સુખસર તાલુકાના હિંગલા પ્રાથમિક શાળામાં વિજ્ઞાનના પ્રયોગો અને સંગીતના તાલે હોળીના પાવન પર્વ પર “રંગોત્સવ”ની ઉજવણી કરવામાં આવી*

Editor Dahod Live
2 Min Read

બાબુ સોલંકી:- સુખસર

*સુખસર તાલુકાના હિંગલા પ્રાથમિક શાળામાં વિજ્ઞાનના પ્રયોગો અને સંગીતના તાલે હોળીના પાવન પર્વ પર “રંગોત્સવ”ની ઉજવણી કરવામાં આવી*

સુખસર,તા.2

સુખસર તાલુકાના હિંગલા પ્રાથમિક શાળા ખાતે 28 ફેબ્રુઆરી શનિવારના રોજ ‘રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ’ અને ‘હોળી-ધૂળેટી’ના પર્વની અભૂતપૂર્વ અને ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી.શાળાના પ્રાંગણમાં જ્ઞાનના પ્રકાશ અને ઉત્સવના ઉમંગનો અનોખો સમન્વય જોવા મળ્યો હતો. જેમાં ગુરુ-શિષ્યના સંબંધોમાં લાગણીના રંગો પુરાયા હતા.

ભારતીય વૈજ્ઞાનિક સર સી.વી. રામનની સ્મૃતિમાં આયોજિત આ કાર્યક્રમમાં વિજ્ઞાન શિક્ષક મેહુલકુમાર આર. પંચાલ ના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓએ વિવિધ વૈજ્ઞાનિક પ્રયોગો અને ચાર્ટ્સનું પ્રદર્શન કર્યું હતું. બાળકોમાં રહેલી જિજ્ઞાસા અને વૈજ્ઞાનિક અભિગમને આ તકે પ્રોત્સાહન આપવામાં આવ્યું હતુ.

            કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ હોળી-ધૂળેટીની ઉજવણી રહી હતી. સંગીતના કર્ણપ્રિય અવાજ અને ઢોલના તાલે સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. સંગીતની ધૂન સાંભળીને આચાર્ય,તમામ શિક્ષકો અને વિદ્યાર્થીઓ સ્વયંભૂ ઝુમી ઉઠ્યા હતા. હરખઘેલા થઈને સૌએ નૃત્યનો આનંદ માણ્યો હતો.અને શાળાનું પ્રાંગણ આનંદના મહાસાગરમાં ફેરવાઈ ગયું હતું.

           ઉત્સવ દરમિયાન શિક્ષકોએ એકબીજાને પરસ્પર રંગો કરી સ્નેહ વ્યક્ત કર્યો હતો.તેમજ શિક્ષકો અને વિદ્યાર્થીઓએ પરસ્પર રંગોના છાંટણા કરી લાગણીની અતૂટ ભાવના વ્યક્ત કરી હતી.આ ઉજવણીએ સાબિત કર્યું કે,હિંગલા પ્રાથમિક શાળા એ માત્ર શિક્ષણનું કેન્દ્ર નથી,પણ એક અતૂટ પરિવાર છે.

        આચાર્ય સરદારભાઈ ચીમનભાઈ કટારાએ આ પ્રસંગે જણાવ્યું હતું કે,આજની આ ઉજવણી વિદ્યાર્થીઓના માનસપટ પર કાયમ અંકિત રહેશે.વિજ્ઞાન અને સંસ્કારનો આ સુમેળ જ સાચું શિક્ષણ છે.શાળાના વડીલ શિક્ષક કાંતિલાલ એન.ડામોર ના ઓએ પણ બાળકોને આશીર્વાદ પાઠવી પર્વની શુભેચ્છાઓ આપી હતી.સમગ્ર કાર્યક્રમનું સુંદર અને પ્રભાવશાળી સંચાલન ચાવડા રાજેશકુમાર આર. ચાવડા તથા રણજીતસિંહ પી. ચૌહાણ દ્વારા કરવામાં આવ્યું હતું.

Share This Article