Tuesday, 31/01/2023
Dark Mode

મહેસૂલ વિભાગને લગતી કોઇ પણ બાબત પડતર રહેશે નહીં:- મહેસૂલ મંત્રી શ્રી રાજેન્દ્ર ત્રિવેદી

April 14, 2022
        254
મહેસૂલ વિભાગને લગતી કોઇ પણ બાબત પડતર રહેશે નહીં:- મહેસૂલ મંત્રી શ્રી રાજેન્દ્ર ત્રિવેદી

મહેસૂલ વિભાગને લગતી કોઇ પણ બાબત પડતર રહેશે નહીં:- મહેસૂલ મંત્રી શ્રી રાજેન્દ્ર ત્રિવેદી

 

દાહોદ ખાતે મહેસૂલ મંત્રીશ્રીની અધ્યક્ષતામાં મહેસૂલ મેળો યોજાયો

 

દાહોદ, તા. ૧૪ :

ગુજરાત રાજયમાં મહેસૂલ વિભાગ દ્વારા કરવામાં આવેલી મહેસૂલી મેળાની નવતર પહેલને કારણે રાજયમાં મહેસૂલ વિભાગને લગતી કોઇ પણ બાબત પડતર રહેશે નહીં એમ રાજયના મહેસૂલ અને કાયદા મંત્રી રાજેન્દ્રભાઇ ત્રિવેદીએ જણાવ્યું હતું. 

 દાહોદ જિલ્લાના વડામથક દાહોદ ખાતે આવેલા પંડિત દિનદયાળ સભાગૃહમાં આયોજીત મહેસૂલ મેળામાં ઉપસ્થિત જનમેદનીને સંબોધતા મંત્રી શ્રી ત્રિવેદીએ કેન્દ્ર અને રાજય સરકાર દ્વારા અમલી અનેકવિધ કલ્યાણલક્ષી યોજનાઓ અંગે વિગતે જાણકારી આપી દાહોદમાં જિલ્લામાં વિવિધ કલ્યાણલક્ષીઓ યોજનાઓ અંતર્ગત કરવામાં આવેલી કામગીરી વિગતે છણાવટ કરી હતી. મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, મહેસુલ વિભાગ રાજયની પ્રજાને પોતીકી માની પ્રજાકલ્યાણના કામોને અગ્રતા આપીને કામગીરી કરે છે. 

 ૧૪મી, એપ્રિલે ડૉ. બાબાસાહેબ આંબેડકરની જયંતિ નિમિત્તે મંત્રીએ બાબસાહેબની તસ્વીર સમક્ષ પુષ્પાંજલી અર્પણ કરી તેમને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલી આપી જણાવ્યું હતું કે, ડૉ.બાબાસાહેબ આંબેડકર જીવનભર સામાજીક ન્યાય માટે ઝઝૂમતા રહ્યા હતા એમ વધુમાં કહ્યું હતું. 

 તેમણે આગામી તા. ૨૦મી, રોજ દાહોદ ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીની ઉપસ્થિતિમાં યોજાનારા કાર્યક્રમ અંગે જાણકારી આપી દાહોદ જિલ્લાના તમામ નાગરિકો આ વિકાસોત્સવમાં સહભાગી બને એવી અપેક્ષા વ્યક્ત કરી હતી. વધુમાં તેમણે મહેસૂલ વિભાગ દ્વારા રાજયમાં કરવામાં આવી રહેલી કામગીરી અંગે વિગતવાર જાણકારી આપી મહેસૂલ વિભાગના અધિકારીઓ વિરૂદ્ધ આમજનતા ફરિયાદ કરી શકે એ માટે ત્રણ વ્યક્તિની સમિતિવાળી શીટ-એમની રચના કરવામાં આવી છે એમ જણાવી આ સમિતિ તપાસની કામગીરી કરશે એમ જણાવ્યું હતું. ઉપરાંત તેમણે ૭/૧૨, ૮-અ સહિતની જમીનને લગતા મહત્વના દસ્તાવેજો હવે ઓનલાઇન ઉપલબ્ધ હોવાથી આ દસ્તાવેજો સરળતાથી ઉપલબ્ધ બનતા રાજયના ૧૨.૭૭ લાખ લાભાર્થીઓએ આ દસ્તાવેજો ઓનલાઇન મેળવ્યા હોવાનું જણાવ્યું હતું.

 વધુમાં મંત્રીશ્રીએ રેડક્રોસ સોસાયટી દ્વારા દાહોદના છ તાલુકાઓમાં છ બ્લડ બેંકો શરૂ કરવામાં આવી હોવાનું જણાવી વડોદરા ખાતે પ્રાદેશિક સાયન્સ સેન્ટર શરૂ કરવા માટે જમીનની ફાળવણી કરી દેવામાં આવી છે એમ ઉમેરી તેમણે પ્રધાનમંત્રી ઉજજવલા યોજના અંતર્ગત દાહોદ જિલ્લામાં ૧,૮૩,૩૦૧ વિનામૂલ્યે ગેસ કનેકશન આપવામાં આવ્યા હોવાનું જણાવ્યું હતું. મંત્રી શ્રી ત્રિવેદીએ રાજય સરકાર દ્વારા પ્રાકૃતિક ખેતીને આાવામાં આવી રહેલા ઉત્તેજન અંગે વિગતે છણાવટ કરી પ્રાકૃતિક ખેતી તરફ વળવું સમયની માંગ છે એમ ઉમેર્યું હતું. 

 ગુજરાત વિધાનસભાના દંડક અને ધારાસભ્ય શ્રી રમેશભાઇ કટારાએ પણ મહેસૂલી મેળાના આયોજનનો આશય સ્પષ્ટ કરી વધુમાં વધુ લોકો મહેસૂલી મેળાનો લાભ લે એવી અપેક્ષા તેમણે વ્યકત કરી હતી. 

જિલ્લા પંચાયત પ્રમુખ સુશ્રી શીતલબેન વાઘેલાએ પણ પ્રાસંગિક ઉદ્દબોધન કરતા રાજય સરકાર દ્વારા ખેડૂતોના પ્રશ્નોનો સ્થળ પર નિકાલ માટે યોજવામાં આવતા મહેસૂલી મેળાઓની સરાહના કરી હતી. 

 સેટલમેન્ટ કમિશ્નર શ્રી કે.એમ.ભિમજીયાણીએ જણાવ્યું હતું કે, ડૉ. બાબાસાહેબ આંબેડકરનું જીવન સામાજીક ન્યાય માટે સમર્પિત રહ્યું એજ રીતે રાજયના મહેસૂલ મંત્રી શ્રી રાજેન્દ્રભાઇ ત્રિવેદી પણ મહેસૂલ મેળા જેવા નવતર અભિગમ થકી સામાજીક ન્યાયની કામગીરી કરી રહ્યા હોવાનું જણાવી તેમણે મહેસૂલ વિભાગ દ્વારા યોજવામાં આવતા મહેસૂલ મેળાઓ થકી પ્રજાના પ્રશ્નોનું સ્થળ પર જ સરળ સમાધાન થાય છે એમ જણાવ્યું હતું. અગ્રણી શ્રી કનૈયાલાલ કિશોરીએ પણ પ્રસંગોચિત ઉદ્દબોધન કર્યું હતું. 

 મેળા દરમિયાન મહેસૂલ વિભાગ દ્વારા જમીનને લગતા ઉતારાઓ, જાતિના દાખલાઓ, અધિવાસ સર્ટિફિકેટ, સંકટમોચન યોજના, ગંગાસ્વરૂપ આર્થિક સહાય યોજના, નિરાધાર વૃદ્ધ સહાય યોજના સહિતની યોજના લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું. મંત્રીએ સ્થળ પર જ ખેડૂતો તરફથી રજૂ કરવામાં આવેલા પ્રશ્નો સાંભળી તેમના પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવશે એમ જણાવ્યું હતું. 

 સ્વાગત પ્રવચન કરતા જીલ્લા કલેકટર ડો. હર્ષિત ગોસાવીએ મહેસૂલ મેળાના આયોજનનો આશય સ્પષ્ટ કરી કાર્યક્રમની રૂપરેખા આપી હતી. 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!