
રાજેશ વસાવે :- દાહોદ
*જિલ્લા શિક્ષણાધિકારીશ્રી ભોંકણના અધ્યક્ષ સ્થાને જિલ્લા કક્ષા કલા મહાકુંભ – ૨૦૨૫-૨૬ સ્પર્ધાની કરાઈ શરૂઆત*
*દાહોદ જિલ્લાના વિવિધ તાલુકાઓમાંથી શાળાઓનાં બાળકોએ ભાગીદારી નોંધાવી*
*પોતાના તરફથી બેસ્ટ પર્ફોર્મ અપાય એવો પૂરો પ્રયાસ કરવો જોઈએ-જિલ્લા શિક્ષણાધિકારીશ્રી ભોંકણ*
દાહોદ તા. ૧૧
રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગાંધીનગર અને કમિશ્નરશ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ ગાંધીનગરના ઉપક્રમે જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી દાહોદ સંચાલિત તેમજ નગરાળા આશ્રમ શાળા, દાહોદના સહયોગથી દાહોદ જિલ્લા કક્ષા કલા મહાકુંભ – ૨૦૨૫-૨૬ સ્પર્ધાનું આયોજન શ્રીઉત્તર બુનિયાદી આશ્રમ શાળા નગરાળા ખાતે જિલ્લા શિક્ષણાધિકારીશ્રી ભોંકણના અધ્યક્ષ સ્થાને કરવામાં આવ્યું હતું.
આ કલા સ્પર્ધાના શુભારંભ કાર્યક્રમ દરમ્યાન કાર્યક્રમના અધ્યક્ષશ્રી જિલ્લા શિક્ષણાધિકારીશ્રી સહીત ઉપસ્થિત અન્ય મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી જીગ્નેશ ડાભીએ સૌનું શાબ્દિક સ્વાગત કર્યું હતું.
જિલ્લા શિક્ષણાધિકારીશ્રીએ પ્રાસંગોચિત ઉદબોધન આપતા કહ્યું હતું કે, તમામ સ્પર્ધક મન મુકીને સ્પર્ધામાં ભાગ લે તે જરૂરી છે. નંબર આવવો એ પછીની વાત છે. પરંતુ પોતાના તરફથી બેસ્ટ પર્ફોર્મ અપાય એવો પૂરો પ્રયાસ કરવો જોઈએ. જેથી જ્યારે પર્ફોર્મ કરો ત્યારે એમાં પોતાનું મન રેડી દો.
આ કલા સ્પર્ધામાં જુદા-જુદા વયજૂથમાં વિવિધ ટીમોએ ભાગ લીધો હતો. જેમાં દાહોદ જિલ્લામાંથી વિવિધ શાળાઓમાંથી ૬ વર્ષથી લઈને ૫૯ વર્ષ સુધીના તમામ વયજૂથના કલાકારોએ ઉપસ્થિત રહીને પોતાની કલાનું પ્રદર્શન કર્યું હતું. કલા મહાકુંભની સ્પર્ધા વયજૂથ અને કૃતિ અનુસાર પ્રથમ તાલુકા કક્ષા, જિલ્લા કક્ષા, પ્રદેશ કક્ષા અને છેલ્લે રાજ્ય કક્ષાએ યોજાય છે.
કલા મહાકુંભનો મુખ્ય ઉદ્દેશ્ય કલા જાગૃતિ, પ્રતિભા શોધ અને કલાકારોને યોગ્ય તક અને પ્લેટફોર્મ પૂરું પાડી શકાય સાથે કલાકારોને પોતાની પ્રતિભા થકી નવી ઓળખ મળી રહે તેમજ આ તમામ વયજૂથના કલાકારોને પ્રોત્સાહન મળે તે માટે રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે આ સ્પર્ધાનું આયોજન હાથ ધરવામાં આવે છે.
આ કલા મહાકુંભમાં કુલ ૩૭ જેટલી કૃતિની સ્પર્ધાઓ અલગ-અલગ વયજૂથ પ્રમાણે યોજાશે. જેમાં સાહિત્ય વિભાગની ૬ , કલા વિભાગની ૨ , નૃત્ય વિભાગની ૮ , ગાયન વિભાગની ૫ , વાદન વિભાગની ૧૪ અને નાટ્ય વિભાગની ૨ સ્પર્ધાઓ યોજાય છે.
આ કાર્યક્રમ દરમ્યાન સંસ્થાના મેનેજીંગ ટ્ર્સ્ટીશ્રી ગોપાલભાઈ ધાનકા, જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી જીગ્નેશ ડાભી, આશ્રમશાળાના આચાર્યશ્રી સુથાર, બી.એડ.કોલેજના આચાર્યશ્રી પંચાલ, સ્ટાફગણ તેમજ વિવિધ શાળાઓમાંથી સ્પર્ધામાં ભાગ લેવા આવેલ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
૦૦૦