ-પત્ની તથા ત્રણ બાળકો સાથે અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના હામાપુર ગામના ભુવા નરેશભાઈ મધુભાઇની વાડીએ મજુરી કામે ગયેલા હતા.જ્યાં થોડા દિવસ મજૂરી કામ કરતા સુરેશભાઈ ઉર્ફે ફડો ચોથાભાઈ ભરવાડ રહે.હડાળા,તાલુકો- બગસરા,જીલ્લો- અમરેલી સાથે પરિચય થયો હતો. જ્યારે પરિણીતાનો પતિ ગત 25.મે 2022 ના રોજ રાત્રિના સમયે ખેતરમાં પાણી વાળવા માટે ગયો હતો.જ્યારે ઓરડી ઉપર પરિણીતા સહિત તેના ત્રણ બાળકો હાજર હતા.જેનો ગેરલાભ ઉઠાવી સુરેશ ભરવાડ નામનો ઇસમ પરણિતાને લલચાવી,પટાવી,ફોસલાવીને ત્રણ વર્ષના બાળક સાથે પરિણીતાનુ અપહરણ કરી ગયો હોવાનું પરિણીતાના પતિ દ્વારા જાણવા મળે છે.જોકે આ બાબતે પરિણીતાના પતિ દ્વારા 6.જુન-2022 ના રોજ બગસરા પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ આપી હતી.ત્યારબાદ પોલીસ સ્ટેશનના જવાબદારો દ્વારા પરણિતાના પતિને જણાવાય છે કે, તમારી પત્નીએ લગ્ન કરાર કરી દીધો છે.અને તમો આવીને સહી કરી જાઓ તેમ જણાવી પત્ની સાથે નાના બાળકનું અપહરણ કરનાર ઇસમને પોલીસ દ્વારા છાવરવાની કોશિશ કરાતા આખરે પરિણીતાના પતિએ પોલીસ મહાનિર્દેશક ગાંધીનગર તથા અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક સમક્ષ રજૂઆત કરી હોવાનું જાણવા મળે છે.
અહીંયા ઉલ્લેખનીય બાબત છે કે,એક માસ અગાઉ ફતેપુરા તાલુકાના સુખસર પોલીસ સ્ટેશન હદ વિસ્તાર ની એક પરણિતાને તેના સાત વર્ષના પુત્ર સાથે સુખસરથી ઉત્તરપ્રદેશનો યુવાન અપહરણ કરી ગયો હતો.જેની સુખસર પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ આપવામાં આવી હતી.પરંતુ એક માસ જેટલો સમય થવા છતાં કોઈ કાર્યવાહી નહીં થતાં ઉચ્ચ સ્તરે તેની રજૂઆત કરવામાં આવી હતી. જ્યારે હાલમાં ફતેપુરા તાલુકાના ફતેપુરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવતા એક ગામડાની પરિણીતાને તેના ત્રણ વર્ષના બાળક સાથે બગસરા તાલુકાનો યુવાન અપહરણ કરી જતાં તેની બગસરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપવામાં આવી હતી.પરંતુ તે પ્રત્યે પણ કોઇ કાર્યવાહી નહીં થતાં આખરે તેની જાણ પોલીસ મહાનિર્દેશક ગાંધીનગર તથા અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક સમક્ષ રજૂઆતો કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.આ બન્ને કિસ્સાઓમાં પરણીતાઓના પતિઓ દ્વારા પોતાની પત્ની સહિત સગીર પુત્રોનો કબજો પરત મેળવવા દર દરની ઠોકરો ખાઈ રહ્યા હોવાનું જાણવા મળે છે.ત્યારે પુખ્ત વયની પત્ની કદાચ સંમતિથી ભાગી હોય પરંતુ સગીર બાળકોનો શું વાંક..?અને સંમતિથી ભાગેલા કહેવાતા પ્રેમીઓ ગુનો આચરી ભાગી જાય તો તેમની સામે ગુનો દાખલ કરવા કાયદાના હાથ ટૂંકા કેમ પડે છે?તે એક પ્રશ્ન છે.!