
ઝાલોદ તાલુકાના ગરાડુમાં બસમાં આગ લાગવાના ડેપો મેનેજર સહિત ત્રણ કર્મચારીઓ સસ્પેન્ડ કરાતા ચકચાર..
ઝાલોદના ડેપો મેનેજર,હેડ મિકેનિક સામે શિક્ષાત્મક પગલાં લેવાયાં
એસટી વિભાગ દ્વારા તકેદારી રાખી હોત તો દુર્ઘટના ટાળી શકાઈ હોવાનો મત
દાહોદ તા.03
દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના ગરાડું ગામ ખાતે ફતેપુરાથી વડોદરા જતી એક એસ.ટી. બસમાં ગતરોજ એકાએક જ આગ ફાટી નીકળી હતી . જો કે સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી . તેમ છતાં આગ પ્રકરણમાં પોતાની ફરજમાં ઉણા ઉતરેલા અને ફરજ દરમિયાન ગંભીર બેદરકારી દાખવનારા ઝાલોદ એસ.ટી. ડેપોના મેનેજર સહિત ત્રણ કર્મચારીઓને સસ્પેન્ડ કરતો હુકમ વિભાગીય નિયામક એસ.ટી. વિભાગ ગોધરા દ્વારા કરવામાં આવતાં દાહોદ જિલ્લા એસ.ટી. વિભાગમાં ખળભળાટ મચી જવા પામ્યો છે . ગઈકાલે બુધવારે ઝાલોદ તાલુકાના ગરાડું ગામ ખાતેથી ફતેપુરાથી વડોદરા જતી એક એસટી બસ જીજે 8 ઝેડ 4126 ગરાડું ગામે એકાએક બસમાં આગ ભભુકી ઉઠી હતી . ઘટનાને પગલે ડ્રાઈવર અને કંડક્ટરની સમય સુચકતાના કારણે બસમાં સવાર મુસાફરોને હેમખેમ બહાર કાઢી લેવાતાં કોઈ મોટી જાનહાની થઈ ન હતી.તેમ છતાંય જો તકેદારી રાખવામાં આવી ન હોત તો આ દુર્ઘટના ટાળી શકાઈ હોત તેમ હતું . જેથી આ ઘટનાની ગંભીરતા સમજીને તાત્કાલિક તપાસ કરવામા આવી હતી .
પ્રાથમિક તપાસના અંતે એક્શનમાં આવેલા ગોધરા વિભાગના વિભાગીય નિયામક દ્વારા શિક્ષાત્મક પગલાં લેવામા આવ્યા છે.આ મામલે ઝાલોદ ડેપોમાં મેનેજર તરીકે ફરજ બજાવતાં આર.એચ. વસૈયા , ઝાલોદ ડેપોના આર્ટ એ . ઈલે . તરીકે ફરજ બજાવતાં આર.વી. કિશોરી અને ઝાલોદ ડેપોમાં મેકેનીક તરીકે ફરજ બજાવતાં આર.કે. પવારને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવાનો હુકમ કરવામાં આવ્યો છે.આમ ગણતરીના કલાકોમાં જ આકરા પગલા લેવાતાં એસ.ટી કર્મચારી આલમમાં ખળભળાટ મચી ગયો છે .