
બાબુ સોલંકી
ફતેપુરા તાલુકાના વાંકાનેરમાં બે મોટર સાયકલ વચ્ચે અકસ્માતમાં ગંભીર ઇજાગ્રસ્ત મારગાળાના યુવાનનું સારવાર દરમિયાન મોત.
અકસ્માત સર્જી નંબર વગરની હીરો મોટરસાયકલનો ચાલક સ્થળ ઉપર ગાડી છોડી ફરાર થઈ ગયો હતો.
મારગાળાના ગંભીર ઇજાગ્રસ્ત યુવાનને સુખસર સરકારી દવાખાનામાં પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે અન્ય દવાખાનામાં રીફર કરાતા સારવાર દરમિયાન મોત નીપજ્યું.
સુખસર,તા.16
ગત ગુરૂવાર બપોરના મારગાળા થી સુખસર જતા રસ્તા ઉપર બે મોટરસાયકલો વચ્ચે વાંકાનેર ગામે અકસ્માત સર્જાતા એક યુવાનને માથામાં ગંભીર ઇજાઓ પહોંચવા પામી હતી.જયારે એક યુવાનને માથામાં તથા હાથે-પગે પણ ઈજા પહોંચી હતી.આ બંને યુવાનોને તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સ દ્વારા સુખસર સરકારી દવાખાનામાં લાવી પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે અન્ય દવાખાનામાં રીફર કરવામાં આવ્યા હતા.જે પૈકી મારગાળાના ગંભીર ઇજાગ્રસ્ત યુવાનનુ બે દિવસની સારવાર દરમિયાન મોત નિપજવા પામેલ હોવાનું જાણવા મળે છે. હીરો મોટરસાયકલનો ચાલક પોતાના કબજાની નંબર વગરની ગાડીને અકસ્માત નોતરી સ્થળ ઉપર છોડી ફરાર થઇ જવા પામ્યો હતો.
જાણવા મળેલી વિગતો મુજબ ફતેપુરા તાલુકાના મારગાળા ગામના બારીયા ફળિયામાં રહેતા ટીનુભાઇ બબલાભાઈ બારીયા ઉંમર વર્ષ આશરે 22 તથા તેના સાળા ઢઢેલા ગામનો વતની રાકેશભાઈ ઉ.વ.આ20 નાઓ 14 એપ્રિલ-22 ના રોજ બપોરના અપાચી મોટરસાયકલ નંબર- જીજે.01-યુકે-8112 ઉપર બપોરના મારગાળા થી સુખસર કામ અર્થે જઈ રહ્યા હતા.તેવા સમયે વાંકાનેર ગામે રસ્તા ઉપર સામેથી એક નંબર વગરની હીરો કંપનીની મોટર સાયકલને તેના ચાલકે પૂરપાટ અને ગફલત ભરી રીતે હંકારી લાવી ટીનુભાઈ બારીયાની મોટરસાયકલ સાથે જોશભેર ટકકર મારતા ટીનુભાઈ તથા રાકેશભાઈ મોટરસાયકલ ઉપરથી ફંગોળાઈ ડામર રસ્તા ઉપર પડ્યા હતા.જેમાં ટીનુભાઈ બારીયાને માથામાં કપાળના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેમજ તેના બનેવી રાકેશભાઈને પણ ઇજાઓ પહોંચતા તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ દ્વારા સુખસર સરકારી દવાખાનામાં લાવી પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે અન્ય દવાખાનામાં રીફર કરવામાં આવ્યા હતા.અકસ્માત સર્જી હીરો ગાડીનો ચાલક તેના કબજાના વાહનને સ્થળ ઉપર છોડી ફરાર થઇ ગયો હતો.તેમજ આ મોટરસાયકલ ચાલક ખાતરપુરના મુવાડા ગામનો હોવાનું જાણવા મળે છે.અકસ્માત ગ્રસ્ત આ બંને મોટરસાયકલો સુખસર પોલીસે કબજે લીધેલ હોવાનું જાણવા મળે છે.
સુખસર પંથકમાં કેટલાક બેફામ બનેલા વાહન ચાલકો પ્રત્યે પોલીસ દ્વારા કરવામાં આવતા આંખ આડા કાનના લીધે અને વાહન ચાલકોની બેદરકારીના કારણે વાહન અકસ્માતો વધી રહ્યા છે.ત્યારે સુખસર પંથકમાં દોડતા ટુ-ફોર વ્હીલર વાહનો સહિત તેના ચાલકોની આર.ટી.ઓ દ્વારા ઘનિષ્ઠ તપાસ હાથ ધરવામાં આવે તો મોટાભાગના વાહનનો અને તેના ચાલકો ઉપર ગુન્હા નોંધાઈ શકે તેમ છે.અને પંથકમાં વધતા જતા અકસ્માતોમાં ઘટાડો થઈ શકે તેમ જણાઈ રહ્યું છે.