વેક્સીન માટે ઑનલાઈન રજિસ્ટ્રેશન પૂરતુ નથી, વૉક ઈનની પણ વ્યવસ્થા કરોઃ રાહુલ ગાંધી
(જી.એન.એસ)ન્યુ દિલ્હી,તા.૧૦
કોંગ્રેસનાં પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીએ આજે ??રસીકરણ માટે ઓનલાઇન રજીસ્ટ્રેશન ફરજિયાત બનાવવાની સિસ્ટમ પર સવાલ ઉઠાવ્યા હતા. કોંગ્રેસનાં સાંસદનું કહેવું છે કે સેન્ટરમાં જઇ રહેલા દરેક વ્યક્તિએ કોરોના રસી લેવી જાેઈએ, ઓનલાઇન રજીસ્ટ્રેશન પૂરતુ નથી. રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને લખ્યું છે કે, “વેક્સિન માટે ઓનલાઇન રજીસ્ટ્રેશન પૂરતું નથી. દરેક વ્યક્તિ જે વેક્સિન સેન્ટરમાં જાય છે તેણે વેક્સિન લેવી જાેઈએ. જીવનનો અધિકાર તે લોકોને પણ છે જેની પાસે ઇન્ટરનેટ નથી.”
આપને જણાવી દઇએ કે, તાજેતરમાં સર્વોચ્ચ અદાલતે પણ રસીકરણ પહેલાં કોવિન એપ પર ફરજિયાત રજીસ્ટ્રેશન કરવાની જરૂરિયાત પર સવાલો ઉઠાવ્યા હતા. કોર્ટે કહ્યું હતું કે, નીતિ નિર્માતાઓએ જમીનની વાસ્તવિકતાથી વાકેફ હોવું જાેઈએ અને ‘ડિજિટલ ઇન્ડિયા’ની વાસ્તવિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખવી જાેઈએ. કોર્ટે કહ્યું હતું કે ‘તમારે જાેવું જાેઈએ કે સમગ્ર દેશમાં શું ચાલી રહ્યું છે. તમારે જમીનની પરિસ્થિતિ જાણવી જાેઈએ અને તે મુજબ નીતિમાં પરિવર્તન લાવવું જાેઈએ. જાે આપણે તે કરવાનું જ હતું, તો આપણે તેને ૧૫-૨૦ દિવસ પહેલાં કરવું જાેઈએ.
રાહુલ ગાંધીએ તાજેતરમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા રાજ્યોને રસીકરણ માટે વેક્સિન મફત આપવાની ઘોષણા કર્યા પછી સવાલ કર્યો હતો કે, જાે વેક્સિન બધા માટે મફત હોય તો ખાનગી હોસ્પિટલોએ પૈસા કેમ લેવા જાેઇએ. તેમણે ટ્વીટ કરીને લખ્યું, ‘એક સરળ પ્રશ્નઃ જાે રસી બધા માટે મફત છે, તો ખાનગી હોસ્પિટલો પૈસા કેમ લેશે?’