રાહુલ ગારી :- ગરબાડા
ગરબાડામાં 120 દિવસની યોગનિદ્રા બાદ જાગેલા દેવોને સર્વપ્રથમ ધાન્ય અર્પણ કરવાની અનોખી પરંપરા
દાહોદ તા. ૪
ગરબાડા.કારતક સુદ એકાદશી એટલે કે દેવઉઠી અગિયારસના પવિત્ર પર્વની ઉજવણી દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકામાં અનોખી પરંપરા સાથે કરવામાં આવી હતી. ધાર્મિક માન્યતા મુજબ, દેવશયની એકાદશીએ પોઢેલા ભગવાન વિષ્ણુ ચાર માસ (આશરે ૧૨૦ દિવસ) બાદ આ દિવસે જાગૃત થાય છે, અને ત્યારથી શુભ કાર્યોનો પ્રારંભ થાય છે. ગરબાડામાં આ દિવસે ગ્રામ્ય વિસ્તારોની મહિલાઓ વહેલી સવારે ઉઠીને આંગણામાં માટીથી નવું લિપણ કરી ચોક પૂરે છે.

આ વિધિમાં દેવોને જગાડતી વખતે બોર, આમળા અને ચણાની ભાજીનો ચઢાવો કરવામાં આવે છે. આસ્થા મુજબ, દેવો જાગૃત થાય ત્યારે તેમને સૌ પ્રથમ તમામ પ્રકારનું ધાન્ય અર્પણ કરવામાં આવે છે, જેથી આખું વર્ષ ઘરમાં અનાજની ખોટ ન પડે.વળી, ફળિયાની મહિલાઓ ભેગી મળીને દાળ-ભાત બનાવી, તેને ખાખરાના પાનમાં નૈવેદ્ય સ્વરૂપે અર્પણ કરે છે. આ પ્રસંગે સહપરિવાર મળીને ભાવપૂર્વક પ્રાર્થના કરવામાં આવે છે કે નવા વર્ષમાં ગામ કે ફળિયામાં કોઈ રોગચાળો કે દુષ્કાળ ન આવે અને સૌને સુખ-શાંતિ પ્રાપ્ત થાય. ગરબાડાની આ પરંપરા કૃષિ સંસ્કૃતિ સાથેની ઊંડી આસ્થા દર્શાવે છે.