
યુક્રેનમાં ફસાયેલા દાહોદના વધુ બે વિદ્યાર્થીઓ હેમખેમ પરત ફર્યા:હવે માત્ર બે વિધાર્થીઓ પરત આવવાના બાકી.
દાહોદ તા.૦૭
દાહોદ જિલ્લાના બે વિદ્યાર્થીઓ યુક્રેનમાં હજી પણ ફસાયાં હોવાના પગલે પરિવારજનોમાં ચિંતાનો માહોલ જાેવા મળી રહ્યો છે ત્યારે બીજી તરફ રાહતના સમાચાર એ છે કે, દાહોદ શહેરમાં રહેતાં બે વિદ્યાર્થીઓ આજરોજ હેમખેમ પરત વતન ફરતાં પરિવાજનોએ હાશકારો અનુભવ્યો હતો.
યુક્રેન અને રશીયા વચ્ચેના યુધ્ધને પગલે ખાસ કરીને ભારતીય વિદ્યાર્થીઓ હેરાન પરેશાન થઈ રહ્યાં છે અને યુધ્ધની સ્થિતી વચ્ચે વિદ્યાર્થીઓ જ્યાં ત્યાં સરહદી વિસ્તારમાં તેમજ યુક્રેનમાં પણ ફસાયાં છે ત્યારે દાહોદ જિલ્લાના વિદ્યાર્થીઓનો પણ સમાવેશ થાય છે જેમાંથી કેટલાંક વિદ્યાર્થીઓ પરત વતન આવી પહોંચ્યાં છે અને કેટલાંક હાલ પણ યુક્રેનમાં ફસાયેલા છે. આજરોજ યુક્રેનથી દાહોદ શહેરમાં રહેતાં બે વિદ્યાર્થીઓ પરત વતન આવ્યાં છે જેમાં કુમેલ ઝાલોદવાલા જે અને અન્ય એક યુવક મળી બે યુવકો દાહોદ શહેરમાં આવતાં પરિવારજનોમાં આનંદની લાગણી છવાઈ ગઈ હતી બીજી તરફ મળતી માહિતી પ્રમાણે હજુ પણ બે વિદ્યાર્થીઓ યુક્રેનમાં ફસાયેલા છે જેમાં દેવગઢ બારીઆનો લાકેશ પાટી અને ઝાલોદ તાલુકાના લીમડી નગરમાં રહેતો સહર્ષ પટેલ આ બંન્ને વિદ્યાર્થીઓ યુક્રેનની સુમી સીટીમાં ફસાયેલા છે. મળતી માહિતી પ્રમાણે આ બંન્ને યુવકો બંકરમાં છેલ્લા ૦૭ દિવસથી આશરો લઈ રહ્યાં છે તેમના પરિવારજનોમાં પણ ચિંતાના વાદળો છવાયા છે અને સરકાર દ્વારા પોતાના બાળકોની મદદ કરી વતન લાવવામાં આવે તેવી રજુઆતો પણ કરી રહ્યાં છે.
——————————-