
રાહુલ ગારી :- ગરબાડા
ગરબાડામાં રોયલ્ટી વિના ચાલતા ટ્રેકટરને જપ્ત કરી ચાલક વિરુદ્ધ કાર્યવાહી કરતા મામલતદાર
ગરબાડાના આસપાસના વિસ્તારમાં આવા અનેક ટ્રેક્ટર અને મોટા ડમ્પર વાળાઓ ઓવરલોડિંગ અને રોયલ્ટી ચોરી કરતા હોવાની બૂમો વધવા પામી
ગરબાડા પંથકમાં કેટલાક તત્વો ગેરકાયદેસર રેત ખનન કરી રેતીના જથ્થાનો સ્ટોક કરીને વેચાણ કરતા હોવાની ચર્ચાઓ
ગરબાડા તા.22
ગરબાડા તાલુકામાં છેલ્લા કેટલાય સમયથી ખનીજ માફિયાઓ બેફામ બન્યા છે.પંથકના આસપાસના વિસ્તારમાં રેત માફિયાઓ બેરોકટોક રોયલ્ટી પાસ વિના રેતીનો વ્યવસાય કરી રહ્યા હોવાની બૂમો ઉઠવા પામી છે.જેમાં મધ્યપ્રદેશના પણ અનેક વાહનો અહીંયાથી રેતી લઈ જાય છે.ત્યારે તારીખ 22 ના વહેલી સવારે ગરબાડા મામલતદારની ટીમ દ્વારા રેતીની હેરાફેરી થતા વિસ્તારોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.જેમાં ગાંગરડીના શરાબલી ફળિયા ખાતે એક ટ્રેક્ટર ચાલક રેતી લઇ જતા ઝડપાયો હતો મામલતદાર દ્વારા રોયલ્ટી માંગતા ટ્રેક્ટર ચાલક પાસે રોયલ્ટી ન મળતા મામલતદાર ગરબાડા દ્વારા આ ટ્રેક્ટર ને જપ્ત કરી ચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે.કે ગરબાડા વિસ્તારમાં આવા અનેક ટ્રેક્ટર અને મોટા ડમ્પરવાળાઓ ઓવરલોડિંગ ની સાથે સાથે રોયલ્ટીની મોટા પાયે ચોરી કરતા હોવાની ચર્ચાઓ ઉઠવા પામી છે.તેમજ પંથકમાં કેટલાક તત્વો રેતી ના જથ્થાનો સ્ટોક કરીને પરવાનગી વિના મોટાપાયે રેતીનો વેપલો કરી રહ્યા હોવાની બૂમ ઉઠવા પામી છે ત્યારે સરકારની તિજોરીને ચૂનો ચોપડતા આવા તત્વોને સલગ્ન વિભાગ દ્વારા પંથકમાં ગેરકાયદેસર રેતી ખનન કરતા રેત માફિયા વિરુદ્ધ કડક રીતે કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી લાગણી તેમજ માગણી પ્રવર્તમાન સંજોગોમાં પંથકમાંથી ઉઠવા પામી છે.