*ફતેપુરા તાલુકાના સુખસર નુતન વિદ્યાલય ખાતે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ અંતર્ગત ૬૪૪ વિદ્યાર્થીઓને અપાયો પ્રવેશ*

Editor Dahod Live
3 Min Read

બાબુ સોલંકી :- સુખસર

*ફતેપુરા તાલુકાના સુખસર નુતન વિદ્યાલય ખાતે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ અંતર્ગત ૬૪૪ વિદ્યાર્થીઓને અપાયો પ્રવેશ*

સુખસર,તા.28

  ફતેપુરા તાલુકાની નુતન વિદ્યાલય સુખસર ખાતે પ્રવેશોત્સવ કાર્યક્રમમાં મહેમાન તરીકે પધારેલા ગુજરાત રાજ્ય ગૃહ વિભાગના ગૃહ સચિવ શ્રી અનિલભાઈ ચૌધરીનું નુતન વિદ્યાલય સુખસરની વિદ્યાર્થીનીઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું સાથે NCC ના વિદ્યાર્થીઓએ સેલ્યુટ આપી સ્વાગત કર્યું હતું.

               નુતન વિદ્યાલયમાં મુખ્ય મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરી પ્રવેશોત્સવ કાર્યક્રમની શરૂઆત કરી હતી. નૂતન વિદ્યાલયની વિદ્યાર્થીનીઓ દ્વારા પ્રાર્થના ગીત તેમજ સ્વાગત ગીત અભિનય સાથે રજૂ કર્યું હતું. નૂતન વિદ્યાલય સુખસરના સ્ટાફ દ્વારા પધારેલા મહેમાનોનું પુસ્તક આપીને સ્વાગત કરવામાં આવ્યું હતું.

       ગુજરાત રાજ્ય ગૃહ વિભાગના ગૃહ સચિવ શ્રી અનિલભાઈ ચૌધરીના હસ્તે ધોરણ છ ધોરણ નવ અને ધોરણ ૧૧ ના બાળકોને પુસ્તકો આપીને તેમનો શાળા પ્રવેશ કરાવ્યો હતો. જેમાં ધોરણ ૬ ના ૨૫ ધોરણ ૯ ના ૩૦૦ અને ધોરણ ૧૧ ના ૩૧૯ વિદ્યાર્થીઓને એમ કુલ ૬૪૪ વિદ્યાર્થીઓને શાળા પ્રવેશ કરાવ્યો હતો. સાથે જ ધોરણ છ થી બારમાં પ્રથમ ક્રમે આવનાર વિદ્યાર્થીઓને ઇનામ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

    આ પ્રવેશોત્સવ કાર્યક્રમ દરમિયાન ગુજરાત રાજ્ય ગૃહ વિભાગના ગૃહ સચિવ દ્વારા વિદ્યાર્થીઓને સંબોધન કરતા કહ્યું કે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા શૈક્ષણિક ક્ષેત્રે તમામ સુવિધાઓ પૂરી પાડવામાં આવી રહી છે અને દરેક શાળામાં કોમ્પ્યુટર લેબ, પ્રયોગશાળા, વિજ્ઞાનખંડ, સ્માર્ટ ક્લાસ રૂમ, ઇન્ટરનેટની સુવિધા, સહિત માળખાગત સુવિધાઓ પૂરી પાડવામાં આવી રહી છે ત્યારે વિદ્યાર્થીઓએ આ તકનો લાભ લઈ આગળ વધવાનું છે. વધુમાં તેમણે જીપીએસસી અને યુપીએસસીની પરીક્ષા પાસ કર્યા બાદ મળતી નોકરીઓ અંગે ચર્ચા કરી હતી સાથે જ સાયન્સ અને કોમર્સ તથા અન્ય અભ્યાસક્રમ અંગેની વિદ્યાર્થીઓ સાથે ચર્ચા કરી હતી. અને આવનાર સમયમાં વિદ્યાર્થીઓ ભણી ગણીને અધિકારી બની પોતાની શાળામાં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં આવી વિદ્યાર્થીઓને શાળા પ્રવેશ કરાવે તેવી આશા રાખી હતી. સાથે જ વાલીઓએ પોતાના બાળકોને સમયસર દરરોજ શાળાએ મોકલવા અને તેના ગૃહકાર્ય ની નોંધ લેવી અને સમયાંતરે શાળા પરિસરની પણ મુલાકાત લેવા જણાવ્યું હતું. 

           આ કાર્યક્રમમાં લાયઝન અધિકારીશ્રી, સી.આર.સીશ્રી, બી.આર..સીશ્રી , નિવૃત કર્મચારીઓ, વાલીઓ, ગામના આગેવાનો, શાળાના આચાર્યશ્રી, નુતન વિદ્યાલય સુખસર સ્ટાફ, તેમજ બાળકો ઉપસ્થિત રહ્યા હતા.

Share This Article