
દાહોદ તાલુકાના રામપુરા નજીક ઇન્દોર અમદાવાદ નેશનલ હાઇવે પર દોડતી રૂ ની ગાંસડીઓ ભરેલી ટ્રક ભડ ભડ સળગી ઉઠી:અંદાજે 15 લાખનું નુકશાન
ગુજરાતના કંડલાથી ટ્રકમાં રૂની ગાંસડી ભરેલી મધ્યપ્રદેશ તરફ જઈ રહેલા ટ્રકમાં ઓચિંતી આગ લાગતા આગની લપટોમાં ટ્રક ભસ્મીભૂત..
હાઈવે પર દોડતી રૂની ગાંસડી ભરેલી ટ્રકના એન્જિનમાં આગ લાગવાથી બનાવ બન્યો હોવાનું પ્રાથમિક તારણ: અગ્નિશામક દળ દ્વારા આગ પર પાણીનો મારો ચલાવી કાબુ મેળવ્યો
દાહોદ તા.02
દાહોદ તાલુકાના રામપુરા ગામે હાઈવે પર વહેલી સવારે એન્જિનમાં લાગેલી આગના કારણે કંડલાથી રૂની ગાંસડીઓ ભરીને આવી રહેલી ટ્રક રૂની ગાંસડીઓ સાથે આખેઆખી બળી જતા અંદાજે રૂપિયા ૧૨ થી ૧૫ લાખનું નુકસાન થયાનું જાણવા મળ્યું છે.
જાણવા મળ્યા મુજબ મધ્યપ્રદેશ ના ટ્રક ડ્રાઇવર નાસીર હુસેન રુસ્તમ ખાન પઠાણ તેના કબજાની એમ. પી 10એચ-0706 નંબરની મધ્યપ્રદેશ પાર્સિંગ ની ટ્રકમાં કંડલા થી રૂની ગાંસડીઓ ભરી મધ્ય પ્રદેશના મંડી દીપ ગામે લઈ જઈ રહ્યો હતો તે દરમિયાન રસ્તામાં આજે વહેલી સવારે સાડા પાંચ વાગ્યાના સુમારે રૂની ગાંસડીઓ ભરેલી ટ્રક
અમદાવાદ હાઈવે પર દાહોદ તાલુકાના રામપુરા નજીક હાઈવે પર હતી તે વખતે ટ્રકના એન્જિનમાં અકસ્માતે આગ લાગતા જોતજોતામાં એન્જિન મા લાગેલ આગ વધુ પ્રસરી ટ્રકના કેબીનમાં ફેલાઈ હતી તે દરમિયાન ટ્રક ડ્રાઇવરે સમયસૂચકતા વાપરી ટ્રક રોડની સાઈડમાં લઈ ગઈ ઉભી કરી દીધી હતી અને પોતે ટ્રકમાંથી ઉતરી ગયો હતો અને આગ અંગેની જાણ દાહોદ ફાયર સ્ટેશને કરતા દાહોદ ફાયર બ્રિગેડના લાશ્કરો ફાયર ફાઈટર સાથે ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને તાબડતોબ પાણીનો મારો ચલાવી આગ ઓલવવાની કામગીરી ચાલુ કરી દીધી હતી અને ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવી આગ ઓલવી નાખી હતી પરંતુ આગમાં રૂની ગાંસડીઓ સાથે આખે આખી ટ્રક સંપૂર્ણ બળી જતા આગમાં અંદાજે રૂપિયા 12 થી 15 લાખ નુકસાન થવા પામ્યું હતું.