રાજેશ વસાવે :- દાહોદ
દાહોદમાં વાતાવરણમાં અચાનક પલટો:તોફાની પવન. વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ,સુખસરના કાર્યક્રમમાં વિઘ્ન
વહેલી સવારે 30 મિનિટના વરસાદથી ઠંડક, ઝાલોદમાં વીજ પુરવઠો ખોરવાયો; વાવાઝોડાથી ટેન્ટ ધરાશાયી થતા કાર્યક્રમ સ્થગિત
દાહોદ તા.૦૫

દાહોદ શહેર સહિત જિલ્લામાં વહેલી સવારે અચાનક વાતાવરણમાં ભારે પલટો આવ્યો હતો.મંગળવારની સવારે ઓચિંતું ભારે ગાજવીજ અને તોફાની પવન સાથે ધોધમાર વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.ખાસ કરીને ઠંડા પવન ફૂંકાતા ભરઉનાળે ચોમાસા જેવો માહોલ જોવા મળતા લોકો આશ્ચર્યમાં મુકાયા હતા. સાથે ખેડૂતોમાં નુકસાનની ચિંતા જોવા મળી રહી છે.
દાહોદમાં આજે વહેલી સવારે આશરે 7 વાગ્યાના સમયે પ્રકૃતિએ અચાનક જ અલગ રૂપ સ્વરૂપ ધારણ કર્યું હતું. આકાશમાં કાળા ડીબાંગ વાદળો છવાઈ જતા નગરમાં એકાએક અંધકારમય પરિસ્થિતિ સર્જાઈ હતી.થોડા જ સમયમાં વીજ કડાકા-ભડાકા અને ગાજવીજ સાથે તીવ્ર પવન ફૂંકાતા ધોધમાર વરસાદ વરસવા લાગ્યો હતો.વીજળીના ભારે કડાકા એટલા જોરદાર હતા કે લોકો ઊંઘમાંથી જાગી ગયા હતા.અચાનક વરસેલા વરસાદને કારણે લોકો પોતાના ઘરોના ધાબા પર રાખેલા સામાનને બચાવવા માટે દોડાદોડી કરતા નજરે પડ્યા હતા,માત્ર અંદાજિત 30 મિનિટના વરસાદથી ઠંડકનો માહોલ જોવા મળ્યો હતો, સાથે તીવ્ર પવન અને વાવાઝોડાની અસરને કારણે અમુક વિસ્તારોમાં ઝાડો ધરાશાયી થયા હોવાની શક્યતાઓ વ્યક્ત થઈ રહી છે.

દાહોદ શહેર ઉપરાંત તમામ તાલુકા મથક પર જોરદાર પવન અને વરસાદ પડ્યો હતો. ભારે પવન વચ્ચે ઝાલોદના અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો, જેના કારણે નગરનો મોટો ભાગ અંધકારમાં ગરકાવ થઈ ગયો હતો. છેલ્લા ઘણા દિવસોથી ગરમીથી પરેશાન શહેરવાસીઓને આ વરસાદે થોડી રાહત આપી છે,
*વાવાઝોડાથી સામાજીક કાર્યક્રમમાં વિક્ષેપ, ટેન્ટ ઉડી જતાં કાર્યક્રમ રદ્દ*
સુખસર વિસ્તારમાં યોજાયેલા મુસ્લિમ સમાજના એક સામાજિક કાર્યક્રમ દરમિયાન વાવાઝોડા અને વરસાદે ભારે વિઘ્ન ઊભું કર્યું હતું.
મળતી માહિતી મુજબ, સુખસર ખાતે મુસ્લિમ સમાજ ઘાંચીપંચ દ્વારા એક સામાજિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ ચાલી રહ્યો હતો ત્યારે અચાનક જોરદાર પવન સાથે વાવાઝોડું અને વરસાદ શરૂ થયો હતો. જોકે અચાનક આવેલા વાવાઝોડાના કારણે સ્થળ પર લગાવવામાં આવેલા ટેન્ટ ઉડી જતાં લોકોમાં અફરાતફરી મચી ગઈ હતી. હાજર લોકો ટેન્ટને પકડવા માટે દોડતા જોવા મળ્યા હતા. જોકે જોરદાર પવનના કારણે અનેક ટેન્ટ ધરાશાયી થઈ ગયા હતા, જેના કારણે કાર્યક્રમ સ્થળ પર અસ્તવ્યસ્ત સ્થિતિ સર્જાઈ હતી: ત્યારે પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આયોજકો દ્વારા કાર્યક્રમને ટૂંકાવીને આખરે કેન્સલ કરવાનો નિર્ણય લેવાયો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ હોવાની માહિતી સામે આવી નથી.
