Thursday, 25/04/2024
Dark Mode

દાહોદ જિલ્લામાં ધો.12ના 1000થી વધુ વિદ્યાર્થીઓના પરિણામ અટક્યા

June 8, 2022
        658
દાહોદ જિલ્લામાં ધો.12ના 1000થી વધુ વિદ્યાર્થીઓના પરિણામ અટક્યા

સૌરભ ગેલોત, દાહોદ

 

દાહોદ જિલ્લામાં ધો.12ના 1000થી વધુ વિદ્યાર્થીઓના પરિણામ અટક્યા

 

સીસીટીવીમાં શંકાસ્પદ હિલચાલવાળા 100થી વધુની જ સુનાવણી થઇ

 

ધાનપુર અને સિંગવડ તાલુકાના સૌથી વધુ છાત્રો : કારણ અકબંધ : છાત્રોને રાહ જોવા જણાવાયું

 

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12 સામાન્ય પ્રવાહનું 4 જુનના રોજ 87.36 ટકા ઉંચુ પરિણામ જાહેર કરાયુ હતું. દાહોદ જિલ્લામાં આ પરીક્ષામાં 10587 નોંધાયેલા વિદ્યાર્થીઓમાંથી 10430 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. પરીક્ષા પારદર્શી રીતે થાય તે માટે દરેક કેન્દ્રમાં સીસી ટીવી કેમેરાની વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. ત્યારે પરીક્ષા દરમિયાન કેટલાંક છાત્રોની શંકાસ્પદ હિલચાલ સામે આવી હતી. સીસીટીવી અને ટેબલેટના ફુટેજના આધારે 100થી વધુ વિદ્યાર્થીઓની સુનાવણી પણ હાથ ધરવામાં આવી હતી.

 

 

જોકે, ધોરણ 12નું પરિણામ જાહેર થયા બાદ જિલ્લાના 1000થી વધુ છાત્રોના પરિણામ અટકી ગયા હોવાનું જાણવા મળ્યું છે. આ વિદ્યાર્થીઓમાં ધાનપુર અને સિંગવડ તાલુકાના સૌથી વધુ વિદ્યાર્થીઓ હોવાનું ચર્ચાઇ રહ્યું છે. ઓનલાઇન આ છાત્રોનું પરિણામ જોવાતુ જ નથી. શાળા કક્ષાએ તપાસ કરતાં આ છાત્રોને આઠ તારીખ સુધી થોભી જવા જણાવવામાં આવ્યુ હોવાનું જાણવા મળ્યું છે.

 

સીસી ટીવી કે ટેબલેટની ફુટેજમાં શંકાસ્પદ જણાયેલા વિદ્યાર્થીઓને એક વખત હજી ગાંધીનગરનું તેડુ આવે તેવું લાગી રહ્યું છે. આ વિદ્યાર્થીઓને સબંધિત વિષયની પરિક્ષા ફરીથી આપવી પડશે તેવું વર્તુળો જણાવી રહ્યા છે. જોકે, સુનાવણી થઇ છે તેમની સાથે પરિણામ રોકાયેલા અન્ય વિદ્યાર્થીઓનું શું થશે તે પાછળ હાલ પુરતું રહસ્ય સર્જાઇ રહ્યું છે.

 

અમારા પરિવારના 5 બાળકોના પરિણામ રોકાયેલા છે

 

મારો પુત્ર આયુષ ધો.12માં જવાહર મા. શાળા ચૂંદડી ખાતે અભ્યાસ કરતો હતો. તેનું પરિણામ આવ્યું નથી. અમારા પરિવારના પાંચ બાળકોના પરિણામ અટકી ગયા છે. તે પાછળનું કારણ ખબર નથી પડતી. આ શાળાના 53 વિદ્યાર્થીઓના પરિણામ રોકાયેલા હોવાનું જાણવા મળ્યું છે.> હિંમતસિંહ ભગોરા, વાલી, વંદેલી

 

રિઝલ્ટ કેમ રોક્યું એની અમને પણ ખબર નથી

 

નિશાળમાં બધાનું રિઝલ્ટ આવી ગયું છે અમે પાંચ છ જણાનું જ આવ્યુ નથી. સાહેબે આઠ તારીખ સુધી થોભવા માટે કહ્યું છે.રિઝલ્ટ કેમ રોક્યું અમને પણ ખબર નથી. – કૌશિક બારિયા, વિદ્યાર્થી, મંડેર

 

4-5 દિવસ રોકવા કહ્યું છે

 

અમને કોઇ સુનાવણીમાં બોલાવાય નથી કે કોઇ કાગળ પણ આવ્યુ નથી. અમારૂ રિઝલ્ટ કેમ રોક્યુ તે ખબર જ નથી.સાહેબે ચાર પાંચ દિવસ રોકાઇ જવા જણાવ્યુ છે. અમારી શાળામાં છ જેટલાં લોકોનું રિઝલ્ટ પણ નથી આવ્યુ. – મનોજભાઇ બારિયા, વિદ્યાર્થી,સુરપુર

 

ઉચ્ચ કક્ષાએથી કોઇ જાણ કરવામાં આવી નથી

 

જિલ્લાના કોઇ વિદ્યાર્થીના પરિણામ અટકાવ્યા હોવાની ઉચ્ચ કક્ષાએથી કોઇ જાણ કરવામાં આવી નથી. જેથી આ વીશે અત્યારે મને કંઇ જ ખબર નથી. – કાજલબેન દવે, શિક્ષણાધિકારી,દાહોદ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!