
બાબુ સોલંકી, સુખસર
ફતેપુરા તાલુકાના બાવાની હાથોડ ખાતે કરોડો રૂપિયાના ખર્ચે બનાવેલ પાણી પુરવઠાની ભૂગર્ભ ટાંકીની કામગીરી ત્રણ વર્ષ બાદ પણ અધુરી.!??
જવાબદાર તંત્રની નિષ્ક્રિયતા અને કોન્ટ્રાક્ટરની બેદરકારીથી દરરોજ હજારો લિટર પાણીનો થતો વેડફાટ.
બાવાની હાથોડ,બારિયાની હાથોડ તથા નાનાસરણૈયા સહિત અનેક ગામડાઓમાં માં”ઘર ઘર નલ,ઘર ઘર જલ” યોજનાની પાઇપ લાઇનમાં પણ વેઠ ઉતાર કામગીરી થતી હોવાથી પીવાના પાણીની સમસ્યા યથાવત.
સુખસર,તા.02
એક બાજુ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પીવાના પાણી માટે પ્રજા પોકારો પાડી રહી છે.જ્યારે બીજી બાજુ ફતેપુરા તાલુકાના બલૈયા પાસે આવેલ બાવાની હાથોડ ગામે ગત ત્રણ વર્ષથી આસપાસના ગામડાઓને પિવાના પાણી આપવા માટે કરોડો રૂપિયાના ખર્ચે ભૂગર્ભ ટાંકી બનાવવાની કામગીરી ચાલુ કરવામાં આવી હતી.પરંતુ તેની કામગીરી આજદિન સુધી પૂર્ણ નહી થતા આસપાસના ગામડાના સ્થાનિકો પીવાના પાણી માટે મુશ્કેલી ભોગવી રહ્યા છે.તેમજ આ ટાંકીમાંથી ઘર ઘર નલ,ધર ઘર જલ યોજનાની પાઈપ લાઈન જોડાણ કરવાની હતી.પરંતુ તે કામગીરી પણ આજ દિન સુધી પૂર્ણ થઇ શકેલ નથી.જયારે હાલ આ ભૂગર્ભ ટાંકીમાંથી લાંબા સમયથી દિવસે હજજારો લીટર પાણીનો રસ્તા ઉપર વેડફાટ થઈ રહ્યો હોવાનું જાણવા મળે છે.છતાં તે પ્રત્યે વહીવટી તંત્ર આંખ આડા કાન કરતું હોય તેમ જણાઈ રહ્યું છે.
પ્રાપ્ત વિગતો મુજબ ફતેપુરા તાલુકાના બાવાની હાથોડ ખાતે ત્રણેક વર્ષ અગાઉ કરોડો રૂપિયાના ખર્ચે ભૂગર્ભ ટાંકી બનાવવામાં આવી હતી. અને તેમાં ભાણાસીમલ યોજના પાણી દ્વારા ભરી આસપાસના બાવાની હાથોડ,બારિયાની હાથોડ તથા નાના સરણૈયા તેમજ અન્ય ગામડાઓમાં પીવાનું પાણી આપવા માટે મોટાઉપાડે કામગીરી ચાલુ કરવામાં આવી હતી. પરંતુ ત્રણ-ત્રણ વર્ષ વીતવા છતાં આ ભૂગર્ભ ટાંકી દ્વારા આસપાસના લોકોને મળવું જોઈતું પાણી આજદિન સુધી મળતું નહીં હોવાનું જાણવા મળે છે. તેમજ હાલ આ ભૂગર્ભ ટાંકી દ્વારા કેટલીક જગ્યાએ પાણી જાય છે તેમાં કોન્ટ્રાક્ટરની બેદરકારીથી હજારો લીટર પાણી નજીકથી પસાર થતા રસ્તા ઉપર રેલાતા રસ્તો પણ તુટી જવા પામ્યો છે.આ બાબતે સ્થાનિકો દ્વારા જવાબદાર તંત્રને અનેકવાર રજૂઆતો કરવા છતાં પણ તે પ્રત્યે વહીવટી તંત્ર દ્વારા પણ ધ્યાન આપવામાં નહીં આવતું હોવાની સ્થાનિકોની ફરિયાદ ઉઠવા પામેલ છે. તેમજ આ ભૂગર્ભ ટાંકીના પાણી દ્વારા ‘ઘર ઘર નલ,ઘર ઘર જલ’ યોજનાની પાઈપલાઈન જોડાણ કરવાની હતી પરંતુ તે કામગીરી પણ આજદિન સુધી કરવામાં નહીં આવી હોવાનું જાણવા મળે છે.અને જ્યાં આ કામગીરી કરવામાં આવી રહી છે ત્યાં નિયમો મુજબ પાઇપ દબાણ કરવાની હોય તે રીતે કરવામાં નહીં આવતા વેઠ ઉતાર કામગીરી કરાઈ રહી હોવાની ફરિયાદો પણ સાંભળવા મળી રહી છે. તેમજ બાવાની હાથોડ ખાતે આવેલ ભૂગર્ભ ટાંકીમાંથી હજારો લીટર પાણીનો દરરોજ વેડફાટ થાય છે.ત્યારે કહી શકાય કે જવાબદાર વહીવટીતંત્રની નિષ્ક્રિયતાથી આ કામગીરી કરનાર કોન્ટ્રાક્ટર બેદરકારી દાખવી રહેલ છે. (ભરતભાઈ ડીંડોર,સામાજિક કાર્યકર.)
અમારા બલૈયા વિસ્તારમાં બાવાની હાથોડ ગામે છેલ્લા ત્રણ વર્ષથી પાણી પુરવઠાની યોજના નો કરોડો રૂપિયા ખર્ચ કરી સંપ ની કામગીરી કરવામાં આવી હતી તેની કામગીરી હાલ સુધી પૂર્ણ થયેલ નથી. તેમજ હાલમાં આ સંપ માંથી બારિયાની હાથોડ જતા માર્ગ ઉપર એક કિલોમીટર સુધી પાણી રેલાય છે. અને દિવસે હજારો લિટર પાણી વેડફાઇ રહ્યું છે.જેના લીધે રસ્તો પણ તૂટી જાય છે.આ કોન્ટ્રાક્ટરની બેદરકારી છે.વહેલી તકે આ સંપ માંથી ‘ઘર ઘર નલ,ઘર ઘર જલ’યોજનાનું જોડાણ આપી સ્થાનિકોને પાણી આપવામાં આવે તો પીવાના પાણીની સમસ્યા આસાનીથી હલ થઇ શકે તેમ છે.